નેશનલ

હ્યુમન ટ્રાફિકિંગની શંકા: ફ્રાન્સે ૩૦૩ ભારતીયોને અટકાવ્યા

નવી દિલ્હી: ૩૦૦ પ્રવાસીઓ (મોટાભાગના ભારતીયો)ને લઈને નિકારાગુઆ જઈ રહેલા વિમાનને શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે પૅરિસ નજીકના હવાઈમથકે ‘ટૅક્નિકલ હૉલ્ટ’ દરમિયાન ફ્રાન્સના સત્તાધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા બાદ ફ્રાન્સસ્થિત ભારતીય એલચીકચેરીને વકીલની સહાય મળી હતી.

ફ્રાન્સના સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)થી ૩૦૩ પ્રવાસીને લઈને ઊપડેલા વિમાનને શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે ગુરુવારે ફ્રાન્સમાં ઉતારવામાં આવ્યું હતું. ભારતીય એલચીકચેરીના જણાવ્યા અનુસાર ફ્રાન્સના વહીવટકર્તાઓએ આ માહિતી અમને પૂરી પાડી હતી. ભારતીય એલચીકચેરીએ ત્યાર બાદ ત્યાં પહોંચીને વકીલ મેળવ્યો હતો.
અમે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને તમામ પ્રવાસીઓનું ધ્યાન રાખવામાં આવે તેની પણ ખાતરી કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

સમાચારપત્રના અહેવાલ મુજબ ફ્રાન્સના નેશનલ ઍન્ટી ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટે તપાસ હાથમાં લીધી છે.

તપાસકર્તાઓની વિશેષ ટૂકડી વિમાનમાં સવાર પ્રવાસીઓની સઘન પૂછપરછ કરી રહ્યા છે. બે પ્રવાસીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને બાકીનાની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

રોમાનિયન કંપની લૅજન્ડ ઍરલાઈન્સ સંચાલિત એ-૩૪૦ વિમાને ગુરુવારે વિમાનમથકે ઉતરાણ કર્યા બાદ તેને ત્યાં જ રોકી રાખવામાં આવ્યું હતું.

૩૦૩ પ્રવાસી (મોટાભાગના ભારતીયો-કદાચ તેઓ યુએઈમાં કામ કરતા હતા) સહિતનું વિમાન ઈંધણ ભરાવવા ત્યાં ઉતર્યું હતું.

એક અહેવાલ મુજબ ભારતીયોએ આ વિમાનપ્રવાસ મારફતે મધ્ય અમેરિકા જવાની અને ત્યાંથી અમેરિકા કે કૅનેડામાં ગેરકાયદે પ્રવેશવાની યોજના બનાવી હોવાની શક્યતા છે. વિમાને ફ્રાન્સમાં ઉતરાણ કર્યા બાદ
પહેલા તો પ્રવાસીઓને વિમાનમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ તેમને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને ટર્મિનલ બિલ્ડિંગમાં તેમને સ્વતંત્ર પથારી આપવામાં આવી હતી. સંપૂર્ણ ઍરપોર્ટને પોલીસે ઘરી લીધું છે. મળેલી બાતમી મુજબ વિમાનમાં એવા લોકો સવાર હતા જેઓ સંભવિત માનવ તસ્કરીનો શિકાર હોવાની શક્યતા છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button