આમચી મુંબઈમહારાષ્ટ્ર

સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન એડમિટ: મરાઠા સમાજને રાહત

બીડ: મરાઠા સમાજને અનામત આપવાના સંદર્ભે રાજ્ય સરકાર અને અન્યો દ્વારા રજૂ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે દાખલ કરી લીધી છેે. મરાઠા અનામતની દિશામાં આ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ અંગેની માહિતી આપતાં મરાઠા અનામતના પિટિશનર વિનોદ પાટીલે કહ્યું હતું કે ક્યુરેટિવ પિટિશનની સુનાવણી આગામી 24 જાન્યુઆરીએ કરવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે ક્યુરેટિવ પિટિશન નકારવાને બદલે સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર કર્યો છે. આથી હવે અમને એવો વિશ્ર્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેની સુનાવણી થશે અને મરાઠા સમાજને હક્ક્નું આરક્ષણ મળશે.

મરાઠા અનામતના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ ઈન-કેમેરા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે પોતાનું વલણ રજૂ કર્યું હતું. ક્યુરેટિવ પિટિશનની સુનાવણી સ્વીકારવામાં આવી કે નહીં તેનો પ્રશ્ર્ન હતો, પરંતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે. મહારાષ્ટ્ર સરકાર અને મરાઠા સમાજ માટે આ મોટી રાહતની વાત છે.

સંયમ જાળવો: મુખ્ય પ્રધાન

મુંબઈ: 20મી જાન્યુઆરીથી મુંબઈમાં આમરણ ઉપવાસ પર બેસવાની મનોજ જરાંગે-પાટીલને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે સંયમ જાળવવાની અપીલ કરી હતી.
મુખ્ય પ્રધાને એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે મરાઠા અનામત અંગેની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં સ્વીકારવામાં આવી છે. આવી સ્થિતિમાં મરાઠા સમાજે અત્યારે સંયમ રાખવાની આવશ્યકતા છે. રાજ્ય સરકાર મરાઠા સમાજને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે. ફક્ત અન્ય સમાજને નુકસાન ન થાય એવી રીતે અનામત આપવામાં આવશે તેથી અત્યારે સંયમ જાળવવાની આવશ્યકતા છે. 24 જાન્યુઆરીએ સુનાવણી છે, રાજ્ય સરકાર તરફથી વકીલોની ફોજ ઉભી કરવામાં આવી છે. મરાઠા સમાજને ન્યાય આપવામાં આવશે.

હું કોઈની ધમકીથી ડરતો નથી: છગન ભુજબળ

મુંબઈ: મનોજ જરાંગે-પાટીલ દ્વારા ઉચ્ચારવામાં આવેલી ધમકીનો જવાબ આપતાં રાજ્યના પ્રધાન છગન ભુજબળે શનિવારે કહ્યું હતું કે મનોજ જરાંગેની યાદશક્તિમાં ગડબડ છે. એક જ ભાષણમાં તેઓ બેવડાં નિવેદન કરી રહ્યા છે. એક વખત હોટેલ વગેરે ભુજબળે સળગાવ્યા એવો આરોપ લગાવે છે. આ પહેલાં તેમણે કહ્યું હતું કે બીડ સરકારી અધિકારીઓએ સળગાવ્યું છે. જ્યારે આજની સભામાં તેમણે કહ્યું હતું કે મરાઠા સમાજની આડે આવતા નહીં, નહીં તો બીડમાં શું થયું હતું તે યાદ રાખજો. મિત્ર તરીકે એમને સલાહ આપું છું કે તેમણે અનુલોમ, વિલોમ, પ્રાણાયમ, ધ્યાન વગેરે કરવું. જોકે તેઓ મને મિત્ર માનશે નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે આવી ધમકીઓને ઘાસ નાખતો નથી. આખી જીંદગી દાદાગીરી સામે લડ્યો છું. જરાંગેના જન્મ પહેલાંથી લડી રહ્યો છું. મને જવાબદારી સમજાય છે. ઘડીએ ઘડીએ બોલશો તો મારે પણ બોલવું પડશે. 1991થી દેશમાં જાતી આધારિત વસ્તી ગણતરીની માગણી કરી રહ્યો છું. દેશમાં કોઈપણ એક જાત મોટી હોય પછી તે પાટીદાર હોય કે જાટ હોય તો પણ 16 ટકાથી વધુ નહીં હોય. ઓબીસી 374 જાતીનો સમુહ છે. મહારાષ્ટ્રમાં આ બધી જાતીઓ મળીને 54 ટકા થાય છે, બિહારમાં તે 63 ટકા સુધી છે, એમ ભુજબળે કહ્યું હતું.

કોલ્હાપુરમાં 24થી સાત જાન્યુઆરી સુધી જમાવબંધી

કોલ્હાપુર: મરાઠા અનામતના વિષય પર મનોજ જરાંગે-પાટીલે રાજ્ય સરકારને 24 ડિસેમ્બર સુધીની ડેડલાઈન આપી હતી. તેના ભાગરૂપે શનિવારે બીડમાં મરાઠા સભા આયોજિત કરવામાં આવી હતી. 24 ડિસેમ્બર સુધીમાં અનામતનો નિર્ણય નહીં લેવાય તો ફરી આંદોલનની ચિમકી જરાંગે પાટીલે ઉચ્ચારી હોવાથી કોલ્હાપુર જિલ્લા વહીવટીતંત્રે 24 ડિસેમ્બરથી લઈને સાતમી જાન્યુઆરી સુધી કોલ્હાપુરમાં જમાવબંધીનો આદેશ કાઢ્યો છે. જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button