જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો: ચાર જવાન શહીદ
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં ગુરુવારે સેનાના બે વાહન પર કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ થયાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
રાજૌરી-થાનામંડી-સૂરાનકોટે રોડ પર આવેલા સાવની વિસ્તારમાં ગુરુવારે બપોરે ૩:૪૫ વાગે આ હુમલો કરવામાં આવ્યો હતો. બુધવાર રાતથી જ્યાં આતંકવાદવિરોધી કાર્યવાહી ચાલી રહી હતી તે બૂફ્લિઆઝ નજીકથી આ વાહનો પસાર થઈ રહ્યા હતા તે સમયે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
આતંકવાદીઓએ વાહનો (ટ્રક અને જિપ્સી) પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હોવાનું તેમણે કહ્યું હતું.
સંરક્ષણ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર એ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની મળેલી ગુપ્ત બાતમીને આધારે બુધવારે રાત્રે પૂંચ જિલ્લાના ઢેરા કી ગલી વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી અને સર્ચ ઑપરેશન આરંભવામાં આવ્યું હતું.
ગુરુવારે આતંકવાદીઓની ભાળ મળી હતી અને ઍન્કાઉન્ટર ચાલી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
ઘટનાસ્થળે વધારાનું સુરક્ષા દળ મોકલવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
ઘટનાસ્થળની વિચલિત કરતી અનેક તસવીરો અને વીડિયો ક્લિપ મળી આવી હતી અને રસ્તાઓ લોહીથી ખરડાયેલા નજરે પડી રહ્યા હતા. આતંકવાદીઓ શહીદ જવાનોના શસ્ત્રો લઈને નાસી છૂટ્યા હોવાની શક્યતા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.
રાજૌરી અને પૂંચ જિલ્લાની સરહદે આવેલા ઢેરા કી ગલી અને બૂફ્લિઆઝ જંગલ વિસ્તાર છે. આ જંગલ ચાર્મર અને ભાટા દૂરિયન જંગલ તરફ દોરી જાય છે જ્યાં આ વર્ષની ૨૦ એપ્રિલે આતંકવાદીઓ સાથેના ઍન્કાઉન્ટરમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા.
મે મહિનામાં આ જ વિસ્તારમાં આતંકવાદવિરોધી કાર્યવાહી દરમિયાન વધુ પાંચ જવાન શહીદ થયા હતા. (એજન્સી)