આતંકવાદીઓના હુમલાથી રોષે ભરાયેલી સેનાએ સેંકડો સૈનિક મેદાનમાં ઉતાર્યા
સર્ચ ઑપરેશન:પૂંચ જિલ્લામાં આતંકવાદીઓએ ગુરુવારે સેનાના બે વાહન પર કરેલા હુમલાના એક દિવસ બાદ એટલે કે શુક્રવારે સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હોવા ઉપરાંત બે ઘાયલ થયા હતા. (એજન્સી)
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: રાજૌરી અને પૂંચ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા સેના પર સતત કરવામાં આવી રહેલા હુમલાને કારણે રોષે ભરાયેલી ભારતીય સેનાએ હવે સેંકડો સૈનિકોને મેદાનમાં ઉતાર્યા છે તો તેમની મદદ માટે હૅલિકોપ્ટરો આકાશમાં પહેરો ભરી રહ્યા છે.
જોકે પાકિસ્તાનની સેનાના ભૂતપૂર્વ અધિકારીઓ આતંકવાદી બનીને આ વિસ્તારમાં સક્રિય બન્યા છે તે પણ ભારતીય સેના માટે ચિંતાનો મોટો વિષય બન્યો છે.
સેનાના જણાવ્યા અનુસાર સાતથી દસ પાક તરફી આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે જેમને ઠાર મારવા ઢીકેજી વિસ્તારમાં ભારતીય સેનાએ સેંકડો જવાનોને મેદાનમાં ઉતાર્યા છે.
ભારતીય સેનાના જવાનોની મદદ માટે તાલીમબદ્ધ શ્ર્વાનો, ડ્રોન અને લડાકુ હૅલિકોપ્ટરની સાથે સાથે એનઆઈએની ટુકડી પણ મેદાનમાં ઉતારવામાં આવી છે.
સેનાના જવાનો ઢેરા કી ગલીના જંગલોમાં સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે.
ઢેરા કી ગલીના જંગલોમાં ગુરુવારે સશસ્ત્ર આતંકવાદીઓએ સેનાના બે વાહન પર હુમલો કર્યો હતો.
હુમલા બાદ એ વિસ્તારમાં હાઈ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો હતો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
એ વિસ્તારમાં સર્ચ ઑપરેશન પૂરું ન થાય ત્યાં સુધી સ્થાનિક રહેવાસીઓને ઘરની બહાર ન નીકળવા જણાવી દેવામાં આવ્યું છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે કરવામાં આવેલા હુમલામાં એ જ આતંકવાદી જૂથ સામેલ હતું જે છેલ્લાં લગભગ દોઢ વરસથી આ વિસ્તારમાં સક્રિય છે.
પાકિસ્તાનની સેનાના ભૂતપૂર્વ અધિકારીઓ આતંકવાદી બનીને આ વિસ્તારમાં સક્રિય બન્યા હોવાને કારણે આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરવાનું ભારતીય સેના માટે મુશ્કેલ બની રહ્યું છે.
૩૬ મહિનામાં ૩૬ જવાન શહીદ, ૧૨ નાગરિક ઠાર
જમ્મુ: કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદે હવે રાજૌરી અને પૂંચ જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટી ગયા બાદ સુરક્ષા દળોનું દબાણ વધતાં આતંકવાદીઓએ રાજૌરી અને પૂંચને નવું ઠેકાણું બનાવી દીધું છે કેમ કે સેનાના અધિકારીઓ એ ભ્રમમાં હતા કે એલઓસી પાસે આવેલા આ બંને જિલ્લા આતંકવાદમુક્ત થઈ ગયા છે અને ત્યાં શાંતિ સ્થપાઈ ગઈ છે. આ કારણે જ ગુરુવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં ભારતના પાંચ જવાન શહીદ થયા હતા. આ સાથે જ છેલ્લાં ૩૬ મહિનામાં આ બે જિલ્લામાં શહીદ થયેલા જવાનોની સંખ્યાનો આંક ૩૬ થઈ ગયો હતો. આ જ સમયગાળામાં આતંકવાદીઓ ૧૨ નાગરિકને પણ ઠાર કરી ચૂક્યા છે. આ બંને જિલ્લા ભારતીય સેનાના ગળાની ફાંસ બની ગયા છે. ચિંતા એ વાતની છે કે આટલા પ્રયાસો પછી પણ સ્થાનિક નાગરિકો આતંકવાદ તરફ વળી રહ્યા છે.