રેટ કટના આશાવાદે વૈશ્ર્વિક સોનું ત્રણ સપ્તાહની ટોચે
સ્થાનિકમાં ₹ ૫૦૯નો ઉછાળો, ચાંદીમાં ₹ ૩૬૮નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગમી વર્ષ ૨૦૨૩માં અમેરિકી ફેડરલ રિઝર્વ વહેલામાં વહેલા માર્ચ મહિનામાં વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવા આશાવાદે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ સુધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારનાં પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૬થી ૫૦૯નો ઝડપી ઉછાળો આવ્યો હતો. જોકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૬૮ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજી તરફી વલણ જોવા મળ્યું હતું. તેમ છતાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ રહ્યો હતો, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પાંખી રહી હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૬ વધીને રૂ. ૬૨,૫૯૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૦૯ વધીને રૂ. ૬૨,૮૪૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૬૮ વધીને રૂ. ૭૪,૯૧૮ના મથાળે રહ્યા હતા.
આગામી માર્ચ મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી રહી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ત્રણ સપ્તાહની ઊંચી ૨૦૫૪.૫૦ ડૉલરની સપાટીએ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ૦.૮ ટકા વધીને ૨૦૬૭.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ચાંદીના ભાવ સાધારણ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે રોકાણકારોની નજર વ્યાજદરમાં કપાત માટે સ્પષ્ટ સંકેત આપનારા મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નવેમ્બર મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે બજાર વર્તુળોના મતાનુસાર નવેમ્બર મહિનાના ફુગાવામાં ગત ઑક્ટોબર મહિનાના ૩.૫ ટકા સામે ૩.૩ ટકા વૃદ્ધિ જોવા મળશે.