આમચી મુંબઈ

ઈસ્ટર્ન ફ્રી-વે થશે ચકાચક! ફ્રી-વે પર એક બાજુએ માઈક્રો સર્ફેસિંગ પૂર્ણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરથી દક્ષિણ મુંબઈ સુધી માત્ર ૧૫થી ૨૦ મિનિટમાં પહોંચાડનારો ઈસ્ટર્ન ફ્રી-વે ચકાચક થવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ ‘માઈક્રો-સર્ફેસિંગ’ ટેક્નોલોજીની મદદથી રસ્તાના સમારકામથી લઈને તેને કલર કરવા જેવા અનેક કામ હાથમાં લીધા છે.

ઈસ્ટર્ન ફ્રી-વેનું આયુષ્ય વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકા તરફથી આ રસ્તાની બંને તરફ ‘માઈક્રો-સર્ફેસિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડામરના નવા અને મજબૂત આવરણ કરવામાં આવી રહ્યા છે, તેમાંથી મુંબઈની દિશામાં આવતા રસ્તા પર નવ કિલોમીટર અંતરનું ‘માઈક્રો-સર્ફેસિંગ’ પૂરું થયું છે. તો બીજી બાજુએ રસ્તા પર લગભગ દોઢ કિલોમીટરનું અંતરનું પણ કામ પૂરું થયું છે. ‘માઈક્રો-સર્ફેસિંગ’ને કારણે ઈસ્ટર્ન ફ્રી-વેનું આયુષ્ય વધવામાં મદદ મળવાની છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા બાદ ફક્ત બે કલાકમાં જ વાહનવ્યવહાર ફરી ચાલુ કરી દેવામાં આવે છે. આ દરમિયાન ‘માઈક્રો-સર્ફેસિંગ’ની સાથે જ રસ્તાના ડીવાઈડરને કલર કરવાનું ડિવાઈડરમાં રોપાનું વાવેતર, સેફ્ટી વોલનું કલરનું પણ કામ કરવામાં આવી રહ્યું છે.

ઈસ્ટર્ન-ફ્રી વેની દેખરેખ અને સમારકામની જવાબદારી મુંબઈ મહાનગરપાલિકાની છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) મારફત આ રોડનું પાલિકાને હસ્તાંતરણ કરવામાં આવ્યું હતુંં. હસ્તાંતરણની પ્રક્રિયા બાદ આ અત્યંત મહત્ત્વના તેમ જ ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાની યોગ્ય દેખરેખ અને સમારકામ કરવાનો આદેશ પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહે આપ્યો હતો. તે મુજબ તેનું કામ કરવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button