લાડકી

ઈંગ્લિશ ચેનલનું નામ સાંભળ્યું છે ?

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

દક્ષિણી ઇંગ્લેન્ડને ઉત્તરીય ફ્રાંસથી જુદી પાડતી અને ઉત્તરી સાગરને એટલાંટિક સાથે જોડતી એટલાંટિક મહાસાગરની એક શાખા એટલે ઈંગ્લિશ ચેનલ. બીજા શબ્દોમાં બ્રિટન અને ફ્રાન્સને જુદી પાડતી જળસીમારેખા. ધ ચેનલ તરીકે પણ જાણીતી. ફ્રેન્ચમાં લા માંચે અર્થાત બાંય કે ભુજા અથવા આસ્તિન. સરળ શબ્દોમાં કહીએ તો સમુદ્રમાં ભુજાના આકારે પથરાયેલી છે ઇંગ્લિશ ચેનલ. ૫૬૦ કિલોમીટર લાંબી અને ૨૪૦ કિલોમીટર પહોળી. ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરવાની હોય તો સીધી રેખામાં ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપવાનું થાય. આ અંતર કાપતાં સોળેક કલાક થાય. પણ સંજોગો સાનુકૂળ ન હોય તો કિલોમીટરનું અંતર પણ વધી જાય અને તરવાના કલાકો પણ.

અહીં સુધીનું વર્ણન વાંચી, સાંભળીને એવું લાગે કે કુશળ તરવૈયા માટે ઇંગ્લિશ ચેનલ પાર કરવી એ કોઈ કપરું કામ નથી. પણ હકીકત જુદી છે. ચેનલની જોખમી લહેરો, બરફ જેવા ઠંડાગાર પાણી અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે કોઈ પણ તરવૈયા માટે એને પાર કરવી જીવલેણ સાબિત થઈ શકે છે. ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરવી એ હિમાલય પર્વત ચડવા જેવું મુશ્કેલ કામ ગણાય છે.
પરંતુ, સામે પ્રવાહે તરવાનું સાહસ કરનારાઓનો તોટો નથી. જોખમ સાથે પનારો પાડવો એમની પ્રકૃતિમાં વણાયેલું હોય છે. આવા સાહસિકોને સિદ્ધિ પણ વરતી હોય છે. સિદ્ધિને વરેલી આવી એક સાહસિક ી એટલે આરતી સાહા ગુપ્તા… આરતીએ ૧૯ વર્ષની ઉંમરે ૨૯ સપ્ટેમ્બર ૧૯૫૯ના રોજ બેતાળીસ માઈલનું અંતર સોળ કલાક અને વીસ મિનિટમાં ઇંગ્લિશ ચેનલ તરીને પાર કર્યું. આ રીતે ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય જ નહીં, પ્રથમ એશિયાઈ મહિલા પણ બની !

આ આરતી સાહા મૂળ પશ્ચિમ બંગાળની. કોલકાતાના મધ્યમવર્ગીય બંગાળી હિંદુ પરિવારમાં એનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૯૪૦ ના થયો. પિતા પંચગોપાલ સાહા સેનામાં સાધારણ કર્મચારી હતા. એ ચાર વર્ષની હતી ત્યારે પોતાના કાકા સાથે ચંપતાલાના ઘાટ પર નહાવા જતી. ત્યાં જ આરતી તરવાનું શીખી. એને તરવું ખૂબ ગમતું. પિતા પંચગોપાલે દીકરીની તરવામાં રૂચિ જાણીને એના યોગ્ય પ્રશિક્ષણ માટે હાટખોલા સ્વિમિંગ ક્લબમાં દાખલ કરી. ત્યાં એશિયાઈ ખેલોના સુવર્ણચંદ્રક વિજેતા સચિન નાગે આરતીની પ્રતિભા પારખી. નાગના માર્ગદર્શનમાં આરતીનું પ્રશિક્ષણ શરૂ થયું. એ સાથે પથ્થરમાંથી હીરો બનાવવાની પ્રક્રિયાનો આરંભ થયો.

સચિન નાગના માર્ગદર્શનમાં આરતી સાહા કુશળ તરવૈયો બની. માત્ર પાંચ વર્ષની ઉંમરે ૧૯૪૬માં આરતીએ શૈલેન્દ્ર મેમોરિયલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ૧૧૦ ગજ ફ્રી સ્ટાઈલમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. પછી તો પથ્થર પર પીસાતી મહેંદીની જેમ આરતીના તરવામાં નીખાર આવ્યો. ૧૯૪૫ અને ૧૯૫૧ વચ્ચે એણે પશ્ચિમ બંગાળમાં બાવીસ રાજ્યસ્તરીય તરણ પ્રતિયોગિતાઓમાં જીત મેળવેલી. ૧૯૫૧માં પશ્ચિમ બંગાળ રાજ્યની બેઠકમાં સો મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં ૧ મિનિટ અને ૩૭.૬ સેક્ધડમાં અંતર કાપ્યું અને મુંબઈની ડોલી નજીરનો વિક્રમ તોડેલો. એ જ બેઠકમાં સો મીટર ફ્રી સ્ટાઈલ, બસ્સો મીટર ફ્રી સ્ટાઈલ અને સો મીટર બેક સ્ટ્રોકમાં નવો રાજ્યસ્તરીય વિક્રમ સ્થાપેલો.

આરતી સાહાને તરીને લાંબું અંતર કાપવું ગમતું. ગંગા નદીમાં લાંબા અંતરની તરણસ્પર્ધાઓમાં નિયમિતપણે ભાગ લેતી. દરમિયાન એક ઘટના બની. બંગાળી તરવૈયા બ્રોજેન દાસે ૧૯૫૮માં ઇંગ્લેન્ડમાં યોજાયેલી બટલિન ઇન્ટરનેશનલ ક્રોસ ચેનલ સ્વિમિંગ રેસમાં ૧૮ ઓગસ્ટ ૧૯૫૮ના રોજ ઇંગ્લિશ ચેનલ પાર કરી. આ સફળતા મેળવનાર એ પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયાઈ પુરુષ હતા. આરતી સાહાએ બ્રોજેન દાસને વધામણીનો સંદેશ પાઠવ્યો. બ્રોજેને વળતા જવાબમાં કહ્યું કે, તમે પણ આ સફળતા મેળવી શકો છો.. બ્રોજેનના શબ્દોએ આરતીનો ઉત્સાહ વધાર્યો. એણે પણ બ્રોજેનને પગલે ચાલવાનો સંકલ્પ કર્યો. બ્રોજેને આરતીનો સંકલ્પ સાકાર થાય એ માટે બીજા વર્ષે આયોજિત થનારી બટલિન ઇન્ટરનેશનલ ક્રોસ ચેનલ સ્વિમિંગ રેસના આયોજકોને પ્રતિભાગી તરીકે આરતી સાહાનું નામ મોકલી આપ્યું.

   બ્રોજેન દાસની પ્રેરણા અને પ્રોત્સાહનથી આરતીએ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા અંગે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. આરતીની યોગ્યતાને કારણે પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે એને આમંત્રણ મળ્યું.  આરતી મધ્યમવર્ગીય પરિવારની હતી. ઇંગ્લેન્ડ જવાનો ખર્ચો કરવો એના ગજા બહારની વાત હતી. પણ ભાગ્યની દેવીએ કૃપા કરેલી એટલે લક્ષ્મીદેવી પણ રૂમઝૂમ પગલે મદદે આવી પહોંચ્યાં. હાતખોલા સ્વિમિંગ કલબના સહાયક કાર્યકારી ડો. અરુણકુમાર ગુપ્તાએ આરતીની મદદ માટે પહેલ કરી. એમણે લોક્સહાયથી નાણાંકીય ભંડોળ ઊભું કરવા માટે આરતીનાં તરણકૌશલ્યનું પ્રદર્શન રાખ્યું. એક બાજુ  નાણાંકીય ભંડોળની વ્યવસ્થા થઈ રહેલી અને બીજી બાજુ આરતીનું  પ્રશિક્ષણ ચાલી રહ્યું હતું. ત્રણેક મહિના પછી આરતી અરુણકુમાર  સાથે ઇંગ્લેન્ડ જવા રવાના થઈ. ૧૩ ઓગસ્ટ ૧૯૫૯થી આરતીએ ઇંગ્લિશ ચેનલમાં પોતાનો અંતિમ અભ્યાસ શરૂ કર્યો. પ્રતિયોગિતામાં ત્રેવીસ દેશોની પાંચ મહિલા સહિત કુલ અઠ્ઠાવન પ્રતિભાગીઓ સામેલ હતાં. તરણસ્પર્ધા ૨૭ ઓગસ્ટ ૧૯૫૯ના કેપ ગ્રિસ નેજ, ફ્રાન્સથી સૈંડગેટ, ઇંગ્લેન્ડ સુધી સ્થાનિક સમય અનુસાર એક વાગ્યે નિર્ધારિત કરાયેલી. જોકે આરતી માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. એની પાયલટ નાવ સમયસર ન પહોંચવાને કારણે આરતીને સ્પર્ધામાં ભાગ લેવામાં ચાળીસ મિનિટ મોડું થયું. સવારે અગિયાર વાગ્યા સુધીમાં આરતી ચાળીસ માઈલથી વધુ  અંતર કાપી ચૂકેલી. એ ઇંગ્લેન્ડના કિનારાના પાંચ માઈલના ક્ષેત્રફળમાં આવી ગયેલી. એણે વિપરીત દિશામાંથી ઊઠેલી ભયાનક લહેરોનો સામનો કરવો પડ્યો. પરિણામે સાંજે ચાર વાગ્યા સુધી એ માત્ર વધુ બે માઈલનું અંતર કાપી શકી. આરતી આગળ વધવા કૃતસંકલ્પ હતી, પણ પાયલટના દબાણને કારણે એણે થંભી જવું પડ્યું. 

 આરંભની નિષ્ફળતાથી આરતી  નિરાશ ન થઈ.  ૨૯ સપ્ટેમ્બર ૧૯૫૯ના એણે બીજો પ્રયાસ કર્યો. ફ્રાન્સના કેપ ગ્રિસ નેજથી શરૂ કર્યું. સોળ કલાક અને વીસ મિનિટમાં  બેતાળીસ માઈલનું અંતર કાપીને સૈંડગેટ, ઇંગ્લેન્ડ પહોંચીને એણે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. એ સાથે આરતી ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનારી પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયાઈ મહિલા બની. આરતીને  અભિનંદન આપનાર પ્રથમ વ્યક્તિ વિજયલક્ષ્મી પંડિત હતાં. ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સહિત અનેક પ્રતિષ્ઠિત લોકોએ આરતીને એની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યાં. બીજે વર્ષે ૧૯૬૦માં, આરતીની માત્ર વીસ વર્ષની ઉંમરે એને ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરાઈ. 

   વીસમે વર્ષે ઝળહળતી સફળતા માણ્યા પછી આરતી  જાહેર જીવનની ઝગમગથી દૂર થઈ ગઈ. એણે સિટી કોલેજમાથી ઇન્ટરમીડિયેટનો અભ્યાસ પૂરો કર્યો. ૧૯૫૯માં જ પોતાના પ્રબંધક ડો. અરુણકુમાર  સાથે લગ્ન કર્યાં. થોડા સમય બાદ દીકરી અર્ચનાનો જન્મ થયો. આરતી  એના ઉછેરમાં પરોવાઈ ગઈ. સાડા ત્રણ દાયકા પછી, ૧૯૯૪માં આરતીનાં સમાચાર આવ્યાં ત્યારે કમળાની બીમારમાં સપડાઈને એ કોલકાતાના એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ થયેલી. ઓગણીસ દિવસ ઝઝૂમ્યા પછી ૨૩ ઓગસ્ટ ૧૯૯૪ના આરતી સાહાએ કાયમ અંતે આંખો મીંચી દીધી. આરતીના મૃત્યુ પછી, પાંચ વર્ષ બાદ, એની સ્મૃતિમાં એણે જે દિવસે વિક્રમ સર્જ્યો હતો એ જ દિવસ એટલે કે ૨૯ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ ત્રણ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડી.... આ ટપાલ ટિકિટ આરતી સાહા ગુપ્તાના જીવનમંત્રનું સતત સ્મરણ કરાવે છે : નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન  !
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે