કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ૨૪મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ અને કલોલ ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, એક દિવસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન પાંચ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે.
અમિત શાહ ૨૪મીએ સવારે ૧૦.૩૦ કલાકે મેમનગર સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના સ્વજનો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના આ કાર્યક્રમ બાદ કલોલ ખાતે પહોંચશે, જ્યાં પાનસર તળાવનું લોકાર્પણ કરશે અને વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે, એ પછી કલોલ ખાતેની એક હૉટેલમાં વિશાળ એકતા સંમેલન અને સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરશે. આ કાર્યક્રમ બાદ સાંજે પાંચ વાગ્યે અમદાવાદના સાબરમતી એઈસી ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર જનમહોત્સવ દ્વારા આયોજિત ખેલો ગાંધીનગર ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે, યુવાનોમાં રહેલા કૌશલ્યને યોગ્ય મંચ પૂરો પાડવા યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. એ પછી નવરંગપુરા ખાતે સાંજે સાત કલાકે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.