Land For Job Scam: EDએ તેજસ્વી યાદવને મોકલ્યું સમન્સ, 5 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ
પટણાઃ તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર તેમને સમન્સ મોકલીને 5 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું છે. EDએ તેમને નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં સમન્સ પાઠવ્યા છે. અગાઉ તેમને 22 ડિસેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ હાજર થઈ શક્યા ન હતા.
આ સમન્સ અંગે પ્રતિક્રિયા આપતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, ‘સમન્સમાં કંઈ નવું નથી. આ તમામ એજન્સીઓ – ED, CBI અને IT વિભાગ – ભૂતકાળમાં મને ઘણી વખત સમન્સ પાઠવી ચૂકી છે અને હું દરેક વખતે યોગ્ય રીતે હાજર થયો છું. પરંતુ હવે એવું લાગે છે કે તે નિયમિત બની ગયું છે.’
તેમના પિતા અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવને આ કેસમાં 27 ડિસેમ્બરે દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કથિત કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ યુપીએ-1 સરકારમાં રેલવે પ્રધાન હતા. લાલુ પ્રસાદ યાદવે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ એજન્સીઓની કોઇ ભૂલ નથી. તેમને આવું કામ કરવા માટે કહેવામાં આવ્યું છે,
પરંતુ મારે એ નિર્દેશ કરવો જોઈએ કે મેં થોડા સમય પહેલા કરેલી એક ભવિષ્યવાણી સાચી પડી છે…મેં કહ્યું હતું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થાય કે તરત જ આ એજન્સીઓનો ધમધમાટ ફરીથી શરૂ થઇ જશે. બિહાર, ઝારખંડ અને દિલ્હીમાં જુઓ. તમે જોઈ શકો છો કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે શું થઇ રહ્યું છે.
Land For Job Scam 2004 થી 2009 ની વચ્ચે થયું હતું જ્યારે લાલુ યાદવ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન શાસન દરમિયાન રેલવે પ્રધાન હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આરોપ મૂક્યો હતો કે ભારતીય રેલ્વેના નિર્ધારિત ધોરણો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરી રેલવેમાં લોકોને નોકરી આપવામાં આવી હતી. આ રીતે નોકરી મેળવનારા ક્યાં તો લાલુના સગા હતા અથવા તો એવા લોકો હતા, જેમણે લાલુના પરિવારના સભ્યોને “અત્યંત રાહત દરે” જમીન વેચી હતી. જો કે, યાદવ પરિવારે આરોપોને નકારી કાઢ્યા છે અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.