આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણેમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં 11 મહિનામાં 859 જણની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં પહેલી જાન્યુઆરીથી 28 નવેમ્બર દરમિયાન ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં 859 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. થાણે પોલીસે છેલ્લા 11 મહિનામાં ડ્રગ્સના 723 કેસ નોંધ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એડિશનલ કમિશનર ઑફ પોલીસ (ક્રાઈમ) પંજાબરાવ ઉગલેની અધ્યક્ષતા હેઠળની જિલ્લા સ્તરીય ડ્રગ્સ વિરોધી સંકલન સમિતિની બેઠકમાં આ આંકડા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

થાણે પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલના ઈન્સ્પેક્ટર સંજય શિંદેએ જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરીથી 28 નવેમ્બર દરમિયાન થાણે જિલ્લામાં ડ્રગ્સના 723 ગુના નોંધાયા હતા. આ ગુનાઓમાં 859 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચાર કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન ઉગલેએ બંધ પડેલી કેમિકલ ફૅક્ટરીઓની તપાસ તીવ્ર બનાવવાની સૂચના આપી હતી. એ સિવાય ડૉક્ટર્સની પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર્સ દ્વારા કફ સિરપ કે અન્ય કોઈ દવાઓ વેચવામાં આવતી ન હોવાનું સુનિશ્ચિત કરવાનું પણ જણાવાયું હતું.

અધિકારીઓને જિલ્લામાં વિવિધ દરિયાકિનારે ડ્રગ્સ ઉતારી શકાય તેવાં સ્થળોએ બારીક નજર રાખવાના નિર્દેશ પણ અધિકારીએ આપ્યા હતા.

હૉસ્પિટલમાં ઉપચાર માટે આવતા ડ્રગ્સના બંધાણીઓની વિગતોનું સંકલન કરવા અને ડ્રગ્સ તસ્કરોને શોધી કાઢવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું શિંદેએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button