સાક્ષી મલિકની રડતી આંખે નિવૃત્તિ, દેશ માટે શરમજનક
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લાંબા સમયથી વિવાદાસ્પદ બનેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) વર્સીસ કુશ્તીબાજોના જંગમાં ગુરુવારે બે મહત્ત્વની ઘટનાઓ બની. પહેલી ઘટના એ કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખપદે સંજયસિંહ ચૂંટાઈ આવ્યા. ફેડરેશનની ચૂંટણીમાં કોમનવેલ્થ ચેમ્પિયન અનિતા સિંહ શેરોન સામે સંજયસિંહ સરળતાથી જીતી ગયા. સંજય સિંહને ૪૦ મત મળ્યા જ્યારે અનિતા શેરોનને માત્ર સાત મત મળતાં સંજયસિંહ જીતી ગયા.
આ પરિણામ જાહેર થયા પછી તરત બીજી ઘટના એ બની કે, ભારતને ઓલિમ્પિક્સમાં કુશ્તીમાં મેડલ અપાવનારી સાક્ષી મલિકે કુશ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી નાંખી. રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ ચેરમેન અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ મહિલા કુશ્તીબાજોનું શારીરિક શોષણ કરતા હોવાનો આક્ષેપ કરનારી કુશ્તીબાજ છોકરીઓમાં સાક્ષી મલિક અગ્રેસર હતી.
સાક્ષીની ઉંમર ૩૧ વર્ષ છે ને કુશ્તીમાં તેની કરિયરના બહુ વર્ષ બચ્યાં નહોતાં પણ કોઈ કુશ્તીબાજ પોતાની રમતમાં ઓટ આવવાના કારણે નિવૃત્તિ લે તેમાં ને સાક્ષીએ નિવૃત્તિ લીધી તેમાં મોટો ફરક છે. ફેડરેશનના નવા પ્રમુખ બનેલા સંજય સિંહ બ્રિજભૂષણ શરણ સિંહના કાર્યકાળમાં ફેડરેશનમાં જોઈન્ટ સેક્રેટરી હતા તેથી સાક્ષી મલિક સહિતની છોકરીઓ જેમની સામે લડતી હતી એ જ લોકો પાછા ફેડરેશન પર કબજો જમાવીને બેસી ગયા છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ની ચૂંટણીનું પરિણામ જાહેર થયા પછી સાક્ષી મલિકે એલાન કર્યું કે, હું કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ રહી છું કેમ કે બ્રિજભૂષણનો સાથી પ્રમુખપદની ચૂંટણી જીતી ગયો છે તેથી અંતે તો ફેડરેશન પર બ્રિજભૂષણનું જ રાજ થઈ ગયું છે. સાક્ષી મલિકે રડતાં રડતાં કુસ્તી છોડવાની જાહેરાત કરી. સાક્ષીએ પ્રતિકાત્મક રીતે પોતાના શૂઝ કાઢીને ટેબલ પર મૂક્યા અને ઊભી થઈને જતી રહી.
સાક્ષી મલિકની સાથે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને મેડલ જીતાડનારા બીજા કુશ્તીબાજ બજરંગ પુનિયા પણ હાજર હતા. બજરંગ પુનિયાએ પણ ખરખરો કર્યો કે, સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે ઓન રેકોર્ડ કહ્યું હતું કે, બ્રિજભૂષણ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ ફેડરેશનમાં નહીં આવે પણ બ્રિજભૂષણનો જ માણસ જીત્યો છે તેથી મને નથી લાગતું કે ફેડરેશનમાંથી દીકરીઓને ન્યાય મળશે પણ મને ન્યાયતંત્રમાં વિશ્ર્વાસ છે અને ન્યાયતંત્ર ન્યાય કરશે.
પુનિયા અને સાક્ષીએ ન્યાય માટે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે પણ તેનો બહુ અર્થ નથી. સરકારે જે વચન આપ્યું હતું એ પાળ્યું નહીં, દીકરીઓએ કરેલા ગંદા આક્ષેપો પછી પણ બ્રિજભૂષણને કંઈ કર્યું નહીં એ જોતાં એ હવે કશું કરશે એવી આશા રાખવા જેવી નથી. અનુરાગ ઠાકુર અને અમિત શાહ જેવા મોદી સરકારના ટોચના લોકો કુશ્તીબાજોને મળ્યા, વાતોનાં વડાં કર્યાં પણ કોઈ પગલાં લેવાની વાત તો છોડો પણ બ્રિજભૂષણની ટીકા સુદ્ધાં કરી નથી.
ભાજપની મહિલા નેતાઓ નારીઓના અધિકારોની વાતો કરે છે, રાહુલ ગાંધીએ આંખ મારી કે ના મારી એ વાતોને ચગાવે છે પણ આ દીકરીઓની ફરિયાદ તેમને મહત્ત્વની લાગતી નથી. જે મહિલા નેતાઓને મણિપુરમાં મહિલાઓ પર ગેંગ રેપ કરીને તેમને નગ્ન કરીને પરેડ કરાવાય, જાહેરમાં તેમનાં અંગો સાથે ગંદી હરકતો કરાય તેમાં કશું ખોટું લાગતું ના હોય એ પક્ષના નેતા કુશ્તીબાજ દીકરીઓને શું ન્યાય અપાવવાના?
બ્રિજભૂષણ સામે પોલીસ ફરિયાદ થઈ છે ને કોર્ટમાં કેસ ચાલે છે તેથી કુસ્તીબાજ દીકરીઓ માટે હજુ એક આશા છે પણ તેના ભરોસે પણ બહુ રહેવા જેવું નથી. આ દેશમાં ન્યાયતંત્ર કઈ રીતે વર્તે છે એ આપણે જોઈએ જ છીએ એ જોતાં ન્યાયતંત્ર ન્યાય કરશે જ એવું માનવાને કારણ નથી.
સાક્ષીએ રડતી આંખે સ્પોર્ટ્સમાંથી સંન્યાસ લેવો પડે એ આ દેશ માટે અત્યંત શરમજનક ઘટના છે. આપણે નારીશક્તિની વાતો કરીએ છીએ, સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનીને પૂજવાના દાવા કરીએ છીએ, નવરાત્રિમાં નવ દહાડા નકોરડા ઉપવાસ કરીને શક્તિની આરાધના કરવાની વાતો કરીએ છીએ પણ એ સાબિત કરવાનું આવ્યું ત્યારે કોઈ આગળ ના આવ્યું. બીજું બધું તો છોડો પણ સાક્ષી સહિતની આપણી દીકરીઓની ફરિયાદને પણ આ દેશમાં લોકોએ ગણકારી સુદ્ધાં નહીં.
સત્તામાં બેઠેલા લોકોને તો દીકરીઓની વાતોમાં પહેલેથી રસ નહોતો કેમ કે બ્રિજભૂષણસિંહ મહત્ત્વનો છે. તેમણે તો દીકરીઓની ફરિયાદ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી જ નાંખી પણ આ દેશની જનતાએ પણ જાણે કંઈ બન્યું જ નથી એમ નિર્લેપભાવે તમાશો જોયા કર્યો. તેનું કારણ એ કે, આ દેશનાં લોકોના લોહીમાં કાયરતા એ હદે વ્યાપેલી છે કે, સત્તા સામે લડવાની હિંમત જ નથી. સોશિયલ મીડિયા પર વિધર્મીઓને ગાળો દેવાની હોય ત્યારે જેમને શૂરાતન ચડી આવે છે એ બધાં જ લોકો બિલકુલ ચૂપ રહ્યાં.
બ્રિજભૂષણ જેવા લોકો સામે આપણી દીકરીઓ લડતી હતી ત્યારે આખા દેશે તેમની પડખે ઊભા રહેવાની જરૂર હતી પણ આપણે ઘરોમાં ભરાઈને બેસી રહ્યા, બે પગ વચ્ચે પૂંછડી દબાવીને. કૃષ્ણે કૌરવસભામાં અપમાનિત થઈ રહેલી દ્રૌપદીની લાજ બચાવેલી એવી વાતો આપણે કરીએ છીએ પણ કૃષ્ણમાંથી પ્રેરણા લઈને આ દીકરીઓની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. આપણે બધા કૌરવ સભાના દરબારીઓ બનીને બેસી રહ્યા. મહાભારત કાળને પાંચ હજાર વર્ષ જૂનો માનવામાં આવે છે ને પાંચ હજાર વર્ષમાં આ દેશમાં કશું બદલાયું નથી એ સાબિત થયું.
આ આખા ઘટનાક્રમનો સંકેત સ્પષ્ટ છે કે, સાક્ષી મલિક જેવી દેશ માટે ઓલિમ્પિક્સમાં મેડલ જીતાડનારી છોકરીઓ રહે કે ના રહે, તેનાથી કોઈ ફરક પડતો નથી પણ બ્રિજભૂષણ શરણસિંહ અને તેમના પોઠિયા રહેવા જોઈએ કેમ કે એ લોકો સત્તા અપાવે છે. સાક્ષી જેવી મહેનત કરીને આગળ આવનારી અને દેશને ગૌરવ અપાવનારી છોકરીઓ આગળ નહીં આવે તો અફસોસ કરવા જેવો નથી કેમ કે દેશને ગૌરવ ના મળે તો કશું લૂટાઈ જવાનું નથી. દેશને એક મેડલ ઓછો મળશે ને પહેલાં એવું જ હતું તેથી તેની બહુ ચિંતા ના કરવી પણ બ્રિજભૂષણ જેવા લોકો નહીં હશે તો સત્તા લૂંટાઈ જશે. ને સત્તા છે તો બધું છે.
Your article more emotionally rather than fact. N0W we feel like you not trust judiciary. But we have to accept election were
fair and everything as per guideline and they won. So many other matter you not mention like wrestlers do not want to give trial and they want directly participated in Olympic and we seen what B. Puniya did.