સુપ્રીમ કોર્ટના મહત્ત્વપૂર્ણ નિર્ણયો,જે વર્ષભર ચર્ચાનો વિષય રહ્યા
વિશેષ -શાહિદ એ. ચૌધરી
સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યા, જેની યાદી ખૂબ લાંબી છે અને તમામનો ઉલ્લેખ જગ્યાના અભાવે સંભવ નથી, પણ જે નિર્ણયોના જનજીવન પર ઊંડાં અને દૂરગામી પરિણામો થઇ શકે છે. તેને સંક્ષેપમાં જોવામાં આવે તો કેટલાક પ્રમુખ મુદ્દાઓ સાથે તેનું અવલોકન કરવું જરૂરી લાગે છે.
સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશની ખંડપીઠનો એક અતિ મહત્ત્વપૂર્ણ નિર્ણય ૧૮ મે, ૨૦૨૩ના આવ્યો, જેમાં તેમણે પોતાના ૨૦૧૪ના નિર્ણયને ફેરવીને જલ્લીકડુ, કંબાલા અને બૈલગાડા શરિયતની પ્રથાને અકબંધ રાખી. ભારતીય પશુ કલ્યાણ બોર્ડ બનામ એ નાગરાજ મામલામાં સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં આ પ્રથા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે આ પ્રતિબંધ બાદ તમિળનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રની રાજ્ય સરકારે પોતપોતાના કાયદાઓમાં સંશોધન કરીને આ પ્રથાના અભ્યાસની મંજૂરી આપી દીધી હતી. આ સંશોધનો વિરુદ્ધ મામલો ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને આ વખતે ખંડપીઠે પોતાના જૂના નિર્ણયને ફેરવી નાખ્યો.
ખંડપીઠે માન્યું કે ૨૦૧૭ના તમિળનાડુના નિયમોએ જનાવરો પર થનારી કોઇ પણ ક્રૂરતાને ઘણી હદ સુધી ઓછી કરવા માટે સાવચેતી રાખી છે. એ સિવાય સુપ્રીમ કોર્ટે તમિળનાડુ સરકાર દ્વારા જલ્લીકટુને એક સાંસ્કૃતિક અભ્યાસના રૂપમાં માન્યતા આપવાને રોકવાનો ઇનકાર કરી દીધો. એ સાથે અદાલતે જનાવરોને મૌલિક અધિકાર આપવામાં એટલા માટે સંકોચ કર્યો, કારણ કે તે ન્યાયિક દુસ્સાહસનું જોખમ નહીં ઉઠાવવા માગતી. બીજી તરફ પશુ અધિકારો માટે સંઘર્ષ કરી રહેલા એક્ટિવિસ્ટોએ આ નિર્ણયને તેમના પ્રયાસોમાં મોટા અવરોધ તરીકે જોયો.
રાજકીય દ્રષ્ટિએ સુપ્રીમ કોર્ટના બે ચુકાદા ખાસ કરીને મહત્ત્વપૂર્ણ રહ્યા. મહારાષ્ટ્ર શિવસેનામાં ફાટફૂટ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં સિવિલ સેવાઓની જવાબદારી. ૧૧ મે, ૨૦૨૩ના રોજ સુપ્રીમ કોર્ટે માન્યું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સત્તા પર આવ્યાની ઘટના ગેરકાયદે હતી. આમ છતાં તેમણે ‘ગેરકાયદે રાજ્ય સરકાર’ને બરખાસ્ત નહીં કરી, પણ શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોની અપાત્રતાનો મામલો મહારાષ્ટ્રના સ્પીકર પર છોડી દીધો. આ મામલામાં હજી સુધી નિર્ણય લેવાયો નથી. સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષની આંતરિક ખેંચતાણના આધારે શક્તિ પ્રદર્શનનો આદેશ આપવા માટે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીને તો આડે હાથ લીધા, પણ પક્ષના વિભાજનનાં પરિણામો નક્કી કરવાનો અધિકાર ચૂંટણીપંચ પાસે રહેવા દીધો. જોકે આ નિર્ણયની મહારાષ્ટ્રના રાજકારણ પર કોઇ વાસ્તવિક પ્રભાવ નથી પડ્યો.. જેથી આ વ્યાપક રીતે કમજોર માનવામાં આવ્યું. એટલે કે જે પક્ષની કેન્દ્રમાં સરકાર હશે તે રાજ્યપાલો અને ચૂંટણીપંચના માધ્યમથી રાજ્યોમાં ભવિષ્યમાં પણ મનમાની કરી શકે છે.
કેન્દ્ર અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીટી) દિલ્હી સરકાર વચ્ચે ખેંચતાણ પર સુપ્રીમ કોર્ટની બીજી ખંડપીઠનો ચુકાદો ૧૧ મે, ૨૦૨૩ના રોજ આવ્યો, જે અંતર્ગત એનસીટી માટે વિચારાયેલા સંઘીય ઢાચાને યથાવત રાખવામાં આવ્યો. એટલે કે પોતાના સિવિલ સેવકો પર એનસીટી સરકારનું જ નિયંત્રણ હશે. ખંડપીઠે ઉપ-રાજ્યપાલ (એલજી)ની વિવેકાધીન શક્તિઓ પર પ્રતિબંધોને પણ દોહરાવ્યાં, પરંતુ તે સાથે એનસીટી સરકાર પર સંસદની વિધાયકી શક્તિઓની પુષ્ટિ કરી. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારની જીત થોડા જ સમય માટે રહી, કારણ કે કેન્દ્રએ એક વટહુકમ થકી સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટી નાખ્યો અને એનસીટીમાં સિવિલ સેવકોની નિયુક્તિ પર એલજીને એકમાત્ર વિવેકાધીન શક્તિ પ્રદાન કરી દીધી.
કેન્દ્રની આ કાર્યવાહી વિરુદ્ધ દિલ્હી સરકારે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. બંધારણની કલમ ૧૪૨ મોટે ભાગે સુપ્રીમ કોર્ટને કોઇ પણ આદેશ આપવા અથવા પસાર કરવાના અધિકાર આપે છે. જે તેને ન્યાયના હેતુને હાંસલ કરવા માટે જરૂરી લાગતું હોય. હિંદુ વિવાહ ધારા ૧૯૫૫ની કલમ ૧૩બી અંતર્ગત આપસી સંમતિથી તલાકની જોગવાઇ છે, પરંતુ તેમાં તલાક પૂર્વે છ મહિનાની અનિવાર્ય પ્રતીક્ષા મુદતની શરત છે. ૧ મે, ૨૦૨૩ના સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સર્વસંમતિથી કહ્યું કે તેની પાસે કલમ ૧૪૨ અંતર્ગત સીધા તલાક આપવાના અધિકાર છે અને તેણે એક કિસ્સામાં પૂર્ણ ન્યાયની ખાતરી રાખવા માટે અસામાન્ય રીતે વિવાહ તૂટવા પર પ્રતીક્ષા મુદત માફ કરવાની સંમતિ પ્રદાન કરી, પરંતુ તે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે કલમ ૧૪૨ના અધિકાર ફક્ત વિશેષ સ્થિતિઓમાં જ લાગુ કરાશે.
ભોપાલમાં ૧૯૮૪ની ગેસ દુર્ઘટના એક એવી ઘટના છે જેના પર હજી સુધી પૂર્ણવિરામ લાગી શક્યું નથી. કેન્દ્ર સરકારે ૨૦૧૦માં પીડિતો માટે વળતર વધારવા યાચિકા દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ પાસે મોકલવામાં આવી હતી. તેના પર ૧૪ માર્ચ, ૨૦૨૩ના સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સર્વસંમતિથી કહ્યું કે વળતરમાં વૃદ્ધિને ઉચિત ઠેરવવા માટે કેન્દ્રના તથ્યમાં કોઇ કાયદાકીય આધાર નથી. જોકે અગાઉ અપાયેલા વળતરમાં એક મહત્ત્વનું અધિશેષ બાકી હતું. આથી કેન્દ્રને આદેશ આપવામાં આવ્યો કે તે આ રકમનો ઉપયોગ પીડિતોના ભવિષ્યના કોઇ પણ દાવાને પહોંચી વળવા માટે કરે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે ૨૫ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ૩:૨ના વિભાજિત ચુકાદામાં એવો આદેશ આપ્યો છે કે સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી ન થાય ત્યાં સુધી મધ્યસ્થી કરાર લાગુ થઇ શકે નહીં. બહુમતીવાળો ચુકાદો એવો હતો કે ભારતીય બોન્ડ એક્ટ અને ગરવારે વાલ રોપ્સ (૨૦૧૯)માં જણાવ્યા મુજબ જો સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવામાં ન આવી હોય તો અદાલત આવી મધ્યસ્થી સમજૂતીની યોગ્યતાને જાળવવામાં અસમર્થ રહેશે, કેમ કે આવી સમજૂતીની પ્રમાણિત નકલ પ્રાપ્ત થયા બાદ જ મધ્યસ્થી થઇ શકે છે અને તેને માટે સ્ટમ્પ ડ્યૂટી ચૂકવવી આવશ્યક છે. અસંમતિ નિર્ણયમાં એ ચિંતા વ્યક્ત કરાઇ કે આવું કરવાથી મધ્યસ્થીનો ઉદ્દેશ વિફળ થઇ જશે અને શુલ્ક સાથે સંબંધિત મુદ્દા પર નિર્ણય લેવો જોઇએ.
આ વર્ષે સુપ્રીમ કોર્ટે અભિવ્યક્તિ સ્વતંત્રતા અને સીલબંધ પરબીડિયાના ચલણ સંબંધમાં પણ મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો. જે સૂચનાઓ સીલબંધ પરબીડિયામાં કોર્ટને સુપરત કરાય તે વિપરીત પક્ષોની સામે પણ જાહેર નહીં કરી શકાય.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે મીડિયાવન અને ટીવીના પ્રસારણ પર રોક લગાવી હતી અને આનું કારણ સીલબંધ પરબીડિયામાં સુપ્રીમ કોર્ટને એ જણાવાયું હતું કે ચેનલના જમાત-એ-ઇસ્લામી હિંદ સાથે સંબંધ છે જે ચિંતાનો વિષય છે. સુપ્રીમ કોર્ટે ૫ એપ્રિલ, ૨૦૨૩ના રોજ પુરાવા અપૂરતા માની ચેનલ પર લગાવાયેલો પ્રતિબંધ હટાવી દીધો અને સીલબંધ પરબીડિયાના ચલણની એવું કહીંને આકરી આલોચના કરી કે આ પ્રથા અરજદારના અધિકારોને સૂકા ચર્મપત્રના રૂપમાં પ્રસ્તુત કરે છે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉપરાંત સુપ્રીમ કોર્ટે ૩:૨થી ૧૭ ઑક્ટોબર, ૨૦૨૩ના સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ સુપ્રીમ કોર્ટે ધારા ૩૭૦ને રદ કરવાને માન્યતા આપી. એ સાથે કેન્દ્રને આદેશ આપ્યો કે તે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો માન્ય કરે અને સપ્ટેમ્બર, ૨૦૨૩માં ત્યાં ચૂંટણી યોજે.