નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીને 2014 અને 2019માં વારાણસીમાં લોકસભાની સીટ પર સૌથી મોટી જીત મળ્યા પછી આ સીટ પર મોદીનું પ્રભુત્વ રહ્યું છે ત્યારે આ બેઠક પર મોટા ગજાના નેતાને ચૂંટણી લડાવવાના ચક્રો ગતિમાન કરાયા છે. કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન (I.N.D.I.A. અલાયન્સ) માટે લોકસભાની ચૂંટણીમાં ટક્કર આપવા માટે હવે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને હરાવવા માટે વિપક્ષી દળોની સીટ શેરિંગ અને પીએમ પદના ઉમેદવાર મુદ્દે ઘણા બધા સવાલો ઉપસ્થિત કરવામાં આવે છે, ત્યારે હવે પીએમ મોદીની વારાણસીની સીટ પર I.N.D.I.A. અલાયન્સ પર ટોચના રાજકીય નેતા યા સુપરસ્ટારની પસંદગી કરવાની વિચારણા ચાલી રહી છે. આ સીટ પર બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ પ્રિયંકા ગાંધીનું નામ આગળ કરવામાં આવ્યું છે, જ્યારે મમતાએ જ મહાગઠબંધનમાં પીએમપદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ મૂક્યું હતું. પ્રિયંકા સિવાય નીતીશ કુમારનું નામ લેવાય છે, કારણ કે આ અગાઉ તેઓ એનડીએના સહયોગી રહ્યા છે, પરંતુ તેમણે એ બેઠક પરથી ચૂંટણી લડવાની મનાઈ કરી હોવાનું પણ કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની વારાણસીની લોકસભાની સીટ પર 1991માં પછી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. નરેન્દ્ર મોદીએ 2014 અને 2019માં આ સીટ પરથી સૌથી મોટી જીત મળી હતી. 1952માં એક દાયકા સુધી કોંગ્રેસનો આ સીટ પર કબજો હતો. ત્યારબાદ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીને પણ આ બેઠક પર જીતવામાં મુશ્કેલી રહી હતી.
વિપક્ષી પાર્ટીથી નારાજ છે કે નહીં નીતીશ કુમાર?
વિપક્ષી પાર્ટીની બેઠકમાં નીતીશ કુમાર નારાજ હોવા અંગે વિવિધ અટકળો વ્યક્ત કરવામાં આવી હતી. આ મુદ્દે જેડીયુ (જનતા દળ યુનાઈટેડ)ના રાષ્ટ્રીય પ્રમુખ લલન સિંહે કહ્યું હતું કે નીતીશ કુમાર નારાજ નથી. તેઓ બેઠકના અંત સુધી હાજર હતા. બેઠક પૂરી થયા પછી કોંગ્રેસના નેતોને મળીને બહાર ગયા હતા. લલન સિંહે દાવો કર્યો હતો કે ગઠબંધનમાં કોઈ તકરાર નથી. સીટની વહેંચણી મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, જ્યારે પંદરથી 20 દિવસમાં તેના અંગે જાહેરાત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.