એકસ્ટ્રા અફેર

ખડગે નાના પક્ષોને સાથે રાખવાની સમજદારી પણ બતાવે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ.)નું પડીકું થઈ જવાની અટકળો વચ્ચે ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ.)ના નેતાઓની ચોથી બેઠક થઈ ગઈ. આમ તો આ બેઠકે વિપક્ષી નેતાઓનો સંઘ કોઈ નક્કર આયોજન વિના હઈસો હઈસો કરીને આગળ વધી રહ્યો છે એ ફરી છતું થઈ ગયું પણ સાથે સાથે મલ્લિકાર્જુન ખડગેમાં કૉંગ્રેસના બીજા નેતાઓ કરતાં વધારે સમજદારી છે એ પણ સ્પષ્ટ થઈ ગયું.

કૉંગ્રેસના બીજા નેતા ઈન્ડિયા મોરચાના વડા પ્રધાનપદના ઉમેદવાર કોણ હશે તેની પારાયણ માંડીને બેઠા છે ત્યારે ખડગેએ બહુ સિફત અને સમજદારીપૂર્વક આ મુદ્દાને હાલ પૂરતો ટાળી દીધો કે જેથી સાથી પક્ષોમાં વિખવાદ ના થાય.

આ બેઠક પહેલાં પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહેલું કે, ભાજપ વિરોધી મોરચાના વડા પ્રધાનપદના ઉમેદવાર કોણ હશે એ મુદ્દે અત્યારે ચર્ચા જરૂરી નથી અને લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવે પછી એ અંગે નિર્ણય લઈશું. મમતાની વાત બરાબર હતી કેમ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મોરચાને ભાજપ કરતાં વધારે બેઠકો મળે તો આ બધી ક્વાયત કરવાની થાય. એ સિવાય અત્યારે ભેંસ ભાગોળે, છાસ છાગોળે છે ત્યારે ઘરમાં ધમાધમ કરવા જેવી નહોતી.

મમતાની વાત એ રીતે સમજદારીભરી હતી પણ બેઠકમાં મમતાની સમજદારી ગાયબ થઈ ગઈ. બેઠક પત્યા પછી એમડીએમકે સાંસદ વાઈકોએ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે મમતા બેનર્જીએ પોતે જ ભાજપ સામે લડવા માટે વિપક્ષના સેનાપતિપદે કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે હોવા જોઈએ એવું સૂચન કરી નાંખ્યું. મતલબ કે, મમતાએ ભાજપ વિરોધી મોરચાના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ સૂચવ્યું છે.

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે આ વાતને સમર્થન આપ્યું પણ મલ્લિકાર્જુન ખડગેએ પોતે હમણાં ઉતાવળ કરવા જેવી નથી એમ કહીને વાતને આગળ ના વધવા દીધી. ખડગેએ સાચે જ સમજદારી બતાવી કેમ કે ભાજપ વિરોધી પક્ષોએ વડા પ્રધાનપદનો ઉમેદવાર કોણ હશે એ મુદ્દે સમય બગાડવાની જરૂર જ નથી. ભાજપ નરેન્દ્ર મોદીને આગળ કરીને લડે છે જ્યારે વિપક્ષી મોરચા પાસે નરેન્દ્ર મોદીની હેડીનો કોઈ નેતા જ નથી. નરેન્દ્ર મોદી પોતાની હિંદુવાદી નેતા તરીકેની ઈમેજના કારણે દેશભરમાં લોકપ્રિય છે. વિપક્ષ પાસે મોદીની નજીક પણ આવી શકે તેવો કોઈ નેતા નથી. આ સંજોગોમાં વિપક્ષોએ એ પળોજણમાં પડવાની જરૂર જ નથી.

મોદીની લોકપ્રિયતા ભાજપની સૌથી મોટી તાકાત છે ને તેનો તોડ મોદીની સામે કોઈ પણ નેતાને વડા પ્રધાનપદનો ઉમેદવાર બનાવી દેવો નથી. તેના બદલે મોદીની લોકપ્રિયતાને બિનઅસરકારક કઈ રીતે કરી શકાય એ વિશે વિચારવું જોઈએ. સ્થાનિક મુદ્દાથી માંડીને સ્થાનિક નેતાગીરી, દરેક રાજ્ય કે લોકસભા બેઠક માટેની અલગ વ્યૂહરચના વિશે વિચારવું જોઈએ. તેના બદલે આ મોરચાના નેતાઓની પિન વડા પ્રધાનપદના ઉમેદવાર પર ચોંટેલી છે.

મમતાએ મલ્લિકાર્જુન ખડગેનું નામ સૂચવ્યું છે તો તેમની પણ વાત કરી લઈએ. ખડગે કૉંગ્રેસ માટે મોટા નેતા હશે પણ રાષ્ટ્રીય સ્તરે એ મોટા નેતા નથી. આખા ભારતમાં મોદીનો મુકાબલો કરવાની વાત છોડો પણ એ પોતાના રાજ્ય કર્ણાટકમાં પણ મોદીની લોકપ્રિયતાનો મુકાબલો કરી શકે તેમ નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એ પોતે હારી ગયેલા. ખડગે સિનિયર છે ને બહુ મહેનત કરીને આગળ આવ્યા છે તેમાં બેમત નથી. એ બદલ તેમના તરફ માન બતાવવું જોઈએ પણ તેનો મતલબ એ મોદીને ટક્કર આપી શકે એવો નથી.

ખડગે પોતે કદાચ આ વાત સમજે છે એટલે જ તેમણે મમતાએ સૂચવ્યા છતાં ઈન્ડિયા મોરચાના વડા પ્રધાનપદના ઉમેદવાર બનવા માટે બહુ થનગનાટ બતાવ્યો નથી. ખડગેમાં એ પણ સમજ હશે જ કે વિપક્ષી મોરચાઓ વડા પ્રધાનપદના ઉમેદવાર નક્કી કરવાના આવશે તો એ કૉંગ્રેસ સિવાયના બીજા કોઈ પક્ષમાંથી નહીં હોય પણ કૉંગ્રેસમાંથી જ હશે. તેનું કારણ એ કે, ભાજપને લોકસભાની ચૂંટણીમાં હરાવવો હોય તો કૉંગ્રેસે જ પોતાની બેઠકો વધારવી પડે એમ છે, ભાજપ કૉંગ્રેસ સામે સીધી ટક્કર છે એવાં રાજ્યોમાં ક્લીન સ્વીપ કરીને જીતે છે. કૉંગ્રેસ ભાજપને ક્લીન સ્વીપ ના કરવા દે તો આપોઆપ ભાજપની બેઠકો ઘટશે ને કૉંગ્રેસની વધશે. ભાજપને હરાવવાનો એ જ એક માત્ર ઉપાય છે ને એવું થશે તો આપોઆપ વિપક્ષોમાં કૉંગ્રેસ જ સૌથી મોટો પક્ષ હશે ને વડા પ્રધાન તેનો જ બનશે. આ સંજોગોમાં અત્યારથી કશું નક્કી કરવાની જરૂર નથી.

આ બધું કરવાના બદલે ઈન્ડિયા મોરચાએ ભાજપ સામે લડવા માટે નક્કર વ્યૂહરચના ઘડવી જોઈએ. ફાલતુ વાતોમાં સમય પસાર કરવાના બદલે ભાજપને કઈ રીતે હરાવી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દેશનાં મહત્ત્વનાં ત્રણ રાજ્યો એવાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની ભવ્ય જીત કેમ થઈ તેની ચર્ચા કરવી જોઈએ. ભાજપને પછાડવો હોય તો ભાજપ ચૂંટણી જીતવા માટે શું વ્યૂહરચના ઘડે છે ને તેનો તોડા કાઢવા ભાજપ વિરોધી પક્ષોએ શું કરવું જોઈએ તેની ચર્ચા તો કરવી પડે કે નહીં? તેના બદલે ભાજપ વિરોધી પક્ષો નરેન્દ્ર મોદી સામે વડા પ્રધાનપદનો ઉમેદવાર કોણ હશે એ ફાલતુ મુદ્દે સમય બગાડશે તો તેમાં ભાજપનું કશું નથી બગડવાનું પણ વિપક્ષોનું બધું બગડી જશે.

આ બેઠક પહેલાં શિવસેનાના મુખપત્ર સામનામાં કૉંગ્રેસને કેટલીક કડવી વાતો કહેવાયેલી. કૉંગ્રેસે એ વાતો પર ધ્યાન આપવું જોઈએ. સામનાએ લખ્યું હતું કે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં કૉંગ્રેસ એકલા હાથે જીતની કેક ખાવા માગતી હતી તેથી નાના પક્ષોને ગઠબંધનથી દૂર રાખવામાં આવ્યા. કૉંગ્રેસ પોતાના દમ પર જીતવાની સંભાવના ધરાવે છે, ત્યાં તે અન્ય કોઈને સાથે લેવા તૈયાર નથી અને તેના અહંકારની સાથે-સાથે ઈન્ડિયાને પણ નુકસાન પહોંચાડે છે. કૉંગ્રેસે ગઠબંધનનું મહત્ત્વ સમજવું જોઈએ, દિલ્હીમાં ભેગા થઈને લંચ કરીને પછી હાથ લૂછીને ઘરે જવાની સિસ્ટમ હવે સુધારવી જોઈએ.

ખડગે થોડી વધારે સમજદારી બતાવીને બીજા પક્ષોને સાથે લેવાનું વલણ અપનાવશે તો ઈન્ડિયા ટકશે, બાકી લોકસભાની ચૂંટણીનું પરિણામ ત્રણ રાજ્યોથી અલગ નહીં હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button