નેશનલ

મનીષ સિસોદિયાને નવું વર્ષ જેલમાં વિતાવવું પડશે…જાણો કેમ?

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાએ હજુ પણ વધારે સમય જેલમાં રહેવું પડશે. કારણકે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસ સાથે સંબંધિત CBI કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 19 જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે. ત્યારે મનીષ સિસોદિયા હવે જેલમાં જ નવું વર્ષ ઉજવશે. નોંધનીય છે કે મનીષ સિસોદિયા આ કેસમાં લાંબા સમયથી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે.

મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થઇ રહી હતી. જેને ધ્યાનમાં રાખીને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ કોર્ટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લઈને કેસની સુનાવણી કરતા દિલ્હી દારૂ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓ વતી દાખલ કરવામાં આવેલા ચાર્જશીટના દસ્તાવેજો ચેક કરવા અને અન્ય દસ્તાવોજો સાથે મેચ કરવા માટે 15 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો.


કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટે આરોપીઓના વકીલો સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તમે લોકો જાણીજોઈને કેસની સુનાવણીમાં વિલંબ કરવા માંગો છો. અને ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 19 જાન્યુઆરી 2024 સુધી વધારી દીધી.


ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની ફેબ્રુઆરીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા તેઓ અરવિંદ કેજરીવાલ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન હતા. તેમજ તેમની પાસે બીજા ઘણા વિભાગો પણ હતા. હાલમાં જ સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. જો કે મનીષ સિસોદિયાને તેમની બીમાર પત્નીને છ કલાક સુધી મળવાની મંજૂરી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button