પ્રિયંકા ગાંધીની જગ્યાએ આ વ્યક્તિને બનાવી દેવાયા યુપીના પ્રભારી, લોકસભા માટે કોંગ્રેસે કર્યા આ ધરખમ ફેરફાર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં પ્રભારી પદ સંભાળી રહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને બદલે અવિનાશ પાંડેને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવી દેવાયા છે, બીજી તરફ સચિન પાલયટની છત્તીસગઢમાં પ્રભારી મહાસચિવ તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
મોટા ફેરફાર બાદ હાલપૂરતું પ્રિયંકાને અન્ય કોઇ પદ સોંપવામાં આવ્યું નથી. કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલી લિસ્ટ મુજબ મુકુલ વાસનિકને ગુજરાત મોકલી દેવામાં આવ્યા છે તો બીજીબાજુ જિતેન્દ્ર સિંહને આસામ અને મધ્યપ્રદેશનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કુમારી સૈલજાને ઉત્તરાખંડ મોકલવામાં આવ્યા છે. સંગઠનમાં વ્યવસ્થિત કોમ્યુનિકેશન જોવાની જવાબદારી વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ જોશે.
ગત 21 ડિસેમ્બરે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મોટી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં હારના કારણો અંગે ચર્ચા થઇ હતી અને સમીક્ષા કરવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદોના અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય લોકો પણ સામેલ થયા હતા. સૂત્રો મુજબ આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીને લઇને રણનીતિ ઘડવા અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી.
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વિધાનસભા ચૂંટણીના પરિણામોને અત્યંત નિરાશાજનક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ અત્યંત નિરાશાજનક હાર છે. ચૂંટણીઓમાં અમારા ખરાબ પ્રદર્શનના કારણોને સમજવા અને તેમાંથી જરૂરી બોધપાઠ લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ પહેલા જ સમીક્ષા કરી ચુક્યા છે. આગળ લોકસભા ચૂંટણીઓ પણ આવી રહી છે. આ બેઠક બાદ પક્ષમાં મોટા ફેરફારોની જાહેરાત થઇ હતી.