WHOનો દાવો વિશ્વભરમાં એક મહિનામાં 52 ટકા કેસ વધ્યા, તો શું કોરોના મહામારી ફરી આવી રહી છે?
કોરોના ફરી એકવાર વિશ્વને ડરાવી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા ખૂબજ ઝડપથી વધી રહી છે. કોરાના વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં વિશ્વભરમાં કોરોના સંક્રમણના કેસોમાં 52 ટકાનો વધારો થયો છે. WHOના ડેટા પ્રમાણે છેલ્લા મહિનામાં વિશ્વભરમાં કોરોનાના કુલ 8,50,000 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણને કારણે 3000 લોકોના મોત થયા છે. જો કે એ બાબત પણ છે કે છેલ્લા એક મહિનામાં મૃત્યુઆંકમાં 8 ટકાનો ઘટાડો થયો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે 17 ડિસેમ્બર સુધીમાં વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 77 કરોડને વટાવી ગઈ છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 70 લાખ લોકોના મોત થયા છે. વૈશ્વિક સ્તરે કોરોનાના 1,18,000 નવા કેસ નોંધાયા છે અને તેમાંથી 1600 થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર વૈશ્વિક સ્તરે કોરોનાના કેસમાં 23 ટકાનો વધારો થયો છે, જ્યારે આઈસીયુમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓમાં 51 ટકાનો વધારો થયો છે.
ત્યારે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં પણ પાછલા દિવસોની સરખામણીએ 23%નો વધારો થયો છે. WHO અનુસાર ઓમિક્રોન વેરિયન્ટ JN.1 ના કારણે કોરોનામાં વધારો થયો છે. અને તે વધારે ચેપી છે. ત્યારે WHO એ લોકોને રસી લેવા, માસ્ક પહેરવા અને સલામત અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે, જેથી કોરોના ચેપથી બચી શકાય. આ ઉપરાંત WHOએ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાના કિસ્સામાં ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી છે.