‘પદ્મશ્રી’ પુરસ્કાર પરત કરશે બજરંગ પૂનિયા, વડા પ્રધાન મોદીના નામે પત્ર લખી કરી જાહેરાત
નવી દિલ્હી: ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પૂનિયાએ પીએમ મોદીને એક લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમની માગણીઓ ન સાંભળવાને કારણે પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી.
આ વર્ષની શરૂઆતથી ભારતીય કુસ્તીબાજોનો એક વર્ગ ભારતીય કુસ્તી મહાસંઘમાં બ્રિજભૂષણ શરણ સિંહની ચાલી રહેલી મનમાની અને તાનાશાહીનો વિરોધ કરી રહ્યો છે. બ્રિજભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો પણ આરોપ છે. બ્રિજભૂષણ શરણ સિંહ ભાજપના સાંસદ છે અને લાંબા સમયથી ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ છે.
તાજેતરમાં કુસ્તીબાજોના લાંબા આંદોલન બાદ તેમને પ્રમુખ પદ છોડવું પડ્યું હતું. જો કે જે નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે તે પણ બ્રિજભૂષણના નજીકના સાથી છે. આવી સ્થિતિમાં છેલ્લા ૧૧ મહિનાથી ચાલી રહેલા કુસ્તીબાજોનું આંદોલનનું કાંઇ પરિણામ મળ્યું નહીં. આ જ કારણ છે કે બજરંગ પૂનિયાએ પોતાનો પુરસ્કાર પરત કરવાની જાહેરાત કરી છે.