ભાજપની યુવા પાંખના સભ્યનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળ્યો
પુણે: ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના સભ્યનો મૃતદેહ પુણેમાં રેલવેના પાટા પાસેથી મળી આવ્યો હતો.
ગવર્નમેન્ટ રેલવે પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે સુનીલ ધુમાળ (46) હડપસર સ્ટેશન પરિસરના રેલવે ગેટ નજીક મંગળવારની સવારે મૃત અવસ્થામાં મળ્યો હતો. ટ્રેનની અડફેટે આવવાને કારણે ધુમાળનું મૃત્યુ થયું હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટના એક અકસ્માત હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ધુમાળ તેની પુત્રીને શાળાએ મૂકીને પાછો ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તેની બાઈક રેલવે ગેટ નજીક પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસને લાગી રહ્યું છે કે રેલવે ગેટ બંધ હોવાથી ધુમાળે બાઈક ત્યાં પાર્ક કરી દીધી હશે. ફોન પર વાત કરતાં કરતાં તે ગેટ તરફ ગયો હશે અને ટ્રેને તેને ટક્કર મારી હશે, એવું જીઆરપીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)