આવતીકાલે ભારતીય મહિલા ટીમની ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ
મુંબઈઃ આજથી મુંબઇ ખાતે ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ શરૂ થશે. ભારતીય મહિલા ટીમે ઇગ્લેન્ડને હરાવ્યા બાદ ફોર્મમાં છે. ભારત 46 વર્ષમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી દસ ટેસ્ટમાંથી એક પણ જીતી શક્યું નથી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં ટીમ જાણે છે કે સ્પિનરો માટે અનુકૂળ પીચ પર તેની પાસે આનાથી વધુ સારી તક હોઈ શકે નહીં.
ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ ગયા અઠવાડિયે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામેની 347 રનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત હતી. હવે દીપ્તિ ઓસ્ટ્રેલિયા સામે પણ તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માંગશે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે પણ નવા બોલ સાથે સારું પ્રદર્શન કર્યું છે. ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકરે પણ ઈંગ્લેન્ડ સામે ત્રણ વિકેટ ઝડપી હતી.
હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્ઝ અને યાસ્તિકા ભાટિયા ઈંગ્લેન્ડ સામે સારી બેટિંગ કરી હતી. ભારતને ઓપનર સ્મૃતિ મંધાના પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. ડાબોડી બેટ્સમેન શુભા સતીશ આ મેચમાં રમી શકશે નહીં, જેને ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ફ્રેક્ચર થયું હતું. પૂજા પૂનિયા ભારતીય ટીમ સાથે કવર તરીકે જોડાયેલી છે, પરંતુ હરલીન દેઓલને તક મળી શકે છે જેણે નેટમાં લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી હતી.