નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ માટે 20.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
સ્ટાર્કનું કોલકાતા નાઈટ રાઈડર્સની તમામ મેચમાં રમવાનું નિશ્ચિત છે. જો તે લીગ રાઉન્ડની તમામ 14 મેચો રમે છે અને દરેક મેચમાં ચાર ઓવર (કુલ 336 બોલ)નો ક્વોટા ફેંકે છે તો તેના એક બોલની કિંમત 7.4 લાખ રૂપિયા થશે. જો કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ફાઈનલમાં પહોંચે છે તો તેને વધુમાં વધુ 17 મેચ રમવાની રહેશે. આવી સ્થિતિમાં સ્ટાર્ક 408 બોલ ફેંકશે. તેના એક બોલની કિંમત 6.1 લાખ રૂપિયા હશે.
આઇપીએલ ઓક્શનના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ખેલાડી માટે 20 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. મિશેલ સ્ટાર્ક આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. સેમ કરેનને પંજાબ કિંગ્સે 2023ની હરાજીમાં 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સ્ટાર્કની જેમ જો પેટ કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તમામ મેચ રમશે તો તે ગ્રુપ રાઉન્ડમાં 14 મેચમાં રમશે. આવી સ્થિતિમાં જો તે ચાર ઓવરનો ક્વોટા (કુલ 336 બોલ) પુરો કરે છે તો તેના એક બોલની કિંમત 6.1 લાખ રૂપિયા થઈ જશે. જો હૈદરાબાદ ફાઇનલમાં પહોંચે છે તો તેના એક બોલની કિંમત 5 લાખ રૂપિયા હશે.
Taboola Feed