નેશનલ

મોબ લિંચિંગ કેસમાં ફાંસીની સજા: અમિત શાહ

નવી દિલ્હી: લોકસભામાં આજે ૩ ક્રિમિનલ લો બિલ પર ચર્ચા થઇ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર અંગ્રેજોના જમાનાના કાયદામાં પરિવર્તન લાવી રહી છે. ન્યાય પ્રણાલીમાં ધરમૂળ ફેરફાર થઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાને અમિત શાહે ફોજદારી ન્યાય પ્રણાલી સાથે સંબંધિત ૩ નવા બિલ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે નવા કાયદા વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર અને બધા સાથે સમાન વ્યવહારના ત્રણ સિદ્ધાંતોના આધારે બનાવવામાં આવી રહ્યા છે. આઝાદી પછી પ્રથમ વખત ફોજદારી ન્યાય પ્રણાલી સાથે સંબંધિત ત્રણેય કાયદાઓનું માનવીકરણ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે મોદી સરકાર પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા સમજાવવા જઈ રહી છે, આ સાથે રાજદ્રોહને દેશદ્રોહમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે. જે લોકો હથિયારો સાથે દેખાવો-વિરોધ પ્રદર્શન કરશે, બોમ્બ વિસ્ફોટ કે અન્ય હિંસક રીતે વિરોધ કરશે તો તેમની સામે દેશદ્રોહનો ગુનો લાગુ થશે. રાજદ્રોહની કલમ ૧૨૪ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

નવા કાયદાઓમાં મહિલાઓ તથા બાળકો પર થતા અત્યાચાર સામેના કાયદાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમના બાદ માનવ અધિકારો સાથે સંકળાયેલા કાયદા અને દેશની સુરક્ષા સાથે સંબંધિત કાયદાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહપ્રધાને એક મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ‘મોબ લિંચિંગ’ એક ઘૃણાસ્પદ ગુનો છે અને નવા કાયદામાં આ ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ છે. તેમણે કહ્યું હતું કે મેં ત્રણેય બિલોને સારી રીતે વાંચ્યા છે અને તેમને બનાવતા પહેલા ૧૫૮ પરામર્શ સત્રોમાં ભાગ લીધો છે, તેવું ગૃહપ્રધાને ઉમેર્યું હતું.
જો વાહન ચલાવતી વખતે અકસ્માત થાય તો આરોપી ઘાયલને પોલીસ સ્ટેશન કે હોસ્પિટલમાં લઈ જાય તો તેને ઓછી સજા આપવામાં આવશે. હિટ એન્ડ રન કેસમાં ૧૦ વર્ષની સજા થશે.
ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતામાં પહેલા ૪૮૫ કલમો હતી, હવે ૫૩૧ કલમો હશે. હવે નવા કાયદામાં પોલીસે જેની ધરપકડ કરી હશે તેના પરિવારજનોને પણ જાણ કરવાની રહેશે. પીડિત અને પરિવારને તપાસ અને કેસના વિવિધ તબક્કાઓ વિશે માહિતી આપવા માટે ઘણા મુદ્દા ઉમેરવામાં આવ્યા છે. પહેલાં બળાત્કાર માટે કલમ ૩૭૫, ૩૭૬ હતી, હવે કલમ ૬૩, ૬૯માં બળાત્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાંથી ગુનાઓની ચર્ચા શરૂ થાય છે.

હત્યાની કલમ ૩૦૨ હતી, હવે તે ૧૦૧ થઈ ગઈ છે. સામૂહિક બળાત્કારના આરોપીને ૨૦ વર્ષ સુધી અથવા તે જીવતો હોય ત્યાં સુધીની જેલની સજા થશે. અપહરણની કલમો ૩૫૯, ૩૬૯ હતી તે હવે બદલીને ૧૩૭ અને ૧૪૦ થઇ ગઇ છે. માનવ તસ્કરીની કલમો ૩૭૦, ૩૭૦અ હતી, હવે તે બદલાઇને ૧૪૩, ૧૪૪ થઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button