રાજ્યમાં વિઝા ક્ધસલટન્સીની ૧૭ ઑફિસમાં સીઆઇડીના દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની ટીમે ગત સપ્તાહે અમદાવાદની સાત, ગાંધીનગરની આઠ, વડોદરાના એક મળીને ૧૭ ઓફિસોમાં દરોડા પાડયા હતા, જેમાંથી અમદાવાદની નવરંગપુરા સીજી રોડ પરની હાઈટેક વિઝા ક્ધસલ્ટની ઓફિસમાંથી દસ્તાવેજો મળી આવતા તેમજ દારૂની બોટલો મળી આવતા આ મામલે સંસ્થાના માલિક વિરુદ્ધ ગુનો પણ દાખલ કરી ધરપકડ કરી હતી.
જોકે આ કેસમાં ગાંધીનગરમાં બે ગુનાઓ દાખલ કરવામા આવ્યા હતા.
સીઆઈડી ક્રાઈમના જણાવ્યા અનુસાર રાજ્ય વ્યાપી દરોડા બાદ ગાંધીનગરની બે અને અમદાવાદની એક સહિત ૩ એજન્સીના ડેટા તપાસ કરતાં ગાંધીનગરની હોપ રેય્સ તેમજ એમ્પાયર ઓવરસીઝ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદની નવરંગપુરાની હાઈટેક ઓવરસીઝના જિગર શુકલા સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ છે, જ્યારે નીરવ મહેતા વોન્ટેડ છે, ગાંધીનગરની હોપ રેય્સ કંપનીના કિશન પટેલ અને પ્રેમ પરમાર વોન્ટેડ છે. એમ્પાયર ઓવરસીઝના વિશાલ શાહની ધરપકડ કરાઈ છે, જ્યારે અંકિત પટેલ વોન્ટેડ છે. સીઆઈડી ક્રાઈમે ધોરણ ૧૦ અને ૧૨ ની નકલી માર્કશીટ તેમજ એમ.એસ યુનિવર્સિટી, જીટીયુ અને છત્તીસગઢની પંડિત રવિશંકર યુનિવર્સિટીના નામની ડિગ્રી અને સર્ટિફિકેટ જપ્ત કર્યા હતા.
અમદાવાદના નવરંગપુરાની હાઈટેકની ઓફિસમાંથી ૪ ક્લાયન્ટના ૪૨ નકલી દસ્તાવેજ મળ્યા હતા, જેમાં નકલી માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, વર્ક એક્સપિરિયન્સ લેટર, નોટરીના સિક્કા જેવા દસ્તાવેજ મળી આવ્યા હતા. આરોપીઓ નકલી ડોક્યુમેન્ટના આધારે કેનેડા, અમેરિકા, લંડન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં ક્લાયન્ટને મોકલતા હતા. જેથી આ તમામ જગ્યાઓ પરથી મળેલા ડેટાના આધારે તેઓ અત્યાર સુધીમાં કેટલા બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા છે
અને કેટલા લોકોને વિદેશ મોકલી ચુક્યા છે તે તમામ દિશામાં તપાસ અને ડોક્યુમેન્ટનું એનાલિસીસ શરૂ કરવામાં આવ્યા હતા.