IPL 2024 Auction: 26 બોલર, 25 ઓલરાઉન્ડર, 13 બેટ્સમેન અને 8 વિકેટકીપર વેચાયા, જાણો કોને કેટલી રકમ મળી…
દુબઈ: મંગળવારે દુબઈમાં યોજાયેલા IPL 2024 માટે મિની ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝી દ્વારા કુલ 72 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. ખરીદાયેલા ખેલાડીઓમાં સૌથી વધુ સંખ્યામાં બોલરો હતા અને સૌથી વધુ પૈસા પણ બોલરો પર ખર્ચવામાં આવ્યા હતા. ખરીદાયેલા કુલ ખેલાડીઓમાં 26 બોલર, 25 ઓલરાઉન્ડર, 13 બેટ્સમેન અને 8 વિકેટકીપરનો સમાવેશ થાય છે.
મિચેલ સ્ટાર્ક હરાજીમાં સૌથી મોંઘો વેચનાર ખેલાડી રહ્યો, જેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ સાથે મિચેલ સ્ટાર્ક માત્ર આ હરાજીમાં જ નહીં પરંતુ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
બધી ફ્રેન્ચાઈઝી મળીને કુલ રૂ. 90.05 કરોડનો ખર્ચ 26 બોલરો પર કરવામાં આવ્યો હતો, જેમાંથી માત્ર મિચેલ સ્ટાર અને પેટ કમિન્સ જ અડધાથી વધુ રકમ (45.25 કરોડ) લઈ ગયા હતા. સ્ટાર્કને રૂ. 24.75 કરોડમાં અને પેટ કમિન્સને રૂ. 20.50 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
25 ઓલરાઉન્ડરો પર કુલ 78.85 રૂપિયાનો ખર્ચ થયો હતો. ઓલરાઉન્ડરોમાં ન્યૂઝીલેન્ડનો ડેરીલ મિશેલ સૌથી મોંઘો સાબિત થયો. મિશેલને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ સિવાય ભારતીય મૂળના અનકેપ્ડ ખેલાડી શાહરૂખ ખાનને મોટી રકમ મળી હતી, ગુજરાત ટાઇટન્સે 7.4 કરોડ રૂપિયાની આપીને શાહરૂખને પોતાની ટીમમાં સામેલ કર્યો.
હરાજીમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી મળીને માત્ર 13 બેટ્સમેન ખરીદ્યા, જેના પર કુલ 44.20 રૂપિયાનો ખર્ચ થયો. સૌથી મોંઘો બેટ્સમેન સમીર રિઝવી હતો, જેને ચેન્નાઈ સુપર કિંગ્સે 8.40 રૂપિયામાં ખરીદ્યો હતો. સમીર અનકેપ્ડ ખેલાડી છે, જે ઉત્તર પ્રદેશ માટે રમે છે.
IPL 2024ની હરાજીમાં કુલ 8 વિકેટકીપર ખરીદવામાં આવ્યા હતા, વિકેટકીપરો પર કુલ 13.35 કરોડ રૂપિયા ખર્ચાયા. જેમાંથી ભારતીય મૂળનો કુમાર કુશાગ્ર સૌથી મોંઘા ભાવે ખરીદાયો. અનકેપ્ડ કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે રૂ. 7.20 કરોડમાં ખરીદ્યો, દિલ્હીએ વિદેશી વિકેટકીપર શાઈ હોપને 75 લાખ રૂપિયામાં ટીમનો હિસ્સો બનાવ્યો હતો.