આમચી મુંબઈમહારાષ્ટ્ર

સેક્સ્ટોર્શનના કેસમાં સગીર સહિત બે જણ રાજસ્થાનમાં ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
માટુંગામાં રહેતા યુવક પાસેથી સેક્સ્ટોર્શન હેઠળ લાખો રૂપિયા પડાવનારા સગીર સહિત બે જણને રાજસ્થાનમાંથી પકડી પાડવામાં આવ્યા હતા.

માટુંગા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સાવીર હમીદા ખાન (29) તરીકે થઈ હતી. આ કેસમાં 16 વર્ષના કિશોરની પણ સંડોવણી સામે આવી હતી. પોલીસે કિશોરને તાબામાં લઈ બાળસુધારગૃહમાં મોકલી આપ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર માટુંગામાં રહેતા 26 વર્ષના યુવકના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જૂનમાં એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા પછી બન્ને વ્હૉટ્સઍપ પર ચૅટિંગ કરવા લાગ્યાં હતાં. બાદમાં યુવતીએ વીડિયો કૉલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

યુવકે વીડિયો કૉલ કરતાં સામે છેડે યુવતી નિર્વસ્ત્ર હતી. યુવતીએ યુવકને પણ કપડાં કાઢવાનું કહ્યું હતું, જેને યુવક અનુસર્યો હતો. પછી યુવતીએ કૉલ કટ કરી નાખ્યો હતો. થોડી મિનિટ પછી સંબંધિત કૉલનો વીડિયો યુવકના મોબાઈલ ફોન પર મોકલવામાં આવ્યો હતો અને રૂપિયાની માગણી કરાઈ હતી.

ફરિયાદી યુવકે યુવતીના મોબાઈલ નંબરને બ્લૉક કરી દેતાં આરોપીએ બીજા નંબર પરથી કૉલ કરી પોતાની ઓળખ નવી દિલ્હી સાયબર ક્રાઈમ ઑફિસના એસીપી તરીકે આપી હતી. યુટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર વીડિયો વાયરલ થયો હોઈ તેને ડિલિટ કરવાને નામે ફરિયાદી પાસેથી રૂપિયા માગવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિવિધ કારણો રજૂ કરી સમયાંતરે અઢી લાખ રૂપિયા યુવક પાસેથી પડાવવામાં આવ્યા હતા.

આ પ્રકરણે માટુંગા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાન પહોંચેલી માટુંગા પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી આરોપીને તાબામાં લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button