નેશનલ

યોગી આદિત્ય નાથ અને અરવિંદ કેજરિવાલને કોણે અને શા માટે એક રૂમમાં બંધ કર્યા હતા?

મુંબઈઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જાય છે ત્યારે તેઓ હંમેશા કોઈને કોઈ રાજકીય રહસ્યો ફોડી નાખે છે. તે રાજકીય ઘટનાઓ પર પણ ટિપ્પણી કરે છે, તેઓ ક્યારેય નેતાઓની જેમ પ્રવચનો નથી આપતા પણ હંમેશાં શ્રોતાઓ સાથે સંવાદ સાધતા હોય છે. તાજેતરમાં વિલે પાર્લેમાં એક કાર્યક્રમમાં પણ ગડકરીએ આ રીતે જ વાતવાતમાં એક રમૂજ કરી હતી.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઘણા મુદ્દાઓ પર ટિપ્પણી કરી. વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપ્યા. પાણીની સમસ્યા અને નદી જોડાણ પ્રોજેક્ટ પર ટિપ્પણી કરતી વખતે, તેમણે એક વાત કરી. તેમણે કહ્યું કે હું જળ સંસાધન ખાતાનો પ્રધાન હતો. તે સમયે મેં નદી જોડાણા પ્રોજેક્ટ માટે 49 પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. તે સમયે નદી મામલે રાજ્યોમાં ભારે ઝગડા હતા. આ ઝગડા 70 વર્ષથી ચાલતા હતા.


પાણી વિતરણના મુદ્દે ઉદ્ભવતા આંતર-રાજ્ય વિવાદોના ઉકેલ માટે ઘણી બેઠકો યોજવામાં આવી હતી. ત્યારબાદ મેં તમામ મુખ્ય પ્રધાનને બોલાવ્યા અને બહાર પટ્ટાવાળાને રૂમને તાળું મારવા કહ્યું અને જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી રૂમ ખોલવામાં આવશે નહીં તેમ મેં તમામ મુખ્ય પ્રધાનોને કહ્યું. આ રૂમમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરિવાલ પણ હતા. આ બે રાજ્યો વચ્ચે પણ મતભેદ હતા. ઘણા રાજ્યો વચ્ચેના મતભેદો હું નિવારી શક્યો પણ મહારાષ્ટ્ર અને કર્ણાટક તેમજ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેના વિવાદોન કોઈ રસ્તો મળ્યો નહીં.


લોકો સાથે વાત કરતા તેમણે એમ પણ કહ્યું કે આઝાદી સમયે પાકિસ્તાનને ત્રણ નદીઓ આપવામાં આવી હતી. ભારતને ત્રણ નદીઓ મળી. આપણી નદીઓનું હકનું પાણી પાકિસ્તાનમાં જતું હતું. મેં એ પાણી વાળ્યું. તેના માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. અમે પાણી ફરી વાળ્યું હોવાથી પાકિસ્તાન નારાજ હતું. પરંતુ અમે કાયદા પ્રમાણે સાચા હતા, એમ ગડકરીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button