દારૂડિયાઓને પકડનાર પોલીસકર્મીને ઇનામની થઇ જાહેરાત, લોકોએ કહ્યું અમારું પણ કંઇક વિચારો!
અમદાવાદ: શહેરમાં 31 ડિસેમ્બરે બેફામ દારૂ પીને ગાડી ભગાવતા લોકોને રોકવા માટે અમદાવાદ શહેર પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે. આ વખતે પોલીસે લોકોને નહિ પરંતુ, પોલીસકર્મીઓને કેન્દ્રમાં રાખીને એક ઓફર બહાર પાડી છે. જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારા લોકોને જે પોલીસ કર્મી પકડી લાવશે, તેને 200 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આમ તો દારૂડિયાઓને પકડવા પોલીસ સતત કામ કરતી જ હોય છે, પરંતુ હવે આ કામ બદલ પોલીસકર્મીને ઇનામ પણ મળશે. ઇનામને કારણે પોલીસકર્મીઓ સારુ કામ કરવા પ્રોત્સાહિત થશે તેવો શહેર કમિશનરનો હેતુ છે. જો કે આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર લોકો અજીબોગરીબ અભિપ્રાયો આપી રહ્યા છે.
એક કોમેન્ટમાં યુઝર્સે લખ્યું છે કે, “જો નાગરિક દારૂડિયાઓને પકડીને કે માહિતી આપે તો….અમારું તો વિચારો સાહેબ!”
બીજી એક રમુજી કોમેન્ટમાં લખવામાં આવ્યું છે કે, “એક અપ્રિલને વાર છે ભલા માણસ…! 200ની સામે 2000નો તોડ કરી અમદાવાદી ભાગી જશે એનું શું?”
ન્યુ યર અને 31 ડિસેમ્બરની ઉજવણીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં દારૂ પાર્ટીઓ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે સતર્કતાના ભાગ રૂપે આ પોસ્ટ મુકીને જાહેરાત કરી છે ત્યારે ઘણાં લોકો આ મુહિમને પણ વધાવી રહ્યા છે.