વેપાર

નબળો રૂપિયો અને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં ₹ ૩૪નો સુધારો ચાંદી ₹ ૧૯૨ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર અમેરિકાના જાહેર થનારા આર્થિક ડેટા અને તેની નાણનીતિ પર કેવી અસર થશે તેના પર હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો.

આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા ગબડ્યો હોવાથી ઝવેરી બજારમાં સોનાની આયાત પડતરો થવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩થી ૩૪નો સુધારો આવ્યો હતો.

જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯૨નો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૯૨ ઘટીને રૂ. ૭૪,૫૫૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવા છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪ વધીને રૂ. ૬૨,૦૮૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૩ વધીને રૂ. ૬૨,૩૩૫ના મથાળે રહ્યા હતા.

ગત નવેમ્બર મહિનામાં બ્રિટન ખાતે નવેમ્બર મહિનાનો ફુગાવો બે કરતાં વધુ વર્ષની નીચી સપાટીએ રહ્યાના અહેવાલે ગઈકાલે વિશ્ર્વ બજારમાં અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી અને ડૉલર ઈન્ડેક્સમાં ૦.૧ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે પણ ડૉલર અને યિલ્ડમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૩.૯૮ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ સાધારણ ૦.૧ ટકા ઘટીને ૨૦૪૫.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હવે રોકાણકારોની નજર અમેરિકાના ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા, જોબ ડેટા અને નવેમ્બર મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે કેમ કે આ ડેટાના આધારે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત ક્યારથી કરશે તેનું તારણ નીકળશે, એમ વિશ્ર્લેષકો જણાવે છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ફેડરલ રિઝર્વ માર્ચ મહિનાથી વ્યાજદરમાં ઘટાડો કરે તેવી ૮૦ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button