ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પરીક્ષા ફરજિયાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષથી ડિપ્લોમાના અભ્યાસ બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ટેકિનકલ શિક્ષણ વિભાગે એન્ટરન્સ એક્ઝામની જોગવાઈની જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ દરમિયાન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રો રેટાના આધારે પ્રવેશ હોવાથી વિદ્યાર્થીઓની બેઠકોની સંખ્યા ઓછા પ્રમાણમાં હતી.
આ સિવાય પ્રાઇવેટ કોલેજોના પ્રમાણમાં સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હતો. અનેક રજૂઆત બાદ આખરે ટેક્નિકલ શિક્ષણ વિભાગે પ્રવેશ પરીક્ષાની જાહેરાત કરી છે. જેથી હવે શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કોમન એન્ટરન્સ એક્ઝામના આધારે પ્રવેશ અપાશે. જેથી તમામ વિદ્યાર્થીઓનો સમાન તક મળી રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવેશ પરીક્ષામાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષયમાંથી વિદ્યાર્થીઓને સવાલો પૂછવામાં આવશે. ૨૦૦ માર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ૧૫૦ મિનિટનો સમય આપવામાં આવશે.