ઉત્સવ

માખી, મકોડો, મૂરખ નર સદા રહે લપટાય, ભમર, ભોરિંગ, ચતુર નર કરડી આઘો થાય!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

કહેવતના લાઘવ અને પ્રભાવ વિશે તો વાચકો સારી પેઠે વાકેફ છે જ અને જ્યારે એમાં કવિતાનું તત્ત્વ ઉમેરાય પછી જે કહેવત કવિતા તૈયાર થાય એની તો વાત જ ન્યારી છે. છેલ્લા કેટલાંક હપ્તાથી આપણે આ અનન્ય સ્વરૂપનો આનંદ લઈ એનો આશય માણી રહ્યા છીએ. આજે એ સફરને આગળ વધારીએ જૈન મુનિ, વિદ્વાન, કવિ અને સાહિત્યકાર શ્રી હેમચંદ્રાચાર્ય કૃત કેટલીક પંક્તિઓથી. આ પંક્તિઓમાં ભાષા માધુર્ય હોવા ઉપરાંત એવો સુંદર બોધ સરળ ભાષામાં મળે છે કે ગરમ ગરમ શીરાની જેમ ગળામાં આસાનીથી ઊતરી જાય છે. ચાલો એનો આનંદ લઈ આપણી સમજણનો વિસ્તાર કરીએ. જીવન અને વૈરાગ્યના સાથે દર્શન કરાવતી હેમચંદ્રાચાર્યની પંક્તિ છે કે વહાલું ન કોને હો જીવવું, ધન કોને ન હો ઈષ્ટ, અવસર આવ્યે આ બેયને તૃણવત્ ગણે વિશિષ્ટ. ધન અને જીવન સહુ કોઈને અતિ પ્રિય – અતિ વહાલા હોય છે એ આપણે જાણીએ છીએ. જોકે, જ્યારે માનવ જીવનની ગતિ સ્થૂળ ભાવથી સૂક્ષ્મ ભાવ તરફની થાય ત્યારે ધન અને જીવન તૃણ એટલે કે તણખલા જેવા મામૂલી ભાસે છે. ભૌતિક સુખની ઈચ્છાની જાણે કે બાદબાકી થઈ જાય છે. પૃથ્વી પર વસતો દરેક જીવ અન્ય કરતાં અલગ હોય છે અને કોઈક અનન્ય પણ હોય છે. સજીવના લક્ષણનું દર્શન બહુ જ પ્રભાવી પંક્તિઓ દ્વારા હેમચંદ્રાચાર્યે કર્યું છે કે: માખી, મકોડો, મૂરખ નર સદા રહે લપટાય, ભમર, ભોરિંગ ચતુર નર કરડી આઘો થાય. લપટાય એટલે લોભ લાગવાથી એની આસપાસ મંડરાતા રહેવું. માખી ઉઘાડા ખોરાક પર ઉડાઉડ કર્યા કરે, મકોડાને ગોળની કણીને ચોંટી રહેવું ગમે અને મૂરખ માણસ લોભમાં લપેટાઈ જાય અને એ સ્વભાવને કારણે હેરાનગતિનો સામનો કરે. બીજી તરફ ભમરો, ભોરિંગ એટલે કે સાપ કરડીને તરત એ જગ્યાએથી સિફતથી નીકળી જાય અને પરિણામે તેમનું નુકસાન ક્વચિત જ થાય. એવી જ રીતે ચતુર માણસ પોતાનો હેતુ સરી ગયા પછી તરત પોબારા ગણી જાય. જીવનનું માર્મિક સત્ય અત્યંત સરળ ભાષામાં સમજાવ્યું છે. મુશ્કેલ કે વિષમ પરિસ્થિતિ સામે મક્કમ મનોબળથી મુકાબલો કરવાને બદલે ‘હું કેમ પહોંચી વળીશ’ એવી ફરિયાદ કરનારા લોકોના કાન આમળતી પંક્તિ છે: અમે થોડા રિપુ ઘણા, કાયર એમ ભણે, માથે જો, કે ગગન પર ઉજાસ કોણ કરે. રિપુ એટલે દુશ્મન. મોટી મુસીબત સામે હિંમતથી લડી લેવાને બદલે રોદણાં રડતા લોકોને સર્જક ગગનને નીરખવા કહે છે જ્યાં એકલો સૂરજ સમગ્ર પૃથ્વી પર છવાઈ ગયેલા અંધકારને દૂર કરી ઉજાસ ફેલાવે છે. ઝાઝા હાથ રળિયામણા એ ખરું પણ અપના હાથ જગન્નાથ એ પણ એટલું જ સાચું. હેમચંદ્રાચાર્યની દિલની દુનિયામાં લટાર મારતી અને રોમેરોમને રોમેન્ટિક કરી દેતી પંક્તિ છે: હાથ છોડાવી જાય તું, એમાં તને શું આપું દોષ, રૂદિયામાંથી નીકળી જો, ને જોજે મારો રોષ. નજર સામેનું સ્થાન ટેમ્પરરી હોય પણ દિલમાં બિરાજ્યા પછી તો પર્મેનન્ટ નિવાસ જ હોય. કવિશ્રી વટથી કહે છે કે ભલે તું આંખ સામેથી ઓઝલ થઈ ગઈ. એમાં તારો વાંક નહીં કાઢું. પણ ખબરદાર જો મારા દિલમાંથી નીકળી છો એવી ચેતવણી આપે છે. (વધુ કવિતા કહેવત આવતા સપ્તાહે).

भरमानेवाले शब्द

અનુસ્વાર, હ્રસ્વ ઈ – દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ – દીર્ઘ ઊ અને બીજા નજીવા ફરકથી અર્થમાં કેટલો મોટો ફરક પડી શકે છે એના ઉદાહરણોનો અભ્યાસ કરવાથી ગમ્મત સાથે જ્ઞાન બોનસમાં મળે છે. ભ્રમ પેદા કરતી ભ્રમ સફરનું આજનું પહેલું યુગ્મ છે तख़्त और तख्ता. શાબ્દિક રચનામાં ફરક છે માત્ર કાનાનો, પણ અર્થમાં ફરક છે આસમાન જમીન જેટલો. તખ્ત એટલે રાજાનું સિંહાસન. તખ્તા એટલે સ્ટેજ અથવા પાટ કે પાટિયું. આજનું બીજું યુગ્મ છે  तना और ताना. તના એટલે વૃક્ષનું થડ, પણ તને એક કાનો લાગવાથી બનતા શબ્દ તાનાનો અર્થ છે ટોણો મારવો. ક્યાં થડ અને ક્યાં ટોણો મારવો. અલબત્ત થડ મજબૂત ન હોય તો ડાળી અને પાંદડાં ટોણો મારે એ વાત જુદી છે. तनिक और तिनका વચ્ચેના અર્થફેરનો તફાવત પણ મજેદાર છે. તનિક એટલે થોડું, જરા. आप तनिक आगे बढ़ेंगे तो अच्छा होगा. આપ જરા આગળ વધશો તો મહેરબાની થશે. તિનકા એટલે તણખલું. तिनका तिनका जोड़ कर पक्षी घोसला बनाता है. હવે જે જોડીની વાત છે જેના અક્ષરદેહમાં મામૂલી ફરક છે, પણ અર્થનો ફરક ગંજાવર છે. तिल्ली और तीली. તિલ્લી એટલે બરોળ – પેટની અંદરનો પોલી ગોટલીના આકારનો એક નાનો અવયવ જે પાંસળીઓની નીચે ડાબી બાજુ હોય છે અને એનો સંબંધ પક્વાશય સાથે હોય છે. તીલી એટલે દીવાસળી અથવા પાતળી સળી કે તાર. थमना और थामना વચ્ચે ફરક ફરી એકવાર માત્ર કાનાનો છે, પણ અર્થમાં બે છેડાનું અંતર. થમના એટલે અટકવું, થોભવું કે રોકાવું. बारिश थमने का नाम ही नहीं लेता. થામના એટલે પકડવું કે ઝાલવું. एक बार हाथ थाम लिया तो छोड़ना नहीं.

भात आणि मीठ

સ્વાદમાં મીઠું અને સમાપનમાં ભાત એ ભારતીય ભોજનની લાક્ષણિકતા છે. મરાઠી ભાષામાં કહેવતો – રૂઢિપ્રયોગમાં ભાત અને મીઠું કેવા વણાઈ ગયા છે એ આપણે જાણીએ. મીઠું – સબરસ પરથી યાદ આવે છે કહેવત नावडतीचे मीठ अळणी. અળણી એટલે અલૂણું, મીઠા વગરનું અથવા મોળું. અણગમતી વસ્તુ હોય ત્યારે મીઠું પણ મોળું લાગે એવો શબ્દાર્થ છે. વાતમાં અતિશયોક્તિ છે પણ એનો ભાવાર્થ એમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી અણગમતી હોય ત્યારે એની દરેક બાબત યોગ્ય હોય કે અયોગ્ય, આપણને બિલકુલ પસંદ નથી પડતી. બીજી કહેવત છે खाल्ल्य़ा मिठाला जागणे. આ કહેવતનો ભાવાર્થ એમ છે કે કોઈ આપણને મદદરૂપ થયું હોય કે આપણા પર ઉપકાર કર્યો એ કયારેય વિસરી ન જવું. કાયમ દિલ – દિમાગમાં રાખવી અને વખત આવ્યે એ ઉપકારનો બદલો વ્યાજ સાથે વાળવો. दुधात मिठाचा खडा टाकणे. જો દૂધમાં મીઠાની કણી નાખવામાં આવે તો શું થાય? દૂધ ફાટીને બગડી જ જાય ને. કોઈ સારા કામમાં વિઘ્ન નાખવું કે કોઈને નિરુત્સાહી કરવું એ એનો ભાવાર્થ છે. ભાત એટલે રાંધેલા ચોખા. એના પરથી માર્મિક કહેવત છે કે शितावरून भाताची परीक्षा. ભાત રાંધ્યા પછી એનો એક દાણો ચાંપીને જોવાથી ભાત બરાબર તૈયાર થઈ ગયા છે કે નહીં એ સમજી શકાય છે. મતલબ કે નાના અમથા પરીક્ષણથી સર્વાંગ બાબતનું અનુમાન બાંધવું એ એનો ભાવાર્થ છે. असतील शिते तर जमतील भुते. ગોળ હોય ત્યાં માખી બણબણે એ કહેવત તમે જાણતા જ હશો. બસ એ જ અર્થ છે આ મરાઠી કહેવતનો. જે વ્યક્તિ પાસેથી લાભ મળવાની સંભાવના હોય એની આસપાસ લોકોનું ટોળું ઘૂમ્યા કરે એ હકીકત છે.

CHRISTMAS IDIOMS
ગુજરાતીમાં આપણે જેને નાતાલ તરીકે ઓળખીએ છીએ એ ક્રિસમસ તહેવારનો પ્રારંભ ૨૫ ડિસેમ્બરથી એટલે કે આવતી કાલથી થાય છે. English language has many Idioms and Proverbs related to Christmas. The first one is Jingle All the Way જેનો અર્થ થાય છે ઉતાવળમાં હોવું. આ રૂઢિપ્રયોગ નાતાલ ગીત ‘જિંગલ બેલ જિંગલ બેલ’ પરથી આવ્યો છે જેને ઉતાવળ અથવા તાત્કાલિકપણા સાથે સંબંધ છે. મુદત વીતી જાય એ પહેલા કામ પૂરું કરવા ઉતાવળ કરતી વ્યક્તિ માટે આ પ્રયોગનો વપરાશ કરવામાં આવે છે. કોઈ કામ બાબત રોમાંચ દર્શાવવા કે ઉત્સાહ પ્રગટ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. Lit up like a Christmas tree કહેવત કોઈ વ્યક્તિએ વસ્ત્ર પરિધાનમાં વધુ પડતી ચીવટ રાખી હોય એ માટે વપરાય છે. ક્રિસમસ ટ્રીનો શણગાર કેવો લથબથ હોય છે એ જ રીતે કોઈના સાજ શણગાર બહુ જ અલગ તરી આવતા હોય તોDone up like a Christmas tree કહેવાય છે. નાતાલની વાત નીકળે અને સાન્ટા ક્લોઝની વાત ન થાય એ શક્ય જ નથી. એક વિશિષ્ટ રૂઢિપ્રયોગ છે Santa’s Little Helper. મદદરૂપ થવાની ઈચ્છા અહીં ડોકાય છે. અલબત્ત સહાયરૂપ થવાની ભાવના ક્રિસમસ પૂરતી સીમિત છે. નાતાલના તહેવારની તૈયારી તેમજ ભેટ સોગાદ પહોંચાડવામાં અને શણગારમાં મદદરૂપ થતી વ્યક્તિના સંદર્ભમાં આ પ્રયોગ વપરાય છે. રજાના દિવસોમાં ઉત્સાહ વધારનાર કે નૈતિક હિંમત આપનાર વ્યક્તિને ઉદ્દેશીને પણ કહેવાય છે.A white Christmas રૂઢિપ્રયોગ સામાન્ય વપરાશનો નથી. ક્રિસમસ સોન્ગમાં એનો ઉલ્લેખ આવે છે. તહેવાર દરમિયાન વિશ્ર્વના અનેક ઠેકાણે ધરતી બરફ આચ્છાદિત હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. અલબત્ત ઑસ્ટ્રેલિયા આમાં સામેલ નથી હોતું કારણ કે એ દક્ષિણ ગોળાર્ધમાં હોવાને કારણે ક્રિસમસના ઠંડીના દિવસોમાં ત્યાં આકરો તાપ પડતો હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…