મેટિની

કુછ કુછ હોતા હૈ’ ને હિન્દુજા:શું છે એમનું કર્મા કનેકશન?

ફિલ્મનામા -નરેશ શાહ

ઓકટોબર, ર૦ર૩માં એક અનોખી ઘટના બની. એ મહિનામાં જ દેશનાં ચુનંદા શહેરો અને થિયેટરોમાં ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ ફરીથી રિલીઝ કરવામાં આવી, કારણ કે ઓકટોબર, ર૦ર૩માં તેની રિલીઝના પચ્ચીસ વષ્ર પૂરા થતાં હતાં. આ ફિલ્મના ડિરેકટર હતા કરણ જોહર અને એનું નિર્માણ ર્ક્યું હતું કરણના જ પિતા યશ જોહરની કંપનીએ… નામ ‘ધર્મા પ્રોડક્શન’
એ નિર્વિવાદ છે કે આપણા ફિલ્મઉદ્યોગમાં છેલ્લાં બે દશકાથી બે પ્રોડકશન હાઉસ પ્રથમ સ્થાન માટેની રેસમાં છે. એક ‘યશરાજ ફિલ્મસ’ અને બીજું, ‘ધર્મા પ્રોડકશન’. આ બન્ને પ્રોડકશન હાઉસ અનુક્રમે યશ ચોપરા અને યશ જોહરે શરૂ ર્ક્યા હતા અને હવે તેની બાગડોર એમના પુત્ર (આદિત્ય ચોપરા અને કરણ જોહર) ના હાથમાં છે.

યોગાનુયોગ એ છે કે એક જમાનામાં આદિત્ય અને કરણ નિકટના મિત્રો હતા અને સચ્ચાઈ એ કે આજે બન્ને (સાતત્યપૂર્ણ રીતે) એકબીજાના હરીફ છે. રસપ્રદ વાત એ છે કે યશરાજ ફિલ્મ્સ’ તો સ્વયં સ્પષ્ટ છે કે એ બેનર યશ ચોપરાએ પોતાના નામ પર શરૂ ર્ક્યું હતું, (જો કે એક હેવાલ મુજબ શરુઆતમાં યશજી સાથે સુપરસ્ટાર રાજેશ ખન્ના પાર્ટનર હતા એટલે યશરાજ ફિલ્મ્સ’). એના એક જમાનામાં પ્રોડકશન કંટ્રોલર હતા યશ જોહર.

પ્રોડકશન કંટ્રોલર તરીકે એમણે સૌથી વધુ કામ દેવસાબના ‘નવકેતન ફિલ્મ્સ’ માટે ર્ક્યું છે. પ્રેમ પૂજારી, જ્વેલ થીફ, ગાઈડનું કામકાજ એમણે સંભાળ્યું હતું તો મુજે જીને દો, યે રાસ્તે હૈ પ્યાર કે, લવ ઈન સીમલા જેવી ફિલ્મો પણ પોતાના જ પ્રોડકશન કંટ્રોલ હેઠળ બની હતી. આજે કલ હો ના હો, કભી ખુશી કભી ગમ અને કુછ કુછ હોતા હૈ જેવી સફળ અને જાયન્ટ ફિલ્મોના પ્રોડયુસર તરીકે જાણીતા થઈ ગયેલાં યશ જોહરને જો કે આવી જાયન્ટ સફળતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ ર્ક્યાના પચ્ચીસ વરસ પછી મળી હતી.

યશ જોહરે ૧૯પ૧માં બાદલ ફિલ્મથી પબ્લિસિસ્ટ તરીકે કામ શરૂ કરેલું અને ૧૯૬૦માં લવ ઈન સિમલા ફિલ્મથી એ પ્રોડકશન કંટ્રોલર બન્યા એ પછી લાગલગાટ વીસેક વરસ એમણે એ જ કામ ર્ક્યું, પણ પત્રકાર બન્યા પછી દરેક પત્રકારની ખ્વાહીશ એડિટર બનવાની હોય તેમ યશ જોહર પ્રોડકશન કંટ્રોલરમાંથી ફિલ્મના પ્રોડયુસર બનવાના ખ્વાબ જોતાં હતાં, પરંતુ ૧૯૭૮ સુધી એમનો મેળ પડયો નહોતો. ૧૯૮૦માં પોતાની પ્રથમ પ્રોડયુસ કરેલી ફિલ્મ રિલીઝ કરી: દોસ્તાના. અમિતાભ બચ્ચન – શત્રુધ્ન સિંહા અને ઝિન્નત અમાન સ્ટારર દોસ્તાના ફિલ્મ (એ પણ જવલ્લે જ બનતી ઘટના છે કે ધર્મા પ્રોડકશને બનાવેલી દોસ્તાના અને અગ્નિપથ ફિલ્મ એ જ નામથી, એ જ બેનર હેઠળ બની અને બન્ને આગલી ફિલ્મો કરતાં વધુ સફળ રહી ) સાથે જ યશ જોહરના ધર્મા પ્રોડકશન હાઉસ’નો ઉદય થયો.

કોઈને થયો નથી પણ એ સવાલ થવો જોઈએ કે યશ ચોપરાએ પોતાનું જ નામ સાંકળીને (યશરાજ) પ્રોડકશન હાઉસ શરૂ ર્ક્યું તો યશ જોહરે પોતાના કે પુત્રના નામની બદલે ‘ધર્મા’ જેવું નામ પોતાના પ્રોડકશન હાઉસનું કેમ રાખ્યું હશે? આ પ્રશ્ર્નનો જવાબ તમને અહીં મળી જશે, પણ એ પહેલાં સમજી લો કે ૧૯૭૦-૮૦ના દશકામાં આજની જેમ ફિલ્મો માટેના ફંડ કોર્પોરેટ કંપનીઓ આપતી નહોતી. ફિલ્મો બનાવવાને ઉદ્યોગ પણ માનવામાં આવતો નહોતો એટલે ફિલ્મ બનાવવા માટે બેન્કો લોન પણ આપતી નહોતી. ખમતીધર પ્રોડયુસર પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકીને પૈસા મેળવતાં અથવા તો ત્રણ થી ચાર ટકા (મહિનાના) વ્યાજ પર શાહૂકારો યા અમુક એનઆઈઆર ઉધોગપતિઓ યા હિરાવાળાઓ પાસેથી ફંડ મેળવીને ફિલ્મો બનાવવામાં આવતી હતી. એ વખતે બ્રિટનમાં મોટો વ્યવસાય કરતાં અને બ્રિટનનું સૌથી વધુ (નંબર વન) સમૃધ્ધ ગણાતું ‘હિન્દુજા ગ્રુપ ’ હિન્દી સિનેમાના નિર્માતાને ફિલ્મ બનાવવા માટે પૈસા ધીરતા હતા. બેશક, હિન્દુજાઓ નોર્મલ વ્યાજ લેતાં હશે પણ ફિલ્મોના ઓવરસીઝ (વિદેશમાં) રાઈટસ પણ પોતે રાખતા હતા , કારણકે એમના બહોળા બિઝનેસનો એ પણ એક ફાંટો હતો.

રાજ કપૂર (આર. કે. બેનર), સુનીલ દત (અજંતા બેનર) સહિત અનેક નિર્માતા-દિગ્દર્શકને હિન્દુજાઓ તરફથી ફિલ્મ બનાવવા માટે ફંડ મળતું હતું. મલ્ટીસ્ટારર ફિલ્મ ‘નસીબ’ બનાવતી વખતે આપણા ગુજરાતી દિગ્દર્શક મનમોહન દેસાઈ પણ આર્થિક કટોકટીમાં સપડાઈ ગયા હતા ત્યારે હિન્દુજા પરિવારે જ નસીબ’ ફિલ્મ પૂરી કરવા માટે ફંડ આપ્યું હતું, વગર વ્યાજે…!

  • તો કરણ જાહેરના પિતાશ્રી યશ જોહરે જયારે પોતાના પ્રોડકશન હાઉસમાં પ્રથમ ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો એ પહેલાં જ પ્રોડકશન કંટ્રોલરની હેસિયતથી જાણતા હતા કે ફિલ્મ માટેના પૈસા હિન્દુજાઓ તરફથી આવે છે. હિન્દુજાના બે ભાઈ ગિરધર હિન્દુજા અને શ્રીચંદ હિન્દુજાના પરિચયમાં પણ એ હતા. શ્રીચંદ હિન્દુજાને મળીને એમણે ફિલ્મ નિર્માણ કરવાની વાત કરી તો શ્રીચંદ હિન્દુજા તરત તૈયાર થઈ ગયા અને એ રીતે ૧૯૮૦ની સાલમાં અમિતાભ – શત્રુધ્ન સિંહાની ‘દોસ્તાના’ રિલીઝ થઈ. એ પહેલાં જ પ્રોડકશન હાઉસનું નામ નક્કી કરવું જરૂરી હતું, પરંતુ પહેલે જ ધડાકે ફાઇનાન્સ કરવા તૈયાર થઈ ગયેલાં શ્રીચંદ હિન્દુજા માટેનો આદર વ્યક્ત કરવા અને એમની સાથે આ કર્મ-નસીબના જે બંધન જોડાયા એ વ્યકત કરવા યશ જોહરે લાંબો વિચાર કર્યા વગર શ્રીચંદ હિન્દુજાના પુત્ર ધરમના નામે જ ૧૯૭૯માં કંપની શરૂ કરી: ધર્મા પ્રોડકશન્સ’ !

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker