ભેળ ખાવી છે કે દાંત ખોતરવા છે…?વિઝિટિંગ કાર્ડ હે ના..!.’
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
વિઝિટિંગ કાર્ડ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે ઘણા કારણ છે. લોકો ડિજિટલ એડ્રેસ કે ફોન નંબર કે બિઝનેસ કાર્ડ મોકલી દે, પરંતુ એ એવા લોકો છે જે પોતાનું હુલામણું નામ પણ બદલાવી શકતા નથી. ફઈ એ ગમે તેવું સારું નામ પાડ્યું હોય, પરંતુ બુધા’ તરીકે પ્રખ્યાત થયા પછી મરે ત્યાં લગી બુધો જ રહે.
રાજકારણીઓ પોતાના કાર્ડ છપાવતા નથી, કારણ કે ઓછમાં ઓછા ૫૦૦ છપાવવા પડે.જે પક્ષમાં હોય તે પક્ષનું કાર્ડ છપાવ્યું હોય ૫ ૦૦ કાર્ડ પુરા થાય તે પહેલા તો ભાઈ પક્ષ બદલીને બીજા પક્ષમાં ચાલ્યા ગયા હોય પછી ચેકચાક કરી કોઈને કાર્ડ આપવું તેના કરતાં ન છપાવવું સારું.
જો કે સમજદાર રાજકારણી અલગ અલગ પક્ષના વિઝિટિંગ કાર્ડ આગોતરા છપાવી રાખે. જ્યારે જે પક્ષમાં હોય તે પક્ષનું કાર્ડ પકડાવી દેવાનું…!
એક જમાનો હતો જ્યારે એક ગામથી બીજા ગામ ખરીદી કરવા જવું પડતું. રૂપિયાનું હજુ એટલું મહત્વ નહોતું વધ્યુ એટલે વિનિમય પ્રથા અમલમાં હતી. મેં તો સાંભળેલું છે કે ચૂનિયાના પરદાદા એક બકરીના બદલામાં પત્ની લાવેલા! ચૂનિયાના પરદાદા ખૂશ હતા કેમ કે ઢીક મારતી, ખૂબ ખાતી, સતત રાડો પાડતી બકરી આપીને સુશીલ પત્ની લાવ્યા. મેં એ પણ સાંભળેલું છે કે બકરીની જેમ જ પછી એમની પત્ની ઢીક મારતી-ખૂબ ખાતી ને ચૂનિયાના પરદાદાને ખૂબ સંભળાવતી. ટૂંકમાં કહીએ તો જેવું વાવો એવું લણો. જો કે સામેવાળા છેવટ સુધી એમ જ કહેતા હતા કે આ પ્રેમનો સોદો છે, વિનિમય પ્રથાનો ભાગ નથી! આ વિનિમય પ્રથા ચાલુ રાખવા માટે એકબીજાના સરનામાની આપ- લે થતી. જો કે બદલાતા યુગ સાથે માણસની પ્રકૃત્તિ બદલાતી ગઈ.. વૈજ્ઞાનિકો ભલે કહે જરૂરિયાત એ શોધખોળની માતા છે’ પણ મારુ તો દ્રઢપણે માનવું છે કે માણસની આળસવૃત્તિ અને કંટાળો જ શોધખોળનું કારણ બને છે. .
ગ્રેહામ હામ બેલે ટેલિફોનની શોધ કરી પણ મારુ માનવું છે કે એ માટેનું કારણ એમનું સાસરાપક્ષ જ હશે. બે-ચાર દિવસે નાની નાની વાત કરવા માટે સહકુટુંબ સાસરિયાઓ ધામા નાખતા હોય તો બચારો આવો રસ્તો ન કાઢે તો શું કરે?
આવી તો ઘણી શોધો થઈ છે. જેમ કે કપડા ધોવાવાળી બાઈ વારેઘડિયે રજાઓ પાળે અને આજુબાજુની ગોસીપ સાંભળવા ન મળે તો કેટલી અકળામણ થાય એટલે વોશિંગ મશીનની શોધ થઈ. એનાથી કામવાળીને રજા નથી મળી, પરંતુ એને જેટલો સમય વધાર મળે એટલો સમય આડોશી પાડોશીની વધુ ગોસીપ થાયને?!
આજનો વિષય શોધ -સંશોધન નથી, પણ એકબીજાને મળવા માટેનો સરળ રસ્તો એટલે કે વિઝિટીંગ કાર્ડ છે. વર્ષો પહેલા એક ભજનિકે પોતાનું કાર્ડ છપાવ્યું પછી પહેલું કાર્ડ એમણે એના તબલચીને આપેલું. મને આજે પણ એ દ્રષ્ય યાદ છે કે તબલચી તબલાની થાપો ચૂકી જતો હતો કેમ કે આ એક નવા ગેઝેટની શોધથી એ અભિભૂત થઈ ગયેલો. કાર્યક્રમ પૂરો થયા પછી એનો પહેલો સવાલ હતો : ’આ શું છે?’ ભજનિકે એને વિગતવાર સમજાવ્યો કે એનો કોઈએ સંપર્ક કરવો હોય તો ફોન નંબર અને સરનામું લખેલું છે અને ઉમેર્યુ કે એક કાર્ડની કિંમત ૯૦ પૈસા છે. (આખા પ્રોગ્રામની કિંમત ૨૦૦ રૂપિયા હતી…!) ભજનિકે તબલચીને સલાહ આપી કે એ પણ કાર્ડ છપાવી લે. તબલચીનો જવાબ હતો કે ’છપાવી તો લઉં પણ સામે વાળા પાસે ૯૦ પૈસા ખુલ્લા હોય કે નહીં અને પાછા ૧૦ પૈસાના સિક્કાઓની પણ તંગી છે’ તબલચીને ખબર પડી કે આ કાર્ડ મફતમાં આપવાનું હોય ત્યારે એનો વસવસો એ હતો કે ૧૦ રૂપિયાનું કુલ બજેટ તેનું હોય અને જો આ રીતે કાર્ડ વહેંચે તો પછી ઘેર શું લઈને જવાનું?
તમે રખે ને નહીં માનતા કે વિઝિટીંગ કાર્ડ લોકો માત્ર જાણકારી માટે જ લઈ જાય એવું નથી. મેં પણ એક જમાનામાં વિઝિટીંગ કાર્ડ છપાવેલા અને એ પણ પ્લાસ્ટીક કાર્ડ કેમ કે જાડા કાગળના હોય તો પણ કાર્ડ બગડી જાય માટે લાંબો સમય સુધી ટકેલા રહે અને હું માનતો કે લોકો કાર્ડ જોઈને પણ પ્રોગ્રામ આપે. તમે નહીં માનો કે પ્લાસ્ટીક કાર્ડની ખબર પડ્યા પછી એકવાર મારા શૂટીંગમાં ચાર પાંચ બાળક દોડતા આવ્યા અને મારી પાસે કાર્ડ માંગ્યુ. મેં એક કાર્ડ આપીને કહ્યું : બધા મારો નંબર યાદ રાખી લેજો, પણ બાળકોની જીદ્દને લીધે બધાને કાર્ડ આપવા પડ્યા. મનમાં ખુશી હતી કે આ કાર્ડ જરૂર બાળકોના મમ્મી પપ્પા સુધી પહોંચશે અને મને બે-ચાર નવા પ્રોગ્રામ મળશે પણ જેવું શૂટીંગ પત્યું અને હું બહાર નિકળ્યો ત્યારે ખબર પડી કે કાર્ડ તો મમ્મી-પપ્પાઓએ જ મંગાવ્યા હતા પણ પ્રોગ્રામ આપવા માટે નહીં, એ બધાએ બાળકોને ભેળ ખવડાવવી હતી અને ચમચીની વ્યવસ્થા નહોતી!
મારા પ્લાસ્ટીક કાર્ડના ઉપયોગો વિસે તમને કહું તો તમને પણ દુ:ખ થાય. અમારા સૌરાષ્ટ્રના લોકો પાન, ગુટકા, ફાકી સતત આરોગતા હોય અને પછી પાછા મારી પાસે કાર્ડ માંગે. પછી એ લોકો મારી નજર સામે મારા જ કાર્ડથી લાલ સડેલા દાંત વચ્ચેથી સોપારી કાઢે…!
હમણા જ એક કાર્યક્રમ પછી લોકો કાર્ડ માંગવા માટે લાઇનમાં હતા. એક સુંદર બહેન (કોઇકના) મને ક્યારના જોઈ રહ્યા હતા અને ખૂબ જ પ્રેમભર્યા શબ્દ સાથે એમણે મારુ કાર્ડ માગયું અને ટકોર પણ કરી કે મારો પર્સનલ નંબર પણ તેમાં લખેલો છે. બહેને (કોઇકના) તરત જ પાછળ કંઈક લખ્યું અને મને પરત આપતા કહ્યું ’હું પણ ભજનિક છું અને હું પણ પ્રોગ્રામ આપુ છું એટલે જો ક્યારેય કામ પડે તો ચોક્કસ યાદ કરજો…!
મોટાભાગના લોકો આવાં કાર્ડને કચરાપેટીમાં નાખે અથવા ફાડીને રસ્તા પર ફેંકે. ભારતિય માનસિકતા મુજબ કોઈ પણ કાર્ડ છપાવો એટલે આગળ પાછળ માતાજીનો ફોટો છપાવી નાખો એટલે મજાલ છે કોઈની કે કાર્ડ ફેંકે કે કચરા ટોપલીમાં નાખે?!
તમે નહીં માનો પણ અમારા ઘણા કલાકાર મિત્રોના કાર્ડ એટલા માટે લોકો માંગતા હોય કે કાયમ માટે યાદ રહે કે ગમે તે થાય આ કલાકારને તો બોલાવવા જ નહીં…!
વિચારવાયુ
જગતમાં સૌથી મોટું વિઝિટીંગ કાર્ડ હોય તો ઘરવાળી… તમે ન હો તેવા પણ એ દેખાડવાની ક્ષમતા માત્ર ઘરવાળીમાં જ હોય…!