ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર, સાત નવા ખેલાડીઓને મળ્યું સ્થાન
જમૈકા: વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાન્યુઆરી ૨૦૨૪માં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. પ્રથમ બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે જેના માટે વેસ્ટ ઈન્ડિઝે ૧૫ સભ્યોની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે.
૧૫ ખેલાડીઓની બનેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સાત નવા ખેલાડીઓ (જેમણે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેસન હોલ્ડર, આન્દ્રે રસેલ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અને શિમરોન હેટમાયર જેવા સ્ટાર ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ફરી એકવાર ટેસ્ટ ટીમની કમાન ક્રેગ બ્રેથવેટને સોંપી છે. આ સિવાય ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં સામેલ સાત અનકેપ્ડ ખેલાડીઓમાં ઝકેરી મેકકાસ્કી, ટેવિન ઇમલાચ, જસ્ટિન ગ્રીવ્સ, કાવેમ હોજ અને કેવિન સિંકલેયર, અકીમ જોર્ડન અને શમર જોસેફનો સમાવેશ થાય છે.
ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે જેસન હોલ્ડર અને કાયલ મેયર્સ જાન્યુઆરીમાં રમાઈ રહેલી ટી-૨૦ લીગને કારણે ઉપલબ્ધ નહોતા. મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સે કહ્યું, “મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીને કારણે ટીમમાં વિક્ષેપ પડ્યો છે. જો કે, છેલ્લા એક વર્ષથી લાલ બોલથી રમવાની અમારી યોજના ઘણી મજબૂત રહી છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૩૦ ડિસેમ્બરે ઑસ્ટ્રેલિયા પહોંચશે, ત્યારબાદ તે બે થી ૯ જાન્યુઆરી સુધી એડિલેડમાં પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લેશે. ત્યારબાદ શ્રેણીની શરૂઆત પહેલા ચાર દિવસીય વોર્મ-અપ મેચ રમાશે, જે ૧૦ થી ૧૩ જાન્યુઆરી વચ્ચે રમાશે.
ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમ
ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), અલ્ઝારી જોસેફ (વાઈસ-કેપ્ટન), તગેનારાયણ ચંદ્રપોલ, કિર્ક મેકેન્ઝી, એલિક અથાનાજે, કાવેમ હોજ, જસ્ટિન ગ્રીવ્સ, જોશુઆ ડીસિલ્વા, અકીમ જોર્ડન, ગુડાકેશ મોતી, કેમર રોચ, કેવિન સિંકલે અને ટેવિન ઇમલાચ, શમાર જોસેફ, ઝચારી મેકકાસ્કી.