ઉત્સવ

કચ્છના પેરિસથી ફ્રાન્સના પેરિસ સુધીની નોબત સફર!

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

દિવ્ય કલાકાર સુલેમાન જુમા લંગાએ ૧૪મી ડિસેમ્બર ૧૯૮૬ના રોજ મુન્દ્રા ખાતે ૮૧ વર્ષની જેફ વયે વિદાય લીધી અને કચ્છ જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતના કલાજગતે મોટો આંચકો અનુભવ્યો હતો. આમ તો પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી જનાર સુલેમાનબાપા કલાપ્રેમીઓના દિલમાં સ્મૃતિઓ દ્વારા આજે પણ જીવંત છે. વિદાય પછીના ચાર દાયકા પછી પણ નોબતવાદનની વાત કરતાં ઉસ્તાદો કે ઉસ્તાદ સુલેમાનબાપાની યાદ આવી જ જાય.

ફ્રાન્સના પેરિસ ખાતેના તા. ૭/૬/૧૯૯૫ના રોજ એફિલ ટાવર પાસે ‘ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’નું મંગલાચરણ જેના નોબત-શરણાઈ વાદનથી કરવામાં આવ્યું હતું તેવા સુલેમાનભાઈની સાધના વિશ્ર્વફલક પર વિસ્તરી ગઈ અને તેમણે કચ્છ જ નહીં ભારતીય સંગીત કળાને ગૌરવ બક્ષેલું. આમ, કચ્છનું પેરિસ ગણાતા મુન્દ્રાનું કૌવત અસલી પેરિસ સુધી પહોંચી શક્યું. લંગા જ્ઞાતિમાં આ કળા પરંપરાગત વારસામાંથી આવેલી જોવા મળે છે. આ વારસો પોતના અસલી સ્વરૂપમાં સચવાયો હોય તો તે કચ્છ અને રાજસ્થાનમાં જ સચવાયો છે. કહેવાય છે કે, વિશ્ર્વનું પહેલું વાદ્ય નગારું હતું અને આ નગારા જેવા પ્રાચીન તાલવાદ્ય પર શાસ્ત્રીયતા સિદ્ધ કરવાનું માન બાપાને ફાળે જાય છે. નગારું સંગીતમાંથી દૂર ફેંકાઈ ગયું હતું. કારણ કે, નગારું અને નોબત એ તાલ વાદ્ય છે. તેને શરણાઈના સૂર સાથે તાલ આપી સંગતમાં વગાડવામાં આવે, એકલા નગારાં ઉપર ગીતો ન વગાડી શકાય! એટલે કે, ગાયકની સાથે તાલ દેવામાં નગારૂં નકામું થયા, પરંતુ જેમ ઉત્તર ભારતમાં બિસ્મીલ્લાખાંએ શરણાઇને લોકપ્રિય બનાવી તેમ પશ્ર્ચિમ હિંદના આ કલાકારે નગારાને લોકપ્રિય બનાવવામાં મુખ્ય ફાળો આપ્યો હતો.

નોબત તાલવાદ્ય જે ખાસ કરીને દેવમહાલય એટલે કે, મંદિરોનાં નગારખાનામાં તથા રાજમહાલયોનાં નગારખાનામાં સ્થાન મેળવતું આવ્યું છે. અને તેનું લોક મહોત્સવોમાં પણ સ્થાન રહ્યું છે. લોકવાદ્યોને એની સાદગી અને સહજતા જ એનો સમૃદ્ધ વૈભવ છે!

સને-૧૯૦૫માં અંજાર તાલુકાના દેવળિયા ગામે સુલેમાનભાઈનો જન્મ થયેલ. વાદ્યકળાના સતત અભ્યાસથી તેઓ માત્ર ૧૨ વર્ષની વયે જ નગારાવાદનમાં પારંગતતા હાંસલ કરી લીધી હતી.
સુલેમાનબાપાએ વિધિવત તાલીમ તેમના ગુરુ ભચુ ઉસ્તાદ (તેરા-કચ્છ)ના શિષ્ય ઓસમાણ ઉસ્તાદ (અકરી-કચ્છ) પાસેથી લીધી હતી. ધીરે ધીરે તેઓની નોબતવાદનની સુવાસ ફેલાતી ગઈ, તે વખતના કચ્છના રાજવી મહારાવશ્રી ખેંગારજીબાવા સુધી પહોંચતા રાજ પરિવારના લગ્ન તથા અન્ય પ્રસંગોએ તેમને આમંત્રણ આપવામાંનું શરૂ થઇ ગયું હતું. તે સમયે વાઇસરોય લોર્ડ ઇરવીન જયારે ભુજ આવ્યા હતા ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે સુલેમાનબાપાએ તેમની નોબત-શરણાઇથી પ્રભાવિત કર્યા હતા. પ્રખ્યાત શહેનાઈવાદક બિસ્મીલ્લાખાં જયારે કચ્છ રાજના મહેમાન બનેલા ત્યારે પણ તેઓની સાથે નોબત-શરણાઈની સંગત કરી સુલેમાનબાપાએ માન મેળવેલું.

રાજકોટ આકાશવાણી કેન્દ્રના નિયામક તરીકે લોકસાહિત્યકાર જયમલ્લભાઈ પરમારે બાપાની વાદનકળાને આકાશવાણી પરથી પ્રસારિત કરી તેમને પ્રકાશમાં લાવવાનું કામ કર્યું હતું. એ પછી તો સને ૧૯૬૫થી આકાશવાણીનું ભુજ કેન્દ્ર શરૂ થતાં સુલેમાનબાપાએ ભુજ રેડિયો પર ઘણા કાર્યક્રમો આપ્યાં હતા. તેમજ અમદાવાદ, દિલ્હી આકાશવાણી પરથી પણ કાર્યક્રમો આપેલા.

અમદાવાદ દૂરદર્શનનું ઉદ્ઘાટન પણ પિતા-પુત્રની જોડી સુમાર સુલેમાન અને સુલેમાન જુમાના નોબત-શરણાઈવાદનથી થયેલું. ૧૯૬૮માં તેઓને પ્રથમવાર રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ પણ મળેલું. બાપાના નામે સને ૧૯૮૩માં કેન્દ્રીય સંગીત નાટ્ય અકાદમીનું મળેલ રાષ્ટ્રીય સ્તરનું સન્માન પણ ગૌરવસમાન છે. હાલ તેમનો પરિવાર આ કલાને સમર્પિતભાવે આગળ વધારી રહ્યા છે. માહિતી દેવા બાપાણા પૌત્ર જુસબભાનો ખાસ આભાર માનું છું.

સને ૧૯૭૦માં દિલ્હી ખાતે ‘ગાંધી દર્શન’ પ્રદર્શન પૂર્ણાહુતિ પ્રસંગે ગુજરાતના લોકસાહિત્ય કલાકારોનો ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયેલ. ને તે સમયે વિશ્ર્વ પ્રસિદ્ધ વાયોલિન વાદક યહૂદી મેન્યુહન પણ મહેમાન તરીકે હાજર હતા. તેઓને શરૂમાં ગુજરાતી દુહા-છંદમાં રસ પડયો. ત્યાર બાદ કચ્છની નોબત-શરણાઈ વાદનકળા સુલેમાન જુમા-સુમાર સુલેમાનની કલાકાર જોડીએ મંગલવાદ્યથી સૌને મંત્રમુગ્ધ કરેલા. યહુદી મેન્યુહને તરત જ સુલેમાનભાઈને ભેટીને ખુશ થઈ અભિનંદન પાઠવેલ. તે સમયના વડા પ્રધાન પણ તેઓની કલા માણીને અભિભૂત બની ગયા હતા.

ભાવાનુવાદ: પવિતર ઍડ઼ો કલાકાર માડૂ સુલેમાન જુમા લંગા ૧૪ ડિસેમ્બર ૧૯૮૬જો મુન્દ્રા ખાતે ૯૩ વરેંજી અજર વયેં વિદાય ગ઼િડ઼ે નેં કચ્છ જ઼ ન પણ સજ઼ે ગુજરાતજે કલાજગતકે વડો આંચકો લગો. હીં ત પિંઢજો નાલો સોનજે અખરેં છપાઇ વધંધલ સુલેમાનબાપા કલાપ્રેમીએંજે ધિલમેં સ્મૃતિઊં ભરાં અજ઼ પણ જીરા ઐં. વિડાયજા ચાર ડાયકે પૂંઠીયાં પણ નોબતવાદનજી ગ઼ાલીયું કરીંધે, ઉસ્તાદોં જે ઉસ્તાદ સુલેમાનબાપાજી જાધ અચી જ વિઞે.

ફ્રાન્સજે પેરિસમેં ૭/૬/૧૯૯૫ જે ડીં એફિલ ટાવર તેં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’જો મંગલાચરણ જેંજે નોબત-શરણાઈ વાદનસેં કરેંમેં આયો હો ઍડ઼ા સુલેમાનભાજી સાધના વિશ્ર્વફલક તેં વિસ્તરી વિઈ નેં ઇની કચ્છ જ નં પ ભારતીય સંગીતકલાકેં ગૌરવ ડેંરાયોં. નેં, કચ્છજે પેરિસ તરીકે ઓરંખાઇંધલ મુનરેજો કૌવત અસલ પેરીસ તઇં પુગી વ્યો. લંગેજી કોમમેં હી કલા પરંપરાગત વારસે મિંજાનું સરી અચેતી, નેં હી વારસો પિંઢજે મુર રૂપમેં સચવાયોં વે ત ખાલી કચ્છ નેં રાજસ્થાનમેં જ઼. હીં ચોવાજે તો ક, ધુનિયાજો પેલો વાદ્ય નગારો હો નેં હી નગારે જેડ઼ે પ્રાચિન તાલવાતેં શાસ્ત્રીયતા કરેંજો માન બાપાજે ફાડ઼ે વિઞેતો. નગારો સંગીત મિંજા પર્યા થિઇ વ્યો હો તેંજો કારણ આય ક, નગારો નેં નોબત ઇ તાલ વાદ્ય ઐં. તેંકે શરણાઈજે સૂર ભેરા તાલ ડિઇ ભેરો વજાયમેં અચેતો, એકલે નગારે મથે ગીત વજિ નતા સગ઼ે! ઇતરે ક, ગાયક ભેરા તાલ ડિનેલાય ખાલી નગારો નકામું સાબિત થ્યા. પણ જીં ભારતજે ઓતરેં પાસે બિસ્મીલ્લાખાં શરણાઇકેં પ્રિખ્યાત ક્યોં તીં આથમણે કોરા હિંદમેં હી કલાકાર નગારેકેં પ્રિખ્યાત કરેંમેં ગ઼્ચ ફાડ઼ો ડિંનોં.

નોબત જુકો ખાસ કરેંનેં મિંધર ઇતરે ક મિંધરેંજે નગારખાનામેં તીં રાજમહેલેંજે નગારખાનેમેં થાન ગ઼િનંધો આયો આય નેં ઇનકે લોકમહોત્સવેંમેં પ થાન મિલ્યો આય. લોકવાદ્યજી ઇનીજી સાદાઇ નેં સહજતા જ઼ ઇનીજો સમૃદ્ધ વૈભવ આય!

વરે ૧૯૦૫મેં અંજાર તાલુકેજે દેવડ઼િયા ગામમેં સુલેમાનભાજો જનમ. વાદ્યકલાજો લાગલગાટ અભ્યાસ કરેંસે ઇની બારો વરેંજી અવસ્થામેં જ઼ નગારવાદનમેં હથરોટી હાંસલ કરેં ગ઼િડ઼ો. સુલેમાનબાપા વિધિસરજી તાલીમ ઇનીજા ગુરુ ભચુ ઉસ્તાદ (તેરા-કચ્છ)જા ચેલા ઓસમાણ ઉસ્તાદ (અકરી-કચ્છ) વટાંનું ગ઼િડ઼ી હુઇ. હરેહરે ઇનીજી નોબતવાદનજી છટા પ્રિસરાંધિ વિઈ નેં ઊન સમોજા કચ્છજા રાજા મહારાવશ્રી ખેંગારજીબાવા વટ ગ઼ાલ પુંજંધે રાજ પરિવારજા વીંયામેં તીં બ્યેં પ્રિસંગતે ઇનીકે નોતરો જુડ઼ેજો ચાલુ થિઇ વ્યો. હુન સમોજા વાઇસરોય લોર્ડ ઇરવીન જડેં ભુજ આયા હોઆ તેર ઇનીજે ભવ્ય સ્વાગતલા સુલેમાનબાપા ઇનીજી નોબત-શરણાઇસેં રાજી ક્યાં વા. પ્રિખ્યાત શહેનાઈવાદક બિસ્મીલ્લાખાં જડેં કચ્છ રાજજા મેમાન ભન્યા વા તેર પણ ઇંની ભેરા નોબત-શરણાઈજી જુગલબંધી કરેં સુલેમાનબાપા માન હાંસલ ક્યોં હો.

રાજકોટ આકાશવાણી કેન્દ્રજા નિયામક તરીકેં લોક્સાહિત્યકાર જયમલ્લભાઈ પરમાર બાપાજી વાદનકલાકે આકાશવાણી તાંનું પ્રસારિત કરેં ઇનીકે ગ઼ચ અગ઼િયામ વધારેંજો કમ ક્યોં હો. હિન પૂંઠીયાં ત ૧૯૬૫નૂં આકાશવાણીજો ભુજ કેન્દ્ર સરૂ થીંધે સુલેમાનબાપા ભુજ રેડિયો તેં ગ઼ચ પ્રોગ્રામ ડિંનાં વા. તેં સિવા અમદાવાદ,
દિલ્હી આકાશવાણીતાનું પ કાર્યક્રમ ડનલ. અમદાવાદ દૂરદર્શનજો ઉદ્ઘાટન પ પે-પુતરજી જોડ઼ી સુમાર સુલેમાન નેં સુલેમાન જુમેજેં નોબત-શરણાઈવાદનસેં થ્યો હો. ૧૯૬૮મેં ઇનીકે પેલવેલો રાષ્ટ્રીય લેવલજે કાર્યક્રમમેં ભાગ ગ઼િનેજો મોકો મિલ્યો હો. બાપાજે નાંલે ૧૯૮૩જો કેન્દ્રીય સંગીત નાટ્ય અકાધમીજો પુરસ્કાર સન્માન પણ ગૌરવસમાન આય.

૧૯૭૦મેં દિલ્હી મેં ‘ગાંધી દર્શન’ પ્રદરસન સમાપ્તિ ટાંણે ગુજરાતજેં લોકસાહિત્ય કલાકારેંજો ત્રે ડીંજો કાર્યક્રમ યોજાણોં હો નેં ઊન સમોમેં વિશ્ર્વપ્રસિદ્ધ વાયોલિનવાદક યહુદી મેન્યુહીન પ મેમાન તરીકેં હાજર રયા વા. ઇનીકે સરૂમેં ગુજરાતી દુહે-છંદમેં રસ પ્યો. તેર પૂંઠીયાં કચ્છજી નોબત-શરણાઈ વાદનકલા સુલેમાન જુમા-સુમાર સુલેમાનજી કલાકાર જોડ઼ીએં ભરાં સુણીનેં ઘેલા ભની વ્યાવા. યહૂદી મેન્યુહને તેંરંઇ સુલેમાનભાકે ભેટ
ીનેં રાજી થિઇ અભિનંદન પાઠવ્યોં હો. હુન સ્મોજા વડા પ્રધાન પ બાપાજી કલા માણીનેં અભિભૂત ભની વ્યાવા.
વલો કચ્છપુર્વી ગોસ્વામી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button