પાનસરેના હત્યારા હજુ ફરારઃ એટીએસે કોર્ટને આપી માહિતી
મુંબઈ: મહારાષ્ટ્રના એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા કોમરેડ ગોવિંદ પાનસરેની હત્યા મામલે હજી સુધી બે આરોપીઓની શોધ ચાલી રહી હોવાની માહિતી બોમ્બે હાઈ કોર્ટમાં આપવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ એટીએસના વકીલે આ કેસની પ્રોગ્રેસ રિપોર્ટ સીલબંધ કવરમાં અદાલત સમક્ષ રજૂ કરી હતી. આ રિપોર્ટ પહેલા આપવામાં આવેલી બે રિપોર્ટ જેવો જ હોવાનું અદાલતે કહ્યું હતું.
એટીએસના વકીલે જણાવ્યું હતું કે આ મામલે હજી સુનાવણી ચાલી રહી છે અને અત્યારસુધીમાં 17 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે. ગોવિંદ પાનસરેની હત્યા કેસ મામલે વિશેષ અદાલત યોજવામાં આવી છે. એટીએસ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પર અદાલતે કહ્યું હતું કે એટીએસએને પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો, કોર્ટમાં ચાલી સુનાવણીનો નહીં. ત્યારબાદ એટીએસના વકીલે અદાલતને જણાવ્યું હતું કે આ કેસમાં હજી બે આરોપીઓની શોધ ચાલી રહી છે.
એટીએસની આ દલીલ પર અદાલતે તેમને વધુ સમય આપવાનો નિર્ણય લીધો હતો અને તપાસ રિપોર્ટ અદાલતમાં હાજર કરવા અંગે માહિતી માગી હતી. વકીલે કહ્યું કે આ કેસને જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવી શકે છે. પણ અદાલતે એટીઆઇને ઠપકો આપતા કહ્યું હતું કે જે ગયા ચાર વર્ષમાં નહીં થયું તે એક મહિનામાં કેવી રીતે થશે?. હવે આ કેસની સુનાવણીને ત્રણ મહિના સુધી મુલતવી રાખવામાં આવી છે.
16 ફેબ્રુઆરી 2015 ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ગોવિંદ પાનસરેને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી અને 20 ફેબ્રુઆરીએ તેમનું મૃત્યુ હતું હતું. ગોવિંદ પાનસરેની હત્યાના કેસની તપાસ સીઆઇડી અને એસઆઇટીને સોપવામાં આવી હતી, તેમ છતાં આ કેસમાં કોઈ સફળતા મળી નહીં. ત્યાર બાદ આ કેસને ઓગસ્ટ 2022માં કેસ એટીએસને સોપવામાં આવ્યો હતો, અને આ મામલે અદાલતમાં 10 આરોપોઓ સામે સુનાવણી શરૂ કરવામાં આવી છે.