નેશનલ

છત્તીસગઢ વિધાનસભામાં લેવાયા સંસ્કૃતમાં શપથ

રાયપુર: દેશના પાંચ રાજ્યમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને મુખ્ય પ્રધાનની નિમણૂક પણ થઇ ગઇ છે. હવે અન્ય વિધાનસભ્યોના શપથ ગ્રહણ થઇ રહ્યા છે, જેમાં આજે છત્તીસગઢના વિધાનસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. છત્તીસગઢના 90 સભ્યોના ગૃહના ઉદ્ઘાટન સત્રના પ્રથમ દિવસે સંસ્કૃતમાં વિધાનસભ્ય તરીકે શપથ લેનારા અડધા ડઝન ધારાસભ્યોમાં આદિવાસી બસ્તર ક્ષેત્રના ત્રણ સહિત ચાર આદિવાસી વિધાનસભ્યનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય ઘણા લોકોએ હિન્દીમાં અને સ્થાનિક છત્તીસગઢી બોલીમાં શપથ લીધા હતા. ભાજપના પાંચ વિધાનસભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા હતા, જ્યારે કોંગ્રેસના એક વિધાનસભ્યએ પણ સંસ્કૃતમાં શપથ લેવાનું પસંદ કર્યું હતું.

આદિવાસી બસ્તર ક્ષેત્રમાં અનુક્રમે નારાયણપુર (ST) અને કોંડાગાંવ (ST) થી ચૂંટણી જીતેલા બે ભૂતપૂર્વ પ્રધાનો, કેદાર કશ્યપ અને લતા યુસેન્ડીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા. તેવી જ રીતે, તે જ પ્રદેશમાં દંતેવાડા (ST) થી જીતેલા પ્રથમ વખતના ભાજપના વિધાનસભ્ય ચેરરામ અટ્ટમીએ પણ તેનું અનુસરણ કર્યું.


આ ઉપરાંત કટઘોરા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્ય પ્રેમચંદ પટેલ અને અરંગ (SC)ના ધારાસભ્ય ગુરુ કુશવંત સિંહે પણ સંસ્કૃતમાં શપથ લીધા હતા. સંસ્કૃત ભાષામાં શપથ લેનાર કોંગ્રેસના એકમાત્ર વિધાનસભ્ય વિદ્યાવતી સિદર છે, જે લૈલુંગા (ST) મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાયા છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઘણા સભ્યોએ સ્થાનિક છત્તીસગઢી બોલીમાં વિધાનસભ્ય તરીકે શપથ લીધા હતા, તેમાંના અગ્રણીઓમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, ભૂતપૂર્વ સ્પીકર ધરમલાલ કૌશિક, નવા ચૂંટાયેલા મહિલા વિધાનસભ્ય ચતુરી નંદ અને ભાજપના આશારામ નેતામનો સમાવેશ થાય છે. છત્તીસગઢી ફિલ્મ સ્ટાર અનુજ શર્મા, જેઓ પ્રથમ વખત વિધાનસભામાં આવ્યા હતા. તેમણે પણ સ્થાનિક બોલીમાં શપથ લેવાનું પસંદ કર્યું હતું. કોન્ટા મતવિસ્તારના પાંચ વખતના કોંગ્રેસના વિધાનસભ્ય કાવાસી લખ્મા જેમની પાસે કોઈ ઔપચારિક શિક્ષણ નથી, તેમને પ્રો-ટેમ સ્પીકર રામવિચર નેતામ દ્વારા શપથના શ્રુતલેખનની કોપી આપવામાં આવી હતી. લખ્માએ થોડીક મૂંઝવણ સાથે સફળતાપૂર્વક તેનું પુનરાવર્તન કર્યું હતું. અગાઉની ભૂપેશ બઘેલ સરકારમાં મંત્રી રહેલા લખ્માએ તેમની વિધાનસભા બેઠક જાળવી રાખી છે અને ભાજપના લોકપ્રિય સ્થાનિક નેતા સોયમ મુક્કાને સાંકડા અંતરથી હરાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button