કેજરીવાલ જેલમાં વિપશ્યના કરી શકે છે: EDના સમન્સને અવગણતા ભાજપનો કેજરીવાલને ટોણો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં 21 ડિસેમ્બરે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે પાઠવેલા સમન્સને અવગણીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ બુધવારે વિપશ્યના કેમ્પ માટે રવાના થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી 10 દિવસના વિપશ્યના શિબિરમાં રહેશે. કેજરીવાલે ઇડીના સમન્સને બીજી વાર અવગણતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કેજરીવાલ પર નિશાન તાક્તા કહ્યું હતું કે કેજરીવાલ જેલમાં વિપશ્યના કરી શકે છે.
2 નવેમ્બરે, જ્યારે કેજરીવાલને બોલાવવામાં આવ્યા, ત્યારે તેમણે ઇડીને પત્ર લખીને જણાવ્યું હતું કે દિવાળી પહેલા તેમની પાસે કેટલાક કામ અને સત્તાવાર પ્રતિબદ્ધતાઓ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને ચૂંટણી માટે મધ્યપ્રદેશ, છત્તીસગઢ જવું પડશે. અને આખરે AAPને નોટા કરતા ઓછા મત મળ્યા હતા,’એમ સંબિત પાત્રાએ જણાવ્યું હતું.
‘આજે ફરીથી તેમણે એક પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે તેમને વિપશ્યના માટે જતા પહેલાં જ ED સમન્સ પ્રાપ્ત થયા છે. તો કોઈ દિવસ કેજરીવાલજી ચૂંટણી પ્રચાર માટે જશે, કોઈ દિવસ ધ્યાન કરવા જશે. પરંતુ તેઓ ક્યારેય જવાબદારી લેશે નહીં, ‘ એમ ભાજપના સંબિત પાત્રાએ કહ્યું હતું.
“કુશાસન અને વિપશ્યના એકસાથે ચાલી શકે નહીં. જો તમે કુશાસન કર્યું છે, તો તમારે જેલ-આસનનો સામનો કરવો પડશે. અને અમે આ નથી કહી રહ્યા, તેમના મંત્રીઓ આ કહી રહ્યા છે. તેઓએ જનમત કરાવ્યો છે કે શું કેજરીવાલની ધરપકડ પછી તેમની સરકાર તિહાર જેલથી ચાલી શકે કે કેમ. તેઓ એટલા આત્મવિશ્વાસ ધરાવે છે,” એમ સંબિત પાત્રાએ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, ‘પણ તમે ચિંતા ન કરશો, કેજરીવાલ જેલમાં પણ વિપશ્યના કરી શકે એવી જોગવાઈઓ છે.’
કેજરીવાલે ગુરુવારે ED સમન્સનો જવાબ આપ્યો અને કહ્યું કે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી. “હું દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છું. EDનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. EDનું સમન્સ રાજકીય રીતે પ્રેરિત છે. તે પાછું ખેંચી લેવું જોઈએ. મેં મારું જીવન પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે જીવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી,” એમ કેજરીવાલ જણાવ્યું હતું.
“લિકર અને ઇન્સલ્ટ (અપમાન) એ બે ગુંદર છે જે INDI ગઠબંધનને એકસાથે રાખે છે. કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના નાણાંની ગણતરીમાં રૂ. 350 કરોડથી વધુ મળી આવ્યા, પરંતુ કેજરીવાલના કિસ્સામાં તો, ગણતરી હજુ પણ ચાલુ છે,” એમ સંબિત પાત્રા જણાવ્યું હતું.
રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ ધનખડની મિમિક્રી અંગેના વિવાદ પર, બીજેપી નેતાએ કહ્યું, “તૃણમૂલ સાંસદ દ્વારા ઉપરાષ્ટ્રપતિનું અપમાન શરમજનક હતું. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે INDI ગઠબંધન પક્ષોએ આવું કંઈક કર્યું હોય. અગાઉ તેઓએ રાષ્ટ્રપતિના રંગ પર ટિપ્પણી કરી હતી, તેઓએ રાષ્ટ્રપતિ મુર્મુને રાષ્ટ્રપત્ની કહી સંબોધ્યા હતા.”
સંબિત પાત્રાએ કહ્યું, “મેં મમતા બેનરજીની પ્રતિક્રિયા પણ જોઈ. તેમણે કહ્યું હતું કે આ વિવાદ માટે રાહુલ ગાંધી જવાબદાર છે. રાહુલ ગાંધી માત્ર કૃત્ય રેકોર્ડ કરી રહ્યા ન હતા. તેમણે આ અંગે ચર્ચા પણ કરી હતી, તે સમયે ડ્રામા જ ચાલી રહ્યો હતો,” એમ સંબિત પાત્રાએ જણાવ્યું હતું.