સોનામાં રૂ. ૩૬૫ની અને ચાંદીમાં રૂ. ૩૮૮ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અવઢવ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યાના અહેવાલ હતા. તેમ જ ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૮૮ વધી આવ્યા હતા અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૩થી ૩૬૫નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૮૮ વધીને રૂ. ૭૪,૦૪૦ની સપાટીએ રહ્યા હતા. વધુમાં સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતા મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૩ વધીને રૂ. ૬૨,૧૯૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૪૪૯ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વે છેલ્લી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખવાની સાથે આગામી વર્ષ ૨૦૨૪થી હળવી નાણાનીતિ અપનાવવાનો સંકેત આપ્યો હતો. તેમ જ ફેડરલના અમુક અધિકારીઓએ વર્ષ દરમિયાન વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હોવા છતાં રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે જાહેર થનારા નવેમ્બર મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૦૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વિશ્ર્લેષકોના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્વિક સોના માટે ઔંસદીઠ ૨૦૫૦ ડૉલર આસપાસની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે. જોકે, સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા થકી વ્યાજદરમાં કપાત અંગે વધુ સ્પષ્ટતા થાય તેમ હોવાથી રોકાણકારોએ અત્યારે સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અખત્યાર કર્યું હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે.