આપણું ગુજરાત

ધો-6થી 12ના બાળકો માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ થયો જાહેર, શિક્ષણમંત્રીએ કર્યું વિમોચન

અમદાવાદ: વર્ષ 2024ના આગામી સત્રથી ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ધોરણ-6 થી 12ના બાળકો માટે ભગવદ્ ગીતા વિષય તરીકે ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે આજે રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયા તથા કુબેર ડિંડોરે એકસાથે ગીતા જયંતી નિમિત્તે અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન કર્યું હતું.

પાઠ્યપુસ્તકમાં ગીતાના સંસકૃત શ્લોકના ગુજરાતી ભાષાંતરની સચિત્ર સમજ આપવામાં આવી છે. આ અભ્યાસક્રમની પરીક્ષા પણ લેવાશે. હિંદુઓની આસ્થાનું પ્રતીક એવા પવિત્ર અને મૂલ્યવાન ધર્મગ્રંથ ભગવદ્ ગીતાનું જ્ઞાન બાળકોને મળે માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ભગવદ્ ગીતાના બોધપાઠ દરેક યુગમાં, દરેક વ્યક્તિ માટે ઉપયોગી અને શાશ્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવન વિશેની સમજ અને કર્મના સિદ્ધાંતને દ્રઢ કરવાનો ઉદ્દેશ્ય છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વની લાગણી અનુભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ સાથે જોડાણ થાય તે માટે તથા નાની વયેથી જ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને તેનો સર્વાંગી વિકાસ થાય એ માટે 6ઠ્ઠા ધોરણથી જ અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button