વિપક્ષોને સકારાત્મક રાજનીતિ કરતા કોણ રોકે છે?
આ રાજ્કારણીઓને પોતાની લીટી મોટી કરવાને બદલે બીજાની લીટી નાની કરવાનું કેમ ગમે છે?
કવર સ્ટોરી -મુકેશ પંડ્યા
લોકસભાના શિયાળુ સત્રમાં ૧૪૧ સભ્યને નિલંબિત કરવામાં આવ્યા એ એક નિરાશાજનક રેકોર્ડ બની ચૂક્યો છે. કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધી બહાર કહેતા ફરે છે કે મને સંસદમાં બોલવા નથી દેતાં.. હકીકત એ છે કે કૉંગ્રેસી સહિત અન્ય વિપક્ષીઓ સંસદને ચાલવા નથી દેતાં. સંસદ ચાલે તો કોઈ બોલી શકે ને ? હાલમાં સંસદ પર થયેલા હુમલાથી માંડીને ભૂતકાળમાં ઈન્ટોલરન્સ, નોટબંધી, રાફેલ, કૃષિ કાનૂન, જી.એસ., ટી. નવા સંસદ ભવનનું નિર્માણ જેવા અનેક મુદા પર સરકાર સાથે સકારાત્મક ચર્ચા વિરોધ કરવાને બદલે સંસદની કાર્યવાહી જ ઠપ થઈ જાય એવી નકારાત્મક કામગીરી ભજવવામાં વિપક્ષો જ આગળ છે.
અત્યારની વાત કરીએ તો પ્રદર્શનકારીઓએ જે સંસદ પર હુમલો કર્યો એ પવિત્ર મંદિર જેવી ગણાતી ઈમારત માત્ર મોદી કે ભાજપની નથી. એ વિપક્ષોની પણ છે-પૂરા દેશની છે. દેશની ૧૪૦ કરોડ જનતાની છે. એના પર થયેલો હુમલો પૂરા દેશ પર થયેલા હુમલા બરાબર છે- સરહદ પર થયેલા હુમલા બરાબર છે. આવી કોઈ ઘટના બને ત્યારે વિપક્ષોએ સરકારની સાથે એક થઈને ઊભા રહેવાને બદલે સામે થવાનું ઘૃણાસ્પદ કાર્ય કર્યું છે.
સંસદમાં સૂરક્ષા ચૂક થઈ છે એ માન્યું. તેનો પ્રચંડ વિરોધ કરો એ પણ વાત સ્વીકાર્ય , પણ જેમણે હુમલો કર્યો છે તેને વખોડતા શબ્દો બોલવાના સમયે વિપક્ષીઓના મોંમાં મગ કેમ ભરાઈ જાય છે ?
આજ કાલ સોશિયલ મીડિયાના પ્રતાપે જનતાને સીધો એવા મેસેજ મળે છે કે વિપક્ષોની પોલ ખૂલી જાય. કોઈ હુમલાખોર કૉંગ્રેસ તરફી છે તો કોઈ ડાબેરીવાદનો હિમાયતી છે. જો વિપક્ષીઓ આ કૃત્ય સાથે સંડોવાયેલા ન હોય તો એ આ કૃત્યનો વિરોધ કેમ કરતા નથી? માત્ર ભાજપને ઘેરવા જ કેમ તત્પર રહે છે ?
વિપક્ષીઓએ અહીં એક વાત યાદ રાખવી જોઈએ કે લોકતંત્રમા પ્રજા દ્વારા જ ચૂંટણી જીતી શકાય અને આજની પ્રજા અગાઉ જેવી ભોળી નથી રહી. ભણતર-ગણતરનું પ્રમાણ વધી રહ્યું છે. માહિતીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પ્રજાને પારદર્શિતા અને પ્રામાણિકતાપૂર્વક રાજ ચલાવનાર રાજકારણી જ ગમશે. સાચી રીતે પોતાની લીટી મોટી કરનારને જ જનતા પસંદ કરશે. બીજાની લીટી નાની કરવાની ભૂલ હવે ભારે પડશે.
મોદી સરકાર આવી એ અગાઉ મનમોહન સરકાર હતી. આ સરકારના વલણથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. કૉંગ્રેસના અનેક ભ્રષ્ટાચાર અને લઘુમતીની તુષ્ટિકરણની નીતિથી બહુમતી વર્ગમાં રોષ વધતો જતો હતો. આવે સમયે મોદીજીએ ગુજરાતમાં ગોધરાકાંડ પછી પોતાની કુનેહ અને નીતિથી કોમવાદી હુલ્લડો કાયમને માટે બંધ કરી પ્રજાના દિલ જીતી લીધા. અનેક વિકાસલક્ષી કામ કર્યા. ગુજરાતને નંબર વન બનાવ્યું. સમગ્ર દેશવાસીઓને મોદીમાં પોતાના તારણહાર દેખાવા લાગ્યા.
આવા સમયે કૉંગ્રેસે શું કરવું જોઈતું હતું ને તેણે કર્યું શું?
પોતાના એક પછી એક સભ્યો ભ્રષ્ટાચારી કાંડમાં ફસાયા તો પક્ષે તેનો ઉઘડો ન લીધો. ભ્રષ્ટાચાર વિરોધી યોગ્ય પગલાં ન લીધાં. ખુલ્લેઆમ મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું. વળી વડા પ્રધાન મનમોહનસિંહે એવું નિવેદન કર્યું કે દેશનાં સંસાધનો પર સૌ પ્રથમ હક લઘુમતીઓનો છે. આવાં નિવેદનોનો પણ કોઈ કૉંગ્રેસીએ વિરોધ ન કર્યો, આથી લઘુમતીઓની હિંમત વધી. સાથે સાથે બોમ્બધડાકાઓ પણ વધતા ચાલ્યા. આ બધી ઘટના વિરુદ્ધ પ્રજાને ગમતા પગલા લેવાને બદલે કૉંગ્રેસે શું કર્યું?
દેશમાં લોકપ્રિય બની રહેલા તે વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ગોધરાકાંડમાં આરોપી તરીકે ફીટ કરી દેવા અનેક પેંતરા રચ્યાં. પ્રજાલક્ષી કાર્યો કરવાને બદલે પ્રજાને ગમતા હીરોને વિલન તરીકે ચીતરવામાં વધુ ધ્યાન આપ્યું. પોતાની લીટી મોટી કરવાને બદલે મોદીની લીટી નાની કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસને લીધે પ્રજા વીફરી. પ્રજાએ પોતાની લીટી મોદીની લીટીમાં ઉમેરી એક મહા-લીટી આખરે તાણી લીધી. અહીં ભૂતકાળને ઉખેડવાનો હેતુ એ છે કે કોઈ પરિપક્વ પક્ષ આવા અનભવથી શીખે પણ અપરિપક્વ રાહુલ ગાંધી એમાંથી કશુ શીખ્યા નહીં. પ્રચંડ મોદી લહેર હોવા છતાં એ પાંચ વર્ષ અગાઉ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીતી ગયા હતા, પરંતુ આવેલી સત્તા કાયમ રહે અને ઇનકમ્બન્સીનો મુદ્દો ન સતાવે એવા લોકપ્રિય કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા. ભાજપને હિંદુવાદી ગણાવીને પોતે રાજસ્થાનમાં મુસ્લિમ તરફી નિર્ણયો લેતા રહ્યા. માત્ર કોટ પર જનોઈ પહેરી લેવાથી હિન્દુ નથી બનાતું.
હિન્દુનો વિશ્ર્વાસ જીતી શકાય તેવાં કાર્યો પણ કરવાં પડે. રાજસ્થાનમાં પ્રજાનું ધ્યાન રાખવાને બદલે પક્ષના સિનિયર – જુનિયર નેતા આપસમાં ‘ઢિશુમ-ઢિશુમ’ કરતા રહ્યા ને ત્યાં સત્તા ગુમાવી…
સંસદની સુરક્ષામાં ચૂક છે તેનો હોબાળો કરે તેની સાથે પોતે વિધાનસભાની ચૂંટણીઓમાં ક્યાં ભૂલ-ચૂક કરી તેનું ધ્યાન કેમ ન રાખ્યું? બીજાની લીટી કાપવાની લ્હાયમાં વિપક્ષો પોતાનું પત્તું કાપતા જાય છે.