નવી દિલ્હી: ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ જે WFI પ્રમુખ બન્યા તેના વિરોધમાં કુસ્તીબાજ સાક્ષી મલિકે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેમજ ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય કર્યો હતો. સાક્ષી મલિક અને બજરંગ પુનિયા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને પણ મળ્યા હતા. જ્યારે સાક્ષીને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા વિશે પૂછ્યું તો તેણે હજુ સુધી કંઇ નક્કી નથી એવો જવાબ આપ્યો હતો.
સાક્ષી મલિકે જણાવ્યું હતું કે કુસ્તીબાજોની લડાઈ બ્રિજ ભૂષણ સામે હતી. અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશન પર તેમનું જે શાસન ચાલે છે તેને ખતમ કરવામાં આવે. અમે સરકાર સાથે પણ ચર્ચા કરી હતી કે મહિલાને મહાસંઘની અધ્યક્ષ બનાવવામાં આવે. જેથી મહિલા કુસ્તીબાજોના શોષણની ફરિયાદો ન આવે તે માટે સરકારે અમારી માંગણી સ્વીકારવાની ખાતરી પણ આપી હતી. પરંતુ પરિણામ બધાની સામે છે, બ્રિજ ભૂષણનો ખાસ માણસ આજે ફેડરેશનનો પ્રમુખ બન્યો છે.
જો કે સાક્ષી એ જણાવ્યું હતું કે મેં કુસ્તી છોડી દીધી છે. હું અત્યારે પીડામાં છું. આમાંથી બહાર આવવામાં થોડો સમય લાગે છે. ભવિષ્યમાં શું કરાશ તે ખબર નથી હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. જો કે સાક્ષી અને બજરંગ પુનિયા 22 ડિસેમ્બરના રોજ પ્રિયંકા ગાંધીને મળવા ગયા હતા.
પ્રિયંકા ગાંધીએ કુસ્તીબાજોના આંદોલનમાં તમામ સહયોગની ખાતરી આપી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે જે મહિલા કુસ્તીબાજોએ સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ અપાવ્યું છે તેઓએ બીજેપી સાંસદ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો પરંતુ સરકારે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી. તેમજ ભારતીય જનતા પાર્ટી હજુ પણ આરોપીઓની સાથે ઉભી છે. નોંધનીય છે કે આ પહેલા દીપેન્દ્ર હુડ્ડા સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને તેમના ઘરે મળ્યા હતા, જ્યાં હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા પણ હાજર હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને