વેપાર

ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે સ્થિર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાતા સમુદ્ર મારફતે તેલનાં પુરવઠાની ચિંતા સપાટી પર આવતાં આજે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાઈ જતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનાં દબાણે નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને ગઈકાલની જ ૮૩.૧૮ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. ટ્રેડરોનાં જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આવ્યો હોવા છતાં ૧૦૨ની અંદરની સપાટીએ રહ્યો હોવાથી રૂપિયાને થોડાઘણાં અંશે ટેકો મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૧૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૮ અને ઉપરમાં ૮૩.૧૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલની જ ૮૩.૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં તેલનાં પુરવઠાની ચિંતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૭૮ ટકા વધીને બેરલદીઠ ૭૯.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૮ ટકા વધીને ૧૦૧.૮૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. જ્યારે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૯૩૦.૮૮ પૉઈન્ટનો અને ૩૦૨.૯૫ પૉઈન્ટનો કડાકો બોલાઈ જવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૦૧.૫૨ કરોડની વેચવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button