‘મમતામાં હિંમત હોય તો 2024માં વારાણસીથી ચૂંટણી લડે’… જાણો કોણે આવો પડકાર ફેંક્યો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના બીજેપીના નેતા અગ્નિમિત્રા પોલે મુખ્ય પ્રધાન અને TMC સુપ્રીમો મમતા બેનર્જીને 2024ની સામાન્ય ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. હાલમાં જ ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક દરમિયાન મમતા બેનરજીએ વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉમેદવાર બનાવવાનું સૂચન કર્યું હતું. મમતાના આ સૂચનના જવાબમાં પૉલે આ પ્રતિક્રિયા આપી છે
અગ્નિમિત્રા પોલે કહ્યું હતુ કે, ‘આ તો ડબલ કેરેક્ટર છે ને? લોકસભાની ચૂંટણી માટે સીટોની વહેંચણી પહેલા જો મમતા બેનરજી પાસે હિંમત હોય તો તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની જગ્યાએ ચૂંટણી લડવી જોઈએ. તમે વડાપ્રધાન બનવા માંગો છો ને? તેથી અમે ઈચ્છીએ છીએ કે અમારા મુખ્ય પ્રધાન વારાણસીથી વડાપ્રધાન સામે ચૂંટણી લડે. ચાલો જોઈએ તેમનામાં કેટલી હિંમત છે. બીજેપી વિધાનસભ્ય અગ્નિમિત્રાએ અધીર રંજન ચૌધરી પર નિશાન સાધતા કહ્યું કે, ‘અધીર બાબુને કહો કે બંગાળમાં સ્ટેટ કોંગ્રેસની ઓફિસને તાળું મારી દે અને નગરમાં TMC ઓફિસમાં જઈને ત્યાં બેસી જાય’.
અગ્નિમિત્રા પોલે કહ્યું હતું કે, ‘કોંગ્રેસનું કોઇ અસ્તિત્વ જ રહ્યું નથી. ઈન્ડિયા એલાયન્સનું નામ પણ મમતા બેનરજી નક્કી કરે છે. તેઓ એ પણ નક્કી કરશે કે કોણ વડાપ્રધાન બનશે. સીટની વહેંચણી 31મી ડિસેમ્બર સુધીમાં થવી જોઈએ કે નહીં તે પણ મમતા નક્કી કરશે. ત્યારે અધીર બાબુ બૂમો પાડશે કે અમે તૃણમૂલની નીતિને અનુસરતા નથી. હવે બંગાળની જનતા કોંગ્રેસની વાસ્તવિકતા જાણી ગઈ છે. હવે તેઓ મૂર્ખ નહીં બને. વર્ષ 2019માં પણ વારાણસી સીટ પરથી પીએમ મોદી સામે પ્રિયંકા ગાંધીની ઉમેદવારી અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ કોંગ્રેસે અજય રાયને હાઈ-પ્રોફાઈલ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા હતા.
ઈન્ડિયા ગઠબંધનની બેઠક બાદ જ્યારે મમતા બેનરજીને વારાણસીથી પ્રિયંકા ગાંધીની ઉમેદવારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘જે બન્યું છે તે બધું અમે કહી શકીએ નહીં’. ઈન્ડિયા બ્લોકની બેઠક દરમિયાન, ટીએમસી સુપ્રીમોએ જોડાણના સભ્યોને 31 ડિસેમ્બર સુધીમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવા વિનંતી કરી હતી. ટીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ મોટાભાગે સંમત થયા છે કે રાજ્ય સ્તરે બેઠકોની વહેંચણી ડિસેમ્બરના અંત સુધીમાં અને ટોચના નેતૃત્વ સ્તરે જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધીમાં નક્કી કરવામાં આવશે.