આમચી મુંબઈમહારાષ્ટ્ર

20 જાન્યુઆરીથી મુંબઈમાં આમરણ ઉપવાસ, બીડમાં મરાઠા સમાજની સભામાં એલાન

મરાઠાની એકતાનો મહાપ્રલય અહીં હાજર છે, સરકાર જાગે: મનોજ જરાંગે-પાટીલ

બીડ: મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા મરાઠા સમાજના આંદોલનના ભાગરૂપે શનિવારે રાજ્યના બીડમાં આયોજિત કરવામાં આવેલી સભામાં આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે કહ્યું હતું કે સરકાર સમય પસાર કરીને મરાઠા સમાજની છેતરપિંડી કરી રહી છે. અમારી પણ મર્યાદા છે. હવે મુંબઈમાં ધસી જવાનું છે. 20 જાન્યુઆરીથી મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા આરક્ષણ માટે આમરણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી.

મરાઠા અનામત માટે લડનારા આંદોલનકારીઓને પોલીસે 18 જાન્યુઆરી સુધીની નોટિસો આપી છે તેના પર બોલતાં તેમણે કહ્યું હતું કે તમે લોકોના ટ્રેક્ટર રોકી શકો છો. પણ મરાઠાને રોકી શકશો નહીં. અત્યાર સુદી ખુબ થયું. હવે મુંબઈમાં 20 જાન્યુઆરીએ મરાઠા અનામત માટે આમરણ ઉપવાસ કરવામાં આવશે અને તેને માટે મરાઠા સમાજે શાંતીપુર્વક મુંબઈ આવવાનું છે.


મરાઠાની એકતાનો મહાપ્રલય બીડમાં એકઠો થયો છે અને હવે મરાઠા આરક્ષણ કેવી રીતે લઈએ છીએ તે જોઈ લેજો. મરાઠા આરક્ષણ મેળવીને જ રહીશું, એવો હુંકાર તેમણે કર્યો હતો.


મરાઠા સમાજ અત્યાર સુધી શાંત હતો, પરંતુ સરકારે હવે જાગી જવાની આવશ્યકતા છે. યેવલાનો એક પાગલ મને શીખવી રહ્યો છે, આને પ્રધાન કોણે બનાવ્યો એવો સવાલ કરતાં જરાંગે પાટીલે રાજ્યના પ્રધાન છગન ભુજબળની ટીકા કરી હતી.


તેમણે કહ્યું હતું કે મરાઠા સમાજ પર કલંક લગાવવામાં આવ્યા છે. કોઈ કહે છે કે અમારા ઘર સળગાવી નાખ્યા, કોઈ કહે છે કે હોટલ સળગાવી દીધી. મરાઠા પર ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે. મરાઠા સમાજે અત્યાર સુધી શાંતીથી મોરચા કાઢ્યા છે તો હવે તેઓ કોઈના ઘર શા માટે સળગાવશે? મરાઠા પર ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે. તેમના જ માણસોએ હોટેલો સળગાવી છે અને નામ મરાઠા સમાજનું લેવામાં આવી રહ્યું છે. સરકાર પણ તેમની જ વાત સાંભળે છે. હવે મરાઠા સમાજ જાગૃત થઈ ગયો છે. હવે મરાઠા આરક્ષણ કેવી રીતે લઈએ છીએ તે જોઈ લેજો, એમ જરાંગે-પાટીલે કહ્યું હતું.


રાજ્ય સરકારને ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે સરકારે શાણપણ અપનાવવાની આવશ્યકતા છે. તેના એકલાની વાત સાંભળીને જો તમે અમારા વિરોધી વલણ અપનાવવાના હશો, આરક્ષણમાં અવરોધ ઊભા કરવાના હશો તો સમજી જાઓ. મરાઠા સમાજને લટકાવી રાખશો નહીં. નહીંતર શાંતીમાં તમારા સૂપડાં સાફ કરી નાખવામાં આવશે. તમારું રાજકીય અસ્તિત્વ ખતમ કરી નાખવામાં આવસે. તમે નક્કી કરવામાં આવ્યા મુજબ મરાઠા સમાજને આરક્ષણ આપો નહીંતર આગામી આંદોલન તમને 100 ટકા ભારે પડશે.


હું આ લોકોથી મેનેજ થઈ શકતો નથી એ તેમની સમસ્યા છે. હું જીવતો છું ત્યાં સુધી મરાઠા આરક્ષણ મેળવીને આપીશ. મરાઠા સમાજ અને મારા સંબંધો માતા-પુત્રના છે. મરાઠા સમાજની આગામી પેઢીને આરક્ષણ મેળવી આપીશ. આની પહેલાની પેઢીનું જીવન આરક્ષણ વગર બરબાદ થઈ ગયું છે. હવે મરાઠા જાગૃત થયો છે.


ભગવાન પણ આડા આવશે તો પણ આરક્ષણ ઓબીસીમાંથી જ લઈશું. આપણે તે લઈને જ રહીશું. મરાઠા સમાજ જેમને મોટા કરે છે, તેઓ મરાઠાના મડદાં પડી રહ્યા હોય ત્યારે તે તરફ જોતા પણ નથી. હવે આવું ચાલશે નહીં. સરકાર ગંભીરતાથી લેતી નથી, પરંતુ હવે તેમને સીધાદોર કરવાની તાકાત મરાઠામાં આવી ગઈ છે. મરાઠાના મત મેળવીને તેમણે ભુજબળ જેવાને મોટા કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button