ઉત્સવ

હસવા જેવી જોડી: લોજિકની લૈલા, મેજિકનો મજનુ… ટાઈટલ્સ: જે ના સમજાય એ બધું ના સમજાય એવું નથી.

મિજાજ મસ્તી -સંજય છેલ

(છેલવાણી)
એક માણસને વિચિત્ર વહેમ થઇ જાય છે કે એ મરી ગયો છે. પત્ની- મિત્રો- બાળકો સૌ સમજાવે છે કે એ નથી મર્યો, પણ પેલો માણસ દલીલ કરે જ રાખે છે : ‘ના હું તો મરી જ ગયો છું…!’
આખરે સૌ એને મનોચિકિત્સક પાસે લઈ જાય છે. મનોચિકિત્સકે એને સારા કરવા માટે ૬ મહિના સુધી પેલા માણસને મેડિકલના પુસ્તકો અને માણસની શરીર-રચનાનો અભ્યાસ કરાવ્યો અને એને સમજાવ્યું કે મરેલા માણસનાં શરીરમાંથી લોહી ના નીકળે. પેલો માન્યો જ નહીં તો પછી એની પાસે લાશોને કાપવા, મડદા ઘરમાં કામ પણ કરાવ્યું ને છેવટે પેલાએ કહ્યું: ‘ઓકે! માન્યું કે મરેલાનાં શરીરમાંથી લોહી ના નીકળે.’

થોડા દિવસ બાદ મનોચિકિત્સકે એ વહેમી માણસની આંગળીમાં સોય ભોંકી, જેમાંથી લોહીનું ટીપું બહાર આવ્યું. ડોક્ટરે એને પૂછ્યું : ‘હવે બોલ?’

ત્યારે પેલાએ કહ્યું, “એ જ કે ઘણીવાર મરેલા માણસનાં શરીરમાંથી પણ લોહી નીકળી શકે છે!

‘હાલે-દિલ ’ નામની એક નાનકડી ફિલ્મના સંવાદોમાં મેં એક લાઇન લખેલી: ‘જહાં લોજિક ખતમ હોતા હૈ, વહાં મેજિક શુરૂ હોતા હૈ!’ (પછી તો અનેક ફિલ્મોમાં એનો ઉપયોગ ખતમ જ નથી થતો!) તર્ક- દલીલ- ચર્ચા, વગેરેમાં લોજિકને બદલે મનડાનાં મેજિકનું જ રાજ ચાલે છે.

લોકો અમુક માન્યતાઓને માનાં પાલવની જેમ જીવનભર વળગી રહે છે, જેમાં કોઈ લોજિક નથી હોતું.

જરા વિવાદાસ્પદ પણ રસપ્રદ ઉદાહરણ આપું છું કે આજે પણ અમેરિકામાં અનેક લોકો માને છે કે નીલઆર્મ સ્ટ્રોંગ નામનો અવકાશયાત્રી ચાંદ પર ગયો જ નથી! એ તો અમેરિકન સરકારે સ્ટેનલી ક્યુબ્રિક નામના મહાન ફિલ્મ નિર્દેશક પાસે કોઇ સ્ટુડિયોમાં શૂટિંગ કરીને ખોટેખોટે લોકોને એક ફિલ્મ દેખાડેલી, જેથી રશિયા પહેલાં અમેરિકાને અવકાશમાં જબરી સિદ્ધિ મળે! આમાં અમુક રશિયા તરફી કોમ્યુનિસ્ટ લોકોનું ઇમોશન કામ કરે છે.. લોજિક નહીં.

ઇંટરવલ:
જો તુમ કો હો પસંદ વો હી બાત કરેંગે
તુમ દિન કો કહો રાત તો હમ રાત કહેંગે (ઇંદીવર)
હવે વિવાદાસ્પદ પણ રસપ્રદ ઉદાહરણ લઇએ. વરસો સુધી લોકો માનતા આવ્યા છે અને હજુયે માને છે કે નેતાજી બોઝ વિમાન અકસ્માતમાં મર્યા નહોતાં પણ જીવિત હતા અને કોઇ સાધુવેશે (ગુમનામી બાબા’નાં નામે) ભારતમાં છુપાઇને વરસો સુધી રહેતા હતા.

જો કે નેતાજીના પત્ની -એમનાં દીકરી આવું ક્યારેય માનતા નહીં. ધારો કે એવું કદાચ હોય તો પણ એ સવાલ થાય કે નેતાજી જેવી પાવરફૂલ અને મહાન હસ્તી વરસો સુધી છૂપાઇને કેમ જીવે? અને શું ૮૦ કે ૯૦નાં દાયકા સુધી જીવે? ફરી એક વાર, અહીં પણ બહુ બહુ તો ૫૦ ટકા એમનાં જીવતા હોવાની શક્યતાવાળી વાત છે, પણ અહીં પણ ૧૦૦ ટકા લોજિક નથી. પણ નેતાજીના મહાન વ્યક્તિત્વનું મેજિક કામ કરે છે.

૨૦૦૬ના એક અભ્યાસમાં કેટલાક લોકોને છાપાંના બે લેખ આપવામાં આવ્યા. પહેલા લેખમાં ખોટી માહિતી આપવામાં આવેલી. જેમ કે- ‘કોકોકોલા પીવાથી પેટ સુધરે છે!’ જ્યારે બીજા લેખમાં આ ખોટી માહિતીને સુધારીને લખવામાં આવી હતી. પણ બીજો લેખ વાંચીને કોકોકોલાનાં ચાહકોએ નક્કી જ કરી લીધું કે બીજો લેખ ખોટો છે અને એ લેખ લખવા પાછળ કોઈ કાવતરું કે ષડ્યંત્ર છે. એટલે કે અભિપ્રાયમાં પણ પ્રેમ જેવું છે, કોઇ લોજિક ના ચાલે.

હવે સાવ લોજિક-હીન ઘટના જોઇએ. એકવાર બોસ્ટનથી શિકાગો જતી ફ્લાઈટમાં ટેઇક-ઓફ થયાને થોડી જ વારમાં મોટો આંચકો આવ્યો.. ફ્લાઈટના કેપ્ટને એનાઉન્સ કર્યું: આપણી ફ્લાઈટનું એક એન્જીન બગડી ગયું છે. પણ એનો અર્થ એ નથી કે આપણે શિકાગો ૧ કલાક મોડા પહોંચીશું. આપણે સમયસર જ પહોંચીશું…’

ડરેલા મુસાફરોએ થોડીવાર અંદરોઅંદર બડબડ કર્યા પછી શાંત થઈ ગયા, પણ ૧૨-ડી નંબરની સીટ પર બેઠેલા માણસે જોરથી કહ્યું, ‘હાશ! હું મારી ૩ વાગ્યાની અગત્યની મીટિંગ ચૂકીશ નહીં.’ થોડા સમય પછી બધાને બીજો આંચકો લાગ્યો. કેપ્ટને ફરી કહ્યું, ‘ચિંતા કરવા જેવું નથી.આપણું બીજું એન્જીન પણ બગડી ગયું છે. એનો અર્થ એવો નથી કે આપણે શિકાગો ૨ કલાક મોડા પહોંચીશું….’ બધાં આ વાત સાંભળીને પણ ચૂપ બેસી રહ્યા. ખાલી પેલો ૧૨- ઉ સીટવાળો માણસ અકળાઈને કહેવા માંડ્યો : ‘આ એરલાઈનની સર્વિસ સાવ વાહિયાત છે. હું શિકાગો ઊતરીને સૌથી પહેલાં એવિયેશન મંત્રીને ફરિયાદ કરીશ.’

થોડીવાર પછી ત્રીજો આંચકો… કેપ્ટને ફરી કહ્યું, ‘આપણું ત્રીજું એન્જીન પણ બગડી ગયું છે, પણ ડોન્ટ વરી. આપણી પાસે ચોથું એન્જીન છે. બસ, ખાલી આપણે ૩ કલાક જ મોડા પહોંચીશું…’
આ સાંભળીને બધાં ગભરાયા, પણ પેલા ૧૨-ડી સીટવાળાએ આખા પ્લેનમાં બધાં સાંભળે એટલા મોટા અવાજે કહ્યું : ‘હું આ એરલાઇન પર કરોડોનો કેસ કરીશ! કારણકે મને મીટિંગ કેંસલ થવાથી બહુ મોટું નુકસાન થશે.’

  ૧૦  મીનિટ પછી જોરમાં આંચકો  અને કેપ્ટને બરાડીને કહ્યું :  ‘ઓહ માય ગોડ..સોરી...હવે તો આપણું ૪ નંબરનું એન્જીન પણ બગડી ગયું છે! ’  સૌ ડરી ગયાં કે હવે શું થશે? પ્લેન નીચે ખાબકશે કે શું? પાઈલોટ પાસે પણ જવાબ નહોતો.... પણ પેલા ૧૨-ડી વાળાંએ આ વખતે નિરાંતે કહ્યું :  ‘ચાલો, આ સારું થયું. તેલ પીવા ગઇ મારી મીટિંગ! હાશ, હવે આપણે આખો દિવસ હવામાં જ રહીશું...! .’ 

હવે તમે જ કહો…છો આમાં કોઇ લોજિક?
આદમ: તું જગતમાં સૌથી સુંદર સ્ત્રી છે.

ઈવ: વાતમાં લોજિક નથી, પણ મને આ ગમ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…