લાડકી

તરુણોની કાળજી … બેકાળજીભર્યા વડીલો

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

બિરવાએ પોતાની વાત કહેવા માટે કોઈ નહીં ને વળી વિહા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો? એ વિચારી સોસાયટીમાં સુરભી સિવાયની દરેક વ્યક્તિ અચંબામાં પડી ગઈ. પોતાના મનની વાત કહેવા માટે તો છોકરાઓ પોતાનાથી મોટી ઉંમરના હોય એવા કોઈ શિક્ષક, મિત્ર કે આસપાસના કોઈ આંટી કે કૌટુંબિક વ્યક્તિઓની મદદ લેતા હોય છે ત્યારે આવડી અમસ્તી મગતરાં જેવડી વિહાને પોતાની વાત કરવાનો શું ફાયદો? પણ સુરભીને ખ્યાલ હતો કે ટીનએઈજમાં બાળકો પોતાની ઉંમરના લોકો પર વધારે ભરોસો કરતાં હોય છે. ભલે ત્યાંથી એને કોઈ સલાહ મળવાની ન હોય અને કદાચ મળે તો પણ ખોટી કે ગેરમાર્ગે દોરનારી હોય તેમ છતાં એ બધા પોતાના જેવડી ઉંમરના વ્યક્તિઓ પર વધારે ભરોસો રાખી શકે છે એનું કારણ સમજવા જેવું છે. તરુણોને એવું લાગતું હોય છે કે પોતાની પરિસ્થિતિ, પ્રશ્ર્નો કે સમસ્યાઓ પોતાના મિત્રો અથવા એવડી જ ઉંમરના વ્યક્તિ સિવાય અન્ય કોઈ સમજશે નહીં.

બહાર ચાલતી અનેક અટકળો વચ્ચે એક વાત તો સુનિશ્ચિત હતી કે વિહા ઘરે આવી સ્નેહા સાથે તો વાત કરશે જ કે બિરવાએ શું કહ્યું- શા માટે ઘરથી ચાલી ગયેલી અને એનાથી પણ વધારે એ પોલીસને લઈને શા માટે આવી હતી? એવું તો શું બિરવાનાં મમ્મી-પપ્પા વચ્ચે રંધાઈ રહ્યું છે કે જેના માટે બહાર કોઈની મદદ લેવી પડે! ત્રણ-ચાર કલાક પછી વિહાએ જ્યારે બિરવાના ઝાંપા બહાર પગ મૂક્યો ત્યારે લગભગ બધાં જ વિહા સાથે વાત કરવા તલપાપડ હતા, પણ વિહા એમ તો ઉસ્તાદ એટલે ભીડને ચીરતી ફટાફટ ભાગી ઘરમાં ભરાય ગઈ. સ્નેહાને થયું કે વિહા તો મારી સાથે બધી જ વાતો શૅર કરે છે એટલે એ મને કહ્યા વગર રહેશે નહીં, પણ આજે સ્નેહાને પણ વિહાએ કશું જ ના કહ્યું એટલે વિહા- બિરવા વચ્ચેની વાત સ્નેહા સહિત દરેક જણ માટે કોયડો બની રહ્યો. ત્યાં સુધી કે જ્યારે વિહાએ સામે ચાલીને સુરભીની મદદ માગી. વિહાના કહેવા પ્રમાણે બિરવાના પપ્પા ખૂબ શંકાશીલ સ્વભાવના હતા. બિરવા માટે પોતાની કેરિયર પસંદગી માટેનો તો કોઈ વિકલ્પ જ નહોતો પણ ક્યારે બહાર જવું, કોની સાથે વાત કરવી, શું બોલવું, ઘરના લોકો સાથે પણ વાતો કરવી-ના કરવી, શું પહેરવું, ટીવીમાં શું જોવું એ બધી જ બાબત પર એના પપ્પાનો સખ્ત ક્ધટ્રોલ રહેતો. મમ્મીથી તો તેના પપ્પાની આવી બાબતો સહન ના થતી એટલે ખૂબ ઝઘડા થતા અને એ બંને એકબીજા ઉપર પોતાનો રોષ જ્યારે ના કાઢી શકે ત્યારે હોળીનું નાળિયેર બનવાનું બિરવાને ભાગે આવતું. એટલેજ જ્યારે પોલીસ પેટ્રોલિંગ યુનિટને ફૂટપાથ પર બિરવા મળેલી ત્યારે તેણીએ ઘેર પાછા જવા માટે ઘસીને ના પાડી દીધેલી.

જો બિરવા અઢાર વર્ષની થઈ ચૂકી હોત તો પોલીસ પણ તેના પર કોઈ જ પ્રકારનું દબાણ ના લાવી હોત, પરંતુ હજી પંદરમાં વર્ષમાં પ્રવેશેલી બિરવા માટે જો એ ઘરે ના જાય તો તેને કોઈ નારી સુરક્ષા કેન્દ્રમાં રાખવાની વ્યવસ્થા કે અન્ય તજવીજ કરવી પડે માટે એને ઘેર મોકલવા માટે કાઉન્સિલરની મદદ લેવી અત્યંત આવશ્યક હતી અને જ્યારે બિરવા સાથે ત્યાંના વકીલ તેમજ કાઉન્સેલરે વાત કરી ત્યારે એણે આ હકીકત જીવનમાં સૌથી પહેલી વખત બધાને જણાવી.

એડલ્ટહુડમાં પ્રવેશેલા તમને એવું લાગે કે તરુણાવસ્થાએ જીવનમાં કોઈ પ્રશ્ર્ન જ નથી હોતા, પરંતુ એમના પ્રશ્ર્નો એવા હોય છે કે જે તમને કદાચ હાસ્યસ્પદ લાગે- સામાન્ય કે નજીવા લાગે. તમે એડલ્ટ તરીકે અમુક પરિસ્થિતિઓથી ટેવાઈ ગયા હોય, સમાધાન કેળવી લીધું હોય, તમને એવું થાય કે દુનિયામાં આવું બધું ચાલ્યા જ કરે, પણ બાળપણ છોડી તરુણાવસ્થામાં પ્રવેશતા આ ટીનએજર્સ માટે પરિસ્થિતિ ખૂબ જ અલગ હોય છે.

કોઈપણ પ્રકારનું બંધન, સમાધાન કે બાંધછોડ ટીનએજર્સ માટે સુપાચ્ય હોતું નથી. એ પેઢી એમ જ માનતી હોય છે કે અમારી ઉપર કોઈ કેવી રીતે નિયંત્રણ કરી શકે, અમારું કોઈ કેમ ના સાંભળે?
બિરવાને તો પ્રેમ પણ નહોતો મળતો, માન પણ નહોતું મળતું એ ઉપરાંત સતત એ બોજ રહેતો કે મારે ડૉક્ટર બનવા માટેની પરીક્ષા પાસ કરવી જ પડશે. આ બધા તણાવ એનું નાનકડું મગજ સહન કરી શકે એમ હતું જ નહીં, જેના કારણે રિવર્સ સાયકોલોજી મુજબ બિરવા તદ્દન બેફિકર થઈ ગયેલી કે હું ઘરથી ભાગી તો શું થઈ ગયું? ટીનેજરમાં જોવા મળતા આ બેફિકરાઈભર્યા વલણની પાછળ એની સતત ચિંતા કરતા માતા-પિતા રહેલા હોય છે અથવા તો તેના માટે સખત રીતે બેદરકાર પેરેન્ટ્સ પણ ઘણો મોટો ભાગ ભજવે છે.

સુરભીને થયું કે હવે સમય આવી ગયો છે કે, માત્ર બિરવા જ નહીં એના પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ કરવું જોઈએ. તકલીફ માત્ર એ જ કે, એમને મનાવવા કઈ રીતે? કારણ કે ભણેલા ગણેલા સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતા વ્યક્તિઓને તો કોઈ પોતાને કશું સમજાવે એ વાત ગળે ઉતારવી જ અઘરી પડે છતાંય એણે એક તક લેવાનું નક્કી કર્યું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?