આપણું ગુજરાત

કચ્છમાં ભરશિયાળે માવઠું: રાપર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: અરબી સમુદ્રમાં સર્જાયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજ્યના અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં મોસમ વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. તેવામાં રણપ્રદેશ કચ્છના છેવાડાના વાગડ વિસ્તારમાં શુક્રવારના સવારે અગિયાર વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ડરામણી વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

સીમાવર્તી રાપર તાલુકાના ભીમાસર, આડેસર, ખાંડેક, માંજુવાસ, ગાગોદર સહિતના ગામોમાં માવઠું થયું હતું. માવઠાના પગલે ભેજનું આવરણ વધી જતાં મારકણી ઠંડીનો ડંખ વધ્યો છે. ખેતીવાડી વિભાગે જે વિસ્તારોમાં ખરીફનો કપાસ ખેતરોમાં ઊભો છે તેના કાલાંમાંના કપાસની ગુણવત્તાને અસર થવાનો ભય વ્યક્ત કર્યો છે. જીરુમાં રોગચાળાની શક્યતા વ્યક્ત કરી છે. વિચિત્ર વાતાવરણને પગલે કચ્છમાં શરદીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. દરમિયાન કચ્છના કાશ્મીર નલિયામાં આજે લઘુતમ તાપમાનનો આંક ૧૨ ડિગ્રી પર રહેતાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેવા પામ્યો હતો, જયારે ભુજમાં ન્યુનતમ તાપમાન ૧૪ ડિગ્રી પર રહ્યું હતું અને મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી પર રહેતાં બપોરના સમયે પણ લોકો તડકો શેકતા જોવા મળ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં ફરી થયેલા હિમપાતને પગલે મોસમ વિભાગે આગામી બે-ત્રણ દિવસો દરમ્યાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાનનો પારો મોટા ભાગે સિંગલ ડિજિટ પર રહેશે અને ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવી સંભવના વ્યક્ત કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત