સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ શું કહ્યું?
“સરકાર તો ઇચ્છતી જ હતી કે સંસદમાં તમામ બિલો પર વિપક્ષની હાજરીમાં જ ચર્ચા થાય, પરંતુ કોંગ્રેસ અને વિપક્ષે એવું કરવા ન દીધું. આ જ તો સમસ્યા છે, જ્યારે તેમણે નક્કી જ કરી લીધું હતું કે સંસદમાં કોઇપણ ચર્ચામાં સામેલ નહિ થાય તો સરકાર પાસે શું વિકલ્પો રહે?” આ શબ્દો છે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીના. સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે તેમણે એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં આ નિવેદન આપ્યું હતું.
પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, “સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય એ પહેલા તમામ પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી. વિપક્ષે જણાવ્યું હતું કે તેઓ મણિપુરના મુદ્દે ચર્ચા ઇચ્છે છે, અમે એ માટે તરત તૈયાર થઇ ગયા હતા. પછી તેમણે સંસદની સુરક્ષાભંગની ઘટના પર નિવેદનની માગ કરી. વિપક્ષની જ ઇચ્છા નથી કે નિયમાનુસાર સંસદની કાર્યવાહી ચાલે. જે લોકો સૂઇ ગયા છે તેમને ઉઠાડી શકાય પરંતુ જે લોકો ઉંઘવાનું નાટક કરે છે, તેમને કઇ રીતે ઉઠાડી શકાશે?”
જ્યારે પ્રહલાદ જોશીને પૂછવામાં આવ્યું કે વિપક્ષે ગૃહપ્રધાનના ફક્ત એક નિવેદનની માગ કરી હતી, જો તે મળી જાત તો કાર્યવાહી સરળ થઇ જાત, આ સવાલ પર તેમણે જવાબમાં કહ્યું હતું કે જ્યારે સંસદમાં સુરક્ષા ભંગની ઘટના બની ત્યારે અમે સામેથી કહ્યું હતું કે ઘટનાની તપાસ થઇ રહી છે, વિસ્તૃત માહિતી એકવાર અમારી પાસે આવી જાય એ પછી અમે નિવેદન પણ આપીશું પરંતુ તેમણે જીદ પકડી લીધી અને સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી. અમે ક્યારેય ના કહ્યું નહોતું.
“તેઓ જાણે નક્કી કરીને આવ્યા હતા કે સંસદને ચાલવા જ નહિ દઇએ. સંસદની નવી ઇમારતમાં પહેલા દિવસની કાર્યવાહી બાદ તમામ પક્ષના સાંસદોને એકત્ર કરીને સ્પીકરે જણાવ્યું હતું કે કોઇ બેનરો-પ્લેકાર્ડ લઇને નહિ આવે, કોઇ પ્રકારના હોબાળા વગર કાર્યવાહી ચાલવા દઇએ. જો કોઇ ગૃહમાં પ્લેકાર્ડ લઇને આવે તો તેની સામે પગલા લેવામાં આવશે. એ લોકો સંમત પણ થયા હતા.” પ્રહલાદ જોશીએ જણાવ્યું.
“તમામ વિપક્ષ રાહુલ ગાંધીના ઇશારે પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ જ ઇચ્છતા નથી કે સંસદની કાર્યવાહી સરળ રીતે ચાલે. ત્રણેય રાજ્યોમાં ચૂંટણીમાં હાર મળવાને કારણે વિપક્ષ હવે નવું હથિયાર અજમાવી રહ્યું છે. લોકોએ એવો આરોપ પણ લગાવ્યો છે કે ક્રિમિનલ લો કોઇપણ પ્રકારની ચર્ચા વગર પસાર થઇ ગયા. ખરેખર તો આ બિલ પસાર થતા પહેલા તેના પર 6 કલાક ચર્ચા ચાલી હતી.” તેવું પ્રહલાદ જોશીએ ઉમેર્યું હતું.