ખુશી સે અપની રુસ્વાઈ ગવારા હો નહીં સકતી,ગરીબાં ફાડતા હૈ તંગ જબ દીવાના હોતા હૈ!
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
જબ તક બિકે ન થે તો કોઈ પૂછતા ન થા,
તુમને ખરીદ કર હમેં અનમોલ કર દિયા.
જબ દેખિયે કુછ ઔર હી આલમ હૈ તુમ્હારા,
હર બાર અજબ રંગ હૈ, હર બાર અજબ રૂપ.
કિસ્મત મેં જો લિખા હૈ, વો આએગા આપ સે,
ફેલાઈએ ન હાથ, ન દામન પસારિએ.
યે દિલ લગાને મેં મૈંને મઝા ઉઠાયા હૈ,
મિલા ન દોસ્ત તો દુશ્મન સે ઈત્તહાદ કિયા.
- આતિશ લખનવી
‘આતિશ’ લખનવી સ્વતંત્ર અને સ્વમાની સ્વભાવ ધરાવતા શાયર હતા. તેઓ લખનૌના રાજદરબારમાં કદી પણ સલામ કરવા ગયા નહોતા. તેમણે તેમની શાયરીમાં ક્યારેય કોઈ માટે વખાણ કર્યા નહોતા. પોતાના જર્જરિત મકાનમાં ઝૂકી ગયેલા છાપરાની છાયામાં કોથળો પાથરીને તેઓ બેઠા રહેતા. તેમની આખી જિંદગી ફકીરી અવસ્થામાં વીતી હતી. અમીર-ઉમરાવો સાથે તેમને ભળતું નહોતું તો ગરીબોને તેઓ અધિક ચાહતા હતા. વૃદ્ધાવસ્થામાં તેમની આંખો ચાલી જતા તેઓ લાચાર થઈ ગયા હતા. ૧૩ જાન્યુઆરી ૧૮૪૭ની એક સવારે અચાનક જ તેમના ગરીબખાનામાં તેમનું મૃત્યુ થયું હતું. ‘આતિશ’ની માલ-મિલકતમાં ઘરની રાખ સિવાય કશું જ
બચ્યું નહોતું. તેમની કફન-દફનની વિધિ તેમના મિત્ર અને શિષ્ય મીર દોસ્તઅલી ખલીલે પૂરી કરી
હતી.
‘આતિશ’નો અર્થ થાય છે અગ્નિ, ક્રોધ, બળતરા, પ્રકાશ. છતાં તેમની શાયરીમાં ઝાકળની ભીનાશ અને વાસંતી લીલાશ માણવા મળે છે. તેમનું મૂળ નામ ખ્વાજા હૈદરઅલી અને પિતાનું નામ ખ્વાજા અલીબખ્શ હતું. અલીબખ્શ દિલ્હીમાં રહેતા હતા, પરંતુ સંજોગવશ તેમને દિલ્હી છોડવું પડ્યું હતું. દિલ્હીથી તેઓ ફૈઝાબાદ જઈને વસ્યા હતા. આતિશનો જન્મ ઈ.સ. ૧૭૭૮માં ફૈઝાબાદના મુગલપરા મોહલ્લામાં થયો હતો. આતિશે હજુ બાળપણ વીતાવ્યું નહોતું ત્યાં જ તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. આ પછી આતિશ લખનૌ જઈને વસી ગયા હતા.
આતિશ નાનપણથી જ કવિતા લેખનના રંગે રંગાયા હતા. તેઓ ભલે પૂરતું શિક્ષણ લઈ શક્યા નહોતા. પણ પોતે પ્રતિભાવાન હોવાથી ફારસી અને અરબી ભાષામાં પારંગત બન્યા હતા. તેમના સેંકડો શિષ્યો હોવાનું એક કારણ આ પણ હતું. આતિશ લખનૌમાં વસવાટ કરતા હતા તે ગાળામાં ‘જુરઅત’, ‘ઈન્શા’ અને ‘મુસહફી’ જેવા શાયરોની શાયરીનો ડંકો વાગતો હતો. તે સમયે ખારિજી (બહિષ્કૃત-નાસ્તિક) શાયરીની બોલબાલા હતી. આતિશ મુસહફીના સંપર્કમાં આવ્યા અને તેમના શાગિર્દ બની ગયા. આતિશની સાફસૂથરી શાયરીને લીધે તેમના ગુરુનું નામ પણ રોશન થયું હતું. છતાં ગુરુ-શિષ્ય બંનેની શાયરીમાં ઉજાસ અને અંધકારનું અંતર છે. દિલ્હી ઘરાનાના શાયરોમાં ગાલિબ, મીર તકી મીર, મોમિનનાં નામો અમર છે તેમ લખનૌના શાયર તરીકે આતિશ સર્વશ્રેષ્ઠ ગણાય છે.
આતિશની રચનાઓનું એક પુસ્તક ‘દીવાને આતિશ’ તેમની હયાતીમાં છપાઈ ગયું હતું. બીજું પુસ્તક તેમની વિદાય પછી બહાર પડ્યું હતું. તેમના બંને પુસ્તકોમાં કુલ મળીને ૮૫૦૦ શે’ર ગ્રંથસ્થ કરાયા છે. તેમની શાયરીની ભાષા કહેવતો – રુઢિપ્રયોગોથી સભર છે. તેમની રચનાઓમાં લખનૌની બોલચાલની અને રોજિંદા વ્યવહારની ભાષાની ઝલકના સુંદર ઉદાહરણો જોવા મળે છે. કૃત્રિમતા, બનાવટ, પ્રેમાલાપ, પ્રેમાચાર, આત્મપૂજાથી તેમની શાયરી દૂર રહી છે. આ શાયર તેમની શાયરીમાં વ્યર્થ અને ભ્રામક અલંકારો ક્યારેય વાપરતા નહોતા. તેમની શાયરી સંગીતતત્ત્વ, રવાની અને શેરિયતથી તરબતર છે. તેમણે તેમના હૃદયગત ભાવો અને ઊર્મિઓ કોમળ ભાષામાં વ્યક્ત કર્યાં છે. ભાવોની બંદિશ, ભાષાનું માધુર્ય અને વિચારોના ઊંડાણને લીધે તેમની શાયરી આજે પણ એટલી જ તાજગીસભર અનુભવાય છે.
તેમના કેટલાક ચુનંદા શે’રનું રસદર્શન કરીએ:
- ઔર કોઈ તલબ ઈબનાએ-ઝમાને સે નહીં,
મુઝ પે એહસાં જો ન કરતે તો યે એહસાં હોતા.
દુનિયાના દોસ્તો પાસેથી મારે કશું જ જોઈતું નથી. મારી કોઈ માગણી નથી. આ લોકોએ મારી ઉપર કોઈ કૃપા ન કરી હોત તો એ જ મોટી કૃપા ગણાત.
- કૈસી કૈસી સૂરતોં કે અપને દિલ મેં દાગ હૈં,
ઈસ મુરકકે મેં ભી હૈ ક્યા ક્યા વરક તસવીર કા.
મારા દિલ પર કેવા કેવા ચહેરાઓના ડાઘ પડયા છે. આ આલબમમાં પણ તસવીરનાં કેવાં કેવાં પાનાં જોવા મળે છે!
- ઉલટા ઉધર નકાબ તો પરદે ઈધર પડે,
આંખોં કો બન્ધ જલવયે-દીદારને કિયા.
ત્યાં પરદો ખસી ગયો અને અહીં આખો પર પરદો પડી ગયો.
એમના દર્શન માત્રથી આંખો કેવી અંજાઈ ગઈ!
- ખુશી સે અપની રુસ્વાઈ ગવારા હો નહીં સકતી,
ગરીબાં ફાડતા હૈ તંગ જબ દીવાના હોતા હૈં.
પોતાની બદનામી તો કોઈથી યે સહન થતી હોતી નથી. પ્રેમનો દીવાનો જ્યારે ખૂબ જ કંટાળી જાય છે ત્યારે તે પોતાના કપડાં ફાડી નાખતો હોય છે.
- કરમ કિયા જો સનમને તો ઝિયાદા કિયા,
શબે-ફિરાક મેં મૈંને ખુદા કો યાદ કિયા.
સનમે મારા પર જે કૃપાદૃષ્ટિ કરી હતી તે વધારે પડતી હતી. માટે તો વિરહની રાત્રિ વેળા મેં ખુદાને યાદ કર્યા હતા.
- કુછ નઝર આયા ન ફિર જબ તૂ નઝર આયા મુઝે,
જિસ તરફ દેખા મુકામે-હૂ નઝર આયા મુઝે.
મારી નજરમાં જ્યારથી તું વસી ગયો છે ત્યારથી મને બીજું કશું જ નજરમાં આવતું નથી. મેં જે તરફ જોયું ત્યાં બધે જ મને તો ઈશ્ર્વરનો વાસ નજરે પડે છે.
- કાલિબે – ખાકી કી તો સુનતે હૈ ‘આતિશ’ ઝેરે-ખાક,
કુછ નહીં મઅલૂમ હમ કો રૂહ કિસ આલમ મેં હૈ.
આ કબરની માટીમાં અમને માટીના દેહની વાત સમજાઈ ગઈ છે, પરંતુ આત્મા કેવી દશામાં છે તે વિશે અમે કશું જ જાણતા નથી.
- ગયે જિસ બઝમ મેં રોશન ચિરાગે-હુસ્ન
સે કર દી,
બહારે તાઝા આઈ તુમ અગર ગુલઝાર મેં આયે.
તમે જે મહેફિલમાં ગયા ત્યાં તમારા સૌંદર્ય-દીપથી બધું ઝળહળ થઈ ગયું. તમે બગીચામાં ગયા તો ત્યાં પણ વસંતની તાજગી આવી ગઈ.
- ચમન મેં શબ કો જો વહ શોખ બેનકાબ આયા,
યકીન હો ગયા શબનમ કો આફતાબ આયા.
રાત્રિના બગીચામાં જ્યારે એ તોફાની બેનકાબ (પરદા વગર) આવ્યાં ત્યારે ઝાકળને વિશ્ર્વાસ થઈ ગયો કે હવે સૂર્યોદય થઈ ગયો છે. - તલાશે-યાર મેં ક્યાં ઢૂંઢિયે કિસી કા સાથ,
હમારા સાયા હમેં નાગવાર રાહ મેં હૈં.
પ્રીતમની શોધમાં કોઈનો સાથ શા માટે લેવો? એ રસ્તે તો મારો પડછાયો પણ મારો સાથી બને તે મને પસંદ નથી.
- રંગ બદલા નઝર આતા હૈ હવા કા મુઝકો,
ગુલે-તાઝા કોઈ ઈસ બાગ મેં બન્દા હોગા.
હવાના રંગમાં પરિવર્તન થયું હોય તેવું મને લાગે છે. બગીચામાં કોઈ તાજું ફૂલ સ્મિત વેરતું હોવું જોઈએ.
- મૌત માગૂં તો મિલે આરઝૂ એ ખ્વાબ મુઝે.
ડૂબને જાઉં તો દરિયા મિલે પાયાબ મુઝે.
હું મૃત્યુ માગું તો મને સ્વપ્નાની તમન્ના મળે છે ને ડૂબવા જાઉં તો ત્યાં ઘૂંટન સુધીનું પાણી હોય છે.
- દાગે – દિલ કી રૌશની કાફી હૈ ‘આતિશ’ ગોર મેં,
ગમ નહીં ઈસ કા ન હો અપના સરે-મદફન ચિરાગ.
મારી કબરમાં ઉજાસ માટે મારા દિલ પર લાગેલો ડાઘ પૂરતો છે. મારી કબર પર કોઈ દીપક ન હોય તેનું મને જરા પણ દુ:ખ નથી.
- દોનોં જહાં કે કામ કા રકખા ન ઈશ્ક ને,
દુનિયા – ઓ – આખેરત સે કિયા બેખબર મુઝે.
આ મોહબ્બતે તો મને આલોક કે પરલોક ક્યાંય માટે લાયક રાખ્યો નથી. દુનિયાદારી અને છેવટના અંજામથી મને અજાણ્યો (દૂર) રાખ્યો.
- નહીં દેખા હૈ લેકિન તુઝકો પહચાના હૈ ‘આતિશ’ને,
બજા હૈ ઐ સનમ જો તુઝકો દાવા હૈ ખુદાઈ કા.
ઓ પ્રિયા! મેં તને ભલે જોઈ નથી પણ ‘આતિશે’ તને બરાબર ઓળખી લીધી છે. દૈવી-સૌંદર્યનો તારો દાવો છે તે બરાબર છે.
- ફિરાકે – યાર મેં રહતા હૈ યૂં તસવ્વુરે – ગોર,
ખયાલ જૈસે મુસાફિર કા હો સરા કી તરફ.
પ્રીતમનો વિરહ હોય ત્યારે ધ્યાન કબર તરફ જતું હોય છે. જેવી રીતે મુસાફરનો ખયાલ ધર્મશાળા તરફ જતો હોય છે.