પૉસ્ટ ઓફિસ બિલની કઈ જોગવાઈથી વિરોધપક્ષ છે નારાજ?
નવી દિલ્હીઃ લોકસભાએ 18 ડિસેમ્બરે પોસ્ટ ઓફિસ બિલ, 2023 પસાર કર્યું હતું. આ બિલ ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898નું સ્થાન લેશે. આ વિધેયક સૌપ્રથમવાર રાજ્યસભામાં 10 ઓગસ્ટના રોજ મોનસૂન સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું, જેને 4 ડિસેમ્બરે ઉપલા ગૃહમાંથી પ્રથમ મંજૂરી મળી હતી અને ત્યારબાદ સંસદના બંને ગૃહો દ્વારા સફળતાપૂર્વક પસાર કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ બિલનો હેતુ ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898ને રદ્દ કરવાનો અને ભારતમાં પોસ્ટ ઓફિસને લગતા કાયદાઓમાં સુધારો કરવાનો છે. કેન્દ્ર સરકારે પણ આ કાયદા દ્વારા પોસ્ટ ઓફિસની ઘણી પ્રક્રિયાઓને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.
એક તરફ કેન્દ્ર સરકાર કહે છે કે તે પોસ્ટ ઓફિસની સેવાઓ સુધારવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ વિપક્ષોએ બિલની અમુક જોગવાઈઓ સામે ચિંતા વ્યક્ત કરી છે. આપના નેતા રાઘવ ચઢ્ઢાએ નવા બિલ વિશે કહ્યું કે આ બિલમાં પાર્સલને રોકવા અથવા ખોલવાના અધિકાર અંગે કોઈ પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
તો કોંગ્રેસના નેતા શશિ થરૂરનું કહેવું છે કે ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898 અંગ્રેજોના સમયનો હતો પણ તેમાં જવાબદારી હતી, પરંતુ નવા બિલ લાવવામાં આવતા કાયદામાં જવાબદારી ખતમ થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને નુકસાન થાય છે, તો આ બિલ તેના વળતર વિશે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે વિશે કોઈ માહિતી આપતું નથી. એક રીતે, બિલે જનતાને તેમના ફરિયાદના અધિકાર પર પ્રતિબંધ મૂક્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર આ બિલ રજૂ કરીને નાગરિકો પ્રત્યેની પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. આ કાયદો પસાર કરીને કેન્દ્ર સરકાર સેવાઓ દરમિયાન થતી ભૂલોને ટાળવા માંગે છે. આવા સંજોગોમાં જો કોઈ ફરિયાદ કરવા ઈચ્છે તો તેની પાસે કોર્ટમાં જવાનો એક જ વિકલ્પ બચે છે અને જો કોર્ટમાં આવી નાની મોટી ફરિયાદો દાખલ થશે તો ભવિષ્યમાં ન્યાયતંત્રમાં લોકોની સમસ્યાનો ઢગલો થઈ જશે. આ બિલમાં ટપાલ વિભાગને જવાબદાર બનાવવા માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.
થરૂરે એવો દાવો પણ કર્યો હતો કે ગ્રાહકોને ફરિયાદ કરવા માટે કોઈ વિકલ્પ ન આપવો તે બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે અને જો આવું થયું હોત તો ભારતીય પોસ્ટ વિભાગ કરતાં લોકોને ખાનગી કુરિયર સેવાઓમાં વધુ વિશ્વાસ બેસશે. તેમણે કહ્યું કે 1898ના બિલની સરખામણીમાં 2023નું પોસ્ટલ બિલ જનહિતને ધ્યાનમાં રાખતા હીતાવહ નથી.
બિલના સમર્થનમાં ભાજપના તાપીર ગાંવનું કહેવું છે કે મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી બંધ પડી ગયેલી ટપાલ સેવાને એકવાર ફરી અસરકારક બનાવવામાં આવી છે. અગાઉ, દેશની તમામ પોસ્ટ ઓફિસ એક પછી એક બંધ કરવામાં આવી રહી હતી, વર્ષ 2014 પછી, આ પોસ્ટઓફિસો ફરી શરૂ થઈ અને અત્યાર સુધીમાં દેશમાં 6000 થી વધુ પોસ્ટ ઓફિસની શાખાઓ ખોલવામાં આવી છે. તેમણે કહ્યું કે મોદી સરકાર જનસેવા માટે 125 વર્ષ જૂના પોસ્ટ ઓફિસ એક્ટમાં ફેરફાર કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2004 થી 2014 વચ્ચે વિવિધ રાજ્યોમાં 660 પોસ્ટ ઓફિસ બંધ થઈ ગઈ હતી. પરંતુ મોદી સરકારના સત્તામાં આવ્યા પછી, 2014 થી 2023 ની વચ્ચે 9 વર્ષમાં 5,000 નવી પોસ્ટ ઓફિસો ખોલવામાં આવી અને લગભગ 5,746 પોસ્ટ ઓફિસો ખોલવાની પ્રક્રિયામાં છે. આ 9 વર્ષમાં પોસ્ટ ઓફિસમાં ત્રણ કરોડથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં 1 લાખ 41 હજાર કરોડ રૂપિયા પણ જમા થયા છે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, પોસ્ટ ઓફિસ સેવા એવી સુવિધા છે કે ભારતના દૂરના વિસ્તારોમાં રહેતા કોઈપણ વ્યક્તિ વિશ્વમાં ગમે ત્યાં પોતાનો માલ નિકાસ કરી શકે છે. હાલમાં 867 પોસ્ટલ એક્સપોર્ટ સેન્ટર ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાંથી 60 કરોડ રૂપિયાથી વધુની નિકાસ કરવામાં આવી છે. આ બિલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પોસ્ટ ઓફિસોને લેટર સર્વિસમાંથી સર્વિસ પ્રોવાઈડરમાં રૂપાંતરિત કરવાનો અને પોસ્ટ ઓફિસોને બેંકો જેવી જ સેવાઓ આપવા સક્ષમ કરવાનો છે.